લગ્ન (ભારતીય પરંપરા) : હિંદુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર. હિંદુ ધર્મમાં લગ્ન સ્ત્રી અને પુરુષને એકસાથે રહી, એક બની સંસારયાત્રા કરવાની માન્યતા આપે છે.

વેદના સૂર્યાસૂક્તમાં કહ્યું છે તેમ, સ્ત્રી-પુરુષ દ્યાવા-પૃથિવી કે ઋક્-સામની માફક લગ્ન-સંસ્કારથી જોડાય છે. સ્ત્રી-પુરુષ આ સંસ્કારથી જોડાઈ એક પિંડ બને છે. સાત પેઢી સુધીના કૌટુંબિક સંબંધને આથી જ સાપિંડ્ય સંબંધ કહેવામાં આવે છે. તેઓ એક જ દેહના દક્ષિણ અને વામ ભાગ બની રહે છે. આ સંસ્કારથી પુરુષ અને સ્ત્રી પતિ-પત્ની બને છે. બંને એકબીજા સિવાય અપૂર્ણ છે. ‘દંપતી’ શબ્દ પતિ-પત્નીનો વાચક છે.

લગ્નને વિવાહ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં થતા સંસ્કારોમાં આ એક જીવંત અને મહત્વનો સંસ્કાર છે. લગ્ન (જોડાવાની ક્રિયા), વિવાહ (પિતૃગૃહેથી કન્યાને લઈ જવી), પરિણય કે પરિણયન (અગ્નિની પ્રદક્ષિણા કરવી), ઉપયમ (નજીક લાવી પોતાની કરવી) અને પાણિગ્રહણ કે પાણિપીડન (કન્યાનો હાથ ગ્રહણ કરવો) આ સંસ્કારના પર્યાયો છે.

દ્યાવા-પૃથિવી એક વાર એક હતાં. તેઓ વિખૂટાં પડ્યાં. તાંડ્ય બ્રાહ્મણ કહે છે કે તે પછી તેઓએ કહ્યું, ‘આપણે વિવાહથી જોડાઈએ, જેથી આપણી વચ્ચે સહકાર વધે’ અને વિવાહ અસ્તિત્વમાં આવ્યો. (તાં-બ્રા. 7-10-9) મહાભારત અનુસાર આદિકાળમાં વિવાહ જેવું કશુંય ન હતું. ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ દીર્ઘતમસ્ વગેરેએ પ્રવર્તાવેલા ગોધર્મને બંધ કરાવી વિવાહપ્રથા આરંભી. (મ.ભા-આ-પ.113.4). સભાપર્વ(31/37, 38)માં માહિષ્મતીમાં સ્વચ્છંદે વિહરતી સ્ત્રીઓનો ઉલ્લેખ છે. સૂર્યાસૂક્ત બતાવે છે કે ગાર્હપત્ય માટે પુરુષ સ્ત્રીને સ્વીકારે છે. (ઋ.વે. 10/85; અ.વે. 14/1, 2). આથી દેવપૂજામાં પરસ્પર સહકાર વધે. (ઋ.વે. 10/85/36) પરિણામે પત્ની જ ઘર બને છે. (ઋ.વે. 5/3/2). સંતાનને જન્મ આપી તે પતિને જ પુત્રરૂપે જીવતો રાખે છે. (ઐ. બ્રા. 33/1). પત્નીને પામીને જ પુરુષ પૂર્ણ બને છે. (ઐ. આ. 1/2/4). પુરુષ સ્ત્રીને પત્ની રૂપે પામે છે, ધર્મકૃત્યો કરવાનો અધિકારી બને છે અને પુત્રો-પૌત્રોને પામે છે. ઋણત્રયમાંથી મુક્ત થતો હોવાનું મનુ પણ સમર્થન કરે છે. (મનુસ્મૃતિ 9/28). આમ ધર્મસંપત્તિ, પ્રજા અને રતિ વિવાહના ત્રિવિધ ઉદ્દેશો છે.

વિવાહના પ્રકારો વિશે વિચારતાં જણાય છે કે વિભિન્ન જાતિઓ ટોળીઓ (જુદા જુદા કુટુમ્બના કબીલા) રૂપે રહેતી હતી. તેથી એક પરિવારનાં સંતાનો ભાઈબહેન મનાતા હતા. પરિણામે સાપિંડ્ય અને સગોત્ર વૈવાહિક સંબંધોનો નિષેધ મનાયો છે. સામા પક્ષની કન્યા સાથે ગાંધર્વ, રાક્ષસ, આસુર કે પૈશાચ વિધિથી લગ્નો થતાં. બંને પરિવારોનાં માબાપ પણ લગ્નો ગોઠવી આપતાં હતાં. આવાં લગ્નોની વિધિ પ્રાજાપત્ય વિવાહવિધિ કહેવાતી હતી. ક્યારેક કન્યા સ્વયંવરથી વરની પસંદગી જાતે કરતી હતી. કન્યાની અછત કે કન્યાના પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે ગાયોનાં બે જોડાં આપવાની પ્રથા અમલી બનાવી. આર્ષ વિવાહ પણ સ્વીકારાયો. સુસંસ્કૃત સમાજમાં બ્રાહ્મ અને દૈવ જેવા વિવાહ-પ્રકારો પણ અસ્તિત્વમાં આવ્યા. કલ્પસૂત્રો – ગૃહ્યસૂત્રો અને સ્મૃતિગ્રંથોમાં વિવાહના પ્રકારો વિશે વિગતે ચર્ચા થયેલી છે.

વિવાહવિધિના ત્રણ તબક્કાઓ છે : (1) વિવાહવિધિનું પૂર્વાંગ, (2) પરિણયન (પાણિગ્રહણ, હોમ-પ્રદક્ષિણા અને સપ્તપદી, અને (3) વિવાહનું ઉત્તરાંગ (ધ્રુવદર્શન, ચતુર્થીકર્મ વગેરે). પરિણયનની મુખ્ય વિધિ બધાં ગૃહ્યસૂત્રોમાં લગભગ સમાન છે. પૂર્વાંગ અને ઉત્તરાંગમાં ક્રમભેદ જોવા મળે છે. આશ્વલાયન ગૃહ્યસૂત્ર સપ્તપદીની પહેલાં પ્રદક્ષિણા દર્શાવે છે. (આ. ગૃ. સૂ. 2/7/7; આપ. ગૃ. સૂ. 4/6), પરંતુ ગોભિલ, ખાદિર અને બૌધાયન ગૃહ્ય સૂત્ર સપ્તપદી પછી પાણિગ્રહણવિધિ આપે છે. (ગો-ગૃ-સૂ. 2/2/16; ખા. ગૃ. સૂ. 1/3/31; બૌ-ગૃ-સૂ. (1/4/10). બાકીનાં ગૃહ્યસૂત્રો પાણિગ્રહણ-વિધિ સપ્તપદીની પહેલાં આપે છે.

વિવાહવિધિના પૂર્વાંગમાં આશ્વલાયન મધુપર્કનો ઉલ્લેખ કરતા નથી; પણ આપસ્તંબ, બૌધાયન અને માનવ ગૃહ્યસૂત્ર મધુપર્કનો ઉલ્લેખ કરે છે. (આ. ગૃ. સૂ. 3/4; બૌ-ગૃ-સૂ.1/2/1; મા.ગૃ.સૂ. 1/9) આશ્વલાયન પ્રથમ ચાર પ્રકારમાં રાક્ષસ વગેરે વિવાહમાં ‘દદ્યાત્’ પ્રયોગ દ્વારા કન્યાદાન કરે છે. છેલ્લા ચાર પ્રકારમાં કન્યાદાનની વિધિને અવકાશ નથી. પારસ્કર ગૃહ્યસૂત્ર અને માનવ ગૃહ્યસૂત્રમાં કન્યાદાનની વિધિ વિગતે આપી છે. (પા.ગૃ.સૂ. 1/47, માન.ગૃ.સૂ. 1/8/6–9).

વિવાહમાં કન્યાદાન દ્વારા સ્ત્રીની સુરક્ષાની જવાબદારી પતિને આપવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના સેવનમાં સ્ત્રીને પત્ની તરીકે સાથે રાખવાની જવાબદારી કન્યાદાન દ્વારા પુરુષને સોંપવામાં આવે છે. સ્ત્રી-પુરુષ પતિ-પત્ની તરીકે ત્રિવર્ગના સેવનના અધિકારી બને છે.

વિવાહવિધિના પૂર્વાંગમાં વધૂ-વર ગુણપરીક્ષા, વરપ્રેષણ, વાગ્દાત, મંડપકરણ, નાન્દીશ્રાદ્ધ, પુણ્યાહવાચન, વધૂગૃહગમન, મધુપર્ક, કન્યા સ્નેહન, પરિધાપન, સંહનન–સમંજન, પ્રતિસર બંધન, વધૂવર નિષ્ક્રમણ અને પરસ્પર સમીક્ષણ વિધિનો સમાવેશ થાય છે. પરિણયનની મુખ્ય વિધિમાં કન્યાદાન, અગ્નિસ્થાપન, હોમ, પાણિગ્રહણ, અગ્નિપરિણયન, અશ્મારોહણ અને સપ્તપદીનો સમાવેશ થાય છે. વિવાહવિધિના ઉત્તરાંગમાં મૂર્ધાભિષેક, સૂર્યોદ્વીક્ષણ, હૃદયાલંભન, પ્રેક્ષકાનુમંત્રણ, દક્ષિણાદાન, ગૃહપ્રવેશ, ગૃહપ્રવેશનીય હોમ, ધ્રુવ–અરુન્ધતી–દર્શન અને આગ્નેય સ્થાલીપાક આવે છે. આ પછી ચતુર્થીકર્મની અંગભૂતવિધિમાં સીમાની પૂજા, ગૌરી-હર પૂજા, ઇન્દ્રાણીપૂજા, તૈલહરિદ્રા રોપણ, આર્દ્રાક્ષતારોપણ, મંગલસૂત્રબંધન, ઉત્તરીય પ્રાન્તબંધન (છેડાછેડી), ઐરિણીદાન, દેવકોત્થાપક અને મંડપોદ્વાસન (માંડવો વધાવવો) જેવી વિધિઓ આવે છે. વિભિન્ન કલ્પસૂત્રો, સ્મૃતિઓ અને નિબંધગ્રંથોમાં પોતપોતાની શાખાનાં ગૃહ્યસૂત્રો અનુસાર વિવાહ અને સ્મશાન (મરણોત્તર) ક્રિયાઓ કરવા જણાવાયું છે. કેટલીયે વિવિધ વિધિઓએ રિવાજોનું સ્વરૂપ ધારણ કર્યું હોવાથી વિવાહવિધિઓનું મૂળ સ્વરૂપ બદલાયું છે, તો ક્યારેક રિવાજ રૂપે વિધિનું પુનરાવર્તન પણ થયેલું છે.

વિવાહ વિધિના સામાન્યત: પ્રચલિત વિધિવિધાન ક્રમશ: વિકાસ પામ્યા છે. તે આ પ્રમાણે છે :

વાગ્દાન : વર અને કન્યાપક્ષ પોતપોતાનાં સંતાનને વિવાહવિધિથી જોડવા વચન આપે તેને વાગ્દાન, વેવિશાળ, સગપણ કે ચાંલ્લો કહેવામાં આવે છે. વર-વધૂ ગુણપરીક્ષા, ઇન્દ્રાણી પૂજા, શ્રીફળ વિધિ તેનાં પ્રધાન અંગો છે.

વિવાહ નેપથ્ય : વિવાહ પૂર્વે વર-વધૂને પીઠી ચોળી સુમુહૂર્ત કરવામાં આવે. પાણિગ્રહણ થતાં પૂર્વે કંકણબંધન (માળા નાખવી) જેવા રિવાજોમાં જળવાયેલી વિધિ છે.

કન્યાદાન : ગૃહ્યસૂત્રો પ્રમાણે પિતા, પાલકપિતા, ભાઈ કે કોઈ પણ હિતેચ્છુ કન્યાદાન કરી શકે. કન્યાદાન થતાં પત્ની બનતી સ્ત્રીને ‘દેવી’નો દરજ્જો મળે છે. કન્યાદાન વખતે કન્યાને ખાસ પાનેતર પહેરાવવામાં આવતું હતું. ભારતમાં કેટલાક પ્રદેશો લાલ, તો કેટલાક પ્રદેશોમાં સફેદ કે પીળું પાનેતર પહેરાવવામાં આવે છે. ઉત્તરીય રૂપે ચૂંદડી ઓઢાડી અવગુંઠન(ઘૂંઘટ)ની પરંપરા પણ હતી.

લગ્નનું મુહૂર્ત : ચંદ્રબળ, નક્ષત્રબળ, ક્ધયાને ગુરુબળ, વરને સૂર્યબળ જોઈને વિવાહ માટે મુહૂર્ત નિશ્ચિત કરવામાં આવે છે. આ સાથે મંગલ આરંભ થાય તે અપેક્ષિત મનાયું છે.

વિવાહવિધિ : પ્રતિકર્મ – પીઠી ચોળી અભ્યંગપૂર્વક અષ્ટાપદકુંભ સાથે મંગળ સ્નાન કરાવી વિવાહ નેપથ્ય કરવામાં આવે. પુરુષ કરતાં સ્ત્રીના શણગારની વિગતો અત્ર-તત્ર મળે છે.

પ્રતિસર : રક્ષાસૂત્ર તરીકે બંધાતો ઊનનો દોરો. આથી મીંઢળ બાંધવાની વિધિ છે. ચતુર્થીકર્મ વખતે તે છોડવામાં આવે છે. અથર્વવેદમાં આ કૌતુકમંગલને મધ્યમણિ બંધન કહ્યું છે (કૌ. સૂ. 7/25).

ગોત્રજ : મંગળ સ્નાન કરી શણગારાયેલી કન્યાને ગોત્રજ કુળની પ્રતિષ્ઠારૂપ વડીલ સતીઓને વંદન કરવા કહેવામાં આવતું હતું. કુળદેવીને વંદન કરવાની આ પરંપરાનું પાલન વિવાહપૂર્વે કરવામાં આવતું હતું.

વધૂગૃહાગમન : વરયાત્રા દ્વારા વર કન્યાને ઘેર આવે, તેમનું સ્વાગત (સામૈયું) થાય.

મધુપર્ક : આવેલા વરરાજાનું સ્વાગત મધુપર્કની વિધિથી કરવામાં આવે છે. આ પહેલાં પોંખવાની વિધિની સાથે સમંજન વરકન્યાને જુએ તે રીતે પરસ્પર હાર પહેરાવવાનો રિવાજ થઈ ગયો છે.

કન્યાદાન : કેટલીક જ્ઞાતિઓમાં ગોત્રજ પાસે બેઠેલી કન્યા પાસે વરને લઈ જઈ પાણિગ્રહણની વિધિ કરવામાં આવે છે. સામાન્યત: મધુપર્ક થયું હોય ત્યાં કન્યાને પધરાવી પાણિગ્રહણ-વિધિ કરવામાં આવે છે. કન્યાને પધરાવવામાં આવે તે પ્રસંગે હાર પહેરાવવાની પરંપરા સમંજન વિધિમાંથી જન્મી છે.

પરિણયન : વિવાહ હોમમાં લાજા હોમ આવે. રાષ્ટ્રભૂત, જય, અભ્યામાત હોમ પછી લાજા હોમ કરી અગ્નિની ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. સોમ, ગંધર્વ અને અગ્નિ દ્વારા ભોગવાયેલી કન્યા અગ્નિની ત્રણ પ્રદક્ષિણા કરી વરને પતિ તરીકે આ વિધિથી પ્રાપ્ત કરે છે. પારસ્કર ગૃહ્યસૂત્ર રાષ્ટ્રભૂત, જય અને અભ્યામાન હોમને કૃતાકૃત ગણે છે; પણ અગ્ન્યાદિ પંચક અને લાજા હોમને અનિવાર્ય ગણે છે. (પાર. ગૃ. સૂ. 1/5/78) લાજા હોમમાં ગૃહ્યસૂત્રો અનુસાર શમીપત્ર અને લાજા (ડાંગરની ધાણી) મિશ્ર કરી હોમવામાં આવે છે. હોમ પછી ધૂપગ્રહણ કરવામાં આવે છે. અશ્મારોહણ અહીં અંગભૂત વિધિ છે.

સપ્તપદી : વિવાહવિધિમાં પરિણયન (અગ્નિની પ્રદક્ષિણા) પછી સપ્તપદીની વિધિ આવે છે. હિન્દુ કાયદા પ્રમાણે હિન્દુ વિવાહવિધિનું આ એક અનિવાર્ય અંગ છે. દાંપત્યજીવનના હેતુ અને દાંપત્યજીવનના આદર્શનાં આ સાત સોપાન છે. આ સાત પગલાં છે, પ્રદક્ષિણાના ફેરા નહિ. દેવો, સાજન મહાજન અને અગ્નિની સાક્ષીને અહીં મહત્વ અપાયું છે. પતિ-પત્ની બનતાં સ્ત્રી-પુરુષનો આદર્શ મૈત્રીભાવ કેન્દ્રમાં હોવાનું આ વિધિ દર્શાવે છે. દાંપત્યની સફળતાની આધારશિલા પરસ્પર અનુકૂલન છે એ તેનો પ્રધાન સૂર છે.

ધ્રુવદર્શન : ધ્રુવ-અરુંધતી દર્શન કરાવી જીવનમાં અરુન્ધતીનો આદર્શ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

આર્દ્રાક્ષતારોપણ : સૌભાગ્ય આપવાની વિધિરૂપે પરિણમેલી વિધિ છે. ચાંદીના વાડકામાં દૂધ–ઘી નાખી અક્ષત (આખા ચોખા) તેમાં કન્યાના હાથે નંખાય. બીજા લોકો કન્યાના હાથમાં ચોખા નાખે. કન્યાના પિતા સુવર્ણમુદ્રા મૂકે. વર પોતાનો હાથ કન્યાની અંજલિમાં મૂકે અને વરકન્યા ભીના અક્ષત એકબીજા ઉપર નાખે, એવી મૂળ વિધિ હતી.

ત્રિરાત્ર બ્રહ્મચર્ય, ચતુર્થીકર્મ, સીમાન્તપૂજા, ગૌરી-હરપૂજન, ઇન્દ્રાણીપૂજા કે તૈલહરિદ્રા રોપણ પછી આ વિધિ આવે. આ વિધિઓના કેટલાક અંશ રિવાજો રૂપે જીવિત છે.

કૌતુકાગાર પ્રવેશ : મંગલસૂત્રબંધન, ઉત્તરીય પ્રાંત બંધન, ખૈરિણીદાન, દેવકોત્થાપન, અંડપોદ્વાસન પછી કૌતુકગૃહમાં નવદંપતીનું પ્રથમ મિલન થાય. આ પણ વિવાહવિધિનો અંતિમ ભાગ છે.

આજે વાગ્દાન, મધુપર્ક, કન્યાદાન-પાણિગ્રહણ, પરિણયન, સપ્તપદી વિવાહની પ્રચલિત વિધિનાં મહત્વનાં અંગ છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા