રહોડ આઇલૅન્ડ : યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી નાનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41° 41´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો 3,140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ઈશાન યુ.એસ.માં ઍટલાંટિક મહાસાગરના ફાંટારૂપ નૅરેગેન્સેટના અખાત પર છે અને તેમાં 36 જેટલા ટાપુઓ આવેલા છે. રાજ્યનો મોટાભાગનો વિસ્તાર યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર છે. આ રાજ્ય ટાપુ પર આવેલું હોવાથી તેનું ઉપનામ ‘ઓશન સ્ટેટ’ રાખેલું છે. તેની વસ્તી માત્ર 10,03,464 (1990) જેટલી હોવાથી વસ્તીની દૃષ્ટિએ પણ તે દેશનું નાનામાં નાનું રાજ્ય ગણાય છે. પ્રૉવેડન્સ તેનું મોટામાં મોટું શહેર અને પાટનગર હોવા ઉપરાંત તે રાજ્યનું મુખ્ય આર્થિક મથક પણ છે. વૉરવિક અને ક્રૅન્સ્ટન અહીંનાં બીજાં મોટાં શહેરો છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : રહોડ આઇલૅન્ડનો વાયવ્ય ભાગ તેની આશરે 33 % જેટલી ભૂમિ આવરી લે છે. તેમાં ઘણી ટેકરીઓ છે. તે પૈકીની 247 મીટર ઊંચાઈ ધરાવતી જેરીમૉથ હિલ રાજ્યનું સર્વોચ્ચ સ્થળ ગણાય છે. મુખ્ય ભૂમિનો બાકીનો ભાગ નીચાણવાળો છે. અખાતની પૂર્વ તરફ કેટલોક ભૂમિભાગ, નીચાણવાળા વિભાગમાં મેદાની પ્રદેશ તેમજ રેતાળ સમુદ્રતટ આવેલા છે. ટાપુઓ અને કિનારાઓ પર ખડકાળ ભેખડો જોવા મળે છે.
આ રાજ્યની આબોહવા મહાસાગરની સમીપતાને કારણે નરમ અને સમધાત રહે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 22° સે. અને –2° સે. જેટલાં રહે છે. વરસાદનું પ્રમાણ 1,080 મિમી. જેટલું રહે છે.
અર્થતંત્ર : કેટલીક પેદાશોનું ઉત્પાદન આ રાજ્યની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. અહીં મુખ્યત્વે તો ઝવેરાત અને ચાંદીની ચીજવસ્તુઓ બનાવાય છે. બીજી કેટલીક પેદાશોમાં દૂરસંચારનાં સાધનો, લોખંડનો સામાન તથા છાપકામની વસ્તુઓનો સમાવેશ થાય છે. રાજ્યના 60 % લોકો સેવા-ઉદ્યોગોમાં અને બાકીના પૈકીના કેટલાક શિક્ષણમાં રોકાયેલા છે. યુ.એસ.ના ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તાર માટે અહીંનું પ્રૉવેડન્સ શહેર નાણાં અને વેપારનું મુખ્ય મથક બની રહેલું છે. હરિતગૃહો (green houses) અને રોપાગૃહો (nurseries) રાજ્યને ઘણી આવક મેળવી આપે છે. આ ઉપરાંત અહીં ક્લૅમ અને ફ્લાઉન્ડર માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હોવાથી મત્સ્યોદ્યોગ પણ વિકસ્યો છે. અઢારમી સદીમાં અહીં કાપડ-ઉદ્યોગ પણ ઝડપથી વિકસેલો, પરંતુ 1920–30માં તેમાં ખૂબ મંદી આવેલી. 1960–1970 દરમિયાન તેનું અર્થતંત્ર ફરીને બેઠું થયું અને વિકસતું ગયું. વળી 1980–90 દરમિયાન અહીં ઝવેરાત તથા કાપડના ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાનો સામનો કરવાની સ્થિતિ પણ ઊભી થયેલી. ર્હોડ આઇલૅન્ડના ર્હોડ નામના ટાપુ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહ્યા કરે છે. ટાપુઓ પરનાં વિહારધામો તરણ, નૌકાસફર અને માછીમારીની તેમજ રમણીય શ્યોની માહિતી આપવાની સગવડો પૂરી પાડે છે. અગત્યનાં વિહારધામોમાં બ્લૉક આઇલૅન્ડ, નૅરેગેન્સે પાયર, ન્યૂપૉર્ટ અને વૉચ હિલનો સમાવેશ થાય છે. સહેલગાહ માટે અહીં આવતા પ્રવાસીઓ પૈકી ઘણાખરા અહીંનાં અન્ય ઐતિહાસિક સ્થળો, વસાહતો વખતની ઇમારતો અને જૂનાં ચર્ચ જોવા જાય છે.
ઇતિહાસ : સોળમી સદીમાં ગોરા લોકો અહીં આવ્યા તે અગાઉ આ વિસ્તારમાં આલ્ગોંકિયન ઇન્ડિયનો હજારોની સંખ્યામાં રહેતા હતા. આ સ્થળનું મૂળ સ્થાનિક ઇન્ડિયન નામ ઍક્વિડનેક હતું. કેટલાક ઇતિહાસવિદો માને છે કે ઇટાલિયન નૌકાસફરી જિયોવાની દ વેરાઝેનો (વેરાઝાઓ) જ્યારે અહીં પ્રથમ વાર આવેલો ત્યારે તેણે આ સ્થળનું ‘રહોડ આઇલૅન્ડ’ નામ ભૂમધ્ય સમુદ્રના ર્હોડ ટાપુ પરથી આપેલું. બીજા કેટલાક એમ પણ માને છે કે ડચ વહાણવટી ઍડ્રિયન બ્લૉકે તેને ‘રેડ આઇલૅન્ડ’ નામ આપેલું. 1776ના મેની ચોથી તારીખે રહોડ આઇલૅન્ડે સર્વપ્રથમ અમેરિકન કૉલોની તરીકે ગ્રેટબ્રિટનથી પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું. આથી 1778માં અમેરિકી વસાહતી દળો અને બ્રિટિશ દળો વચ્ચે સંઘર્ષ થયો, આ ટાપુ ત્યારે રણક્ષેત્ર બની રહેલો. રહોડ ટાપુના સર્વપ્રથમ લશ્કરી ઘટકના અશ્વેત સૈનિકોએ આ લડાઈમાં ખપી ગયેલા રણવીરોની યાદમાં અહીં એક સ્મારક બનાવેલું છે. 1790ના મેની 29મીએ તે યુ.એસ.ના એક રાજ્ય તરીકે જાહેર થયું છે. આ ટાપુ પર ગ્રામીણ વસ્તી વધુ છે, તેમ છતાં તેમાં પૉર્ટસ્મથ અને મિડલટાઉન જેવાં બે નગરો અને ન્યૂપૉર્ટ નામનું શહેર પણ આવેલાં છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા