રહાઇનલૅન્ડ : જર્મનીમાં રહાઇન નદી પર આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડ્ઝની સીમાઓ સુધી વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : આ વિસ્તાર 50° 15´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે. આજુબાજુ આવેલો છે. રહાઇન નદી પર આવેલા તેના મોકાના સ્થાનને કારણે તેમજ અહીંની સમૃદ્ધ ખનિજ-સંપત્તિને કારણે તે મહત્વનાં ઔદ્યોગિક મથકોના પ્રદેશ તરીકે વિકસ્યો છે. રુહરનાં જાણીતાં કોલસાનાં ક્ષેત્રોનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આ પ્રદેશમાં કિલ્લેબંધી ન કરવા અને લશ્કરી દળો ન રાખવાની સંધિ જર્મનીએ કબૂલ રાખેલી; તેમ છતાં જર્મન દળોએ 1936માં રહાઇનલૅન્ડનો કબજો મેળવી લીધેલો; એટલું જ નહિ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી હેતુઓ માટે પણ તેનો ઉપયોગ કરેલો. આજે તે જર્મનીના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો પૈકીનો એક ગણાય છે. પ્રવાસીઓ આ વિસ્તારમાંનાં રમણીય શહેરો, ઐતિહાસિક કિલ્લાઓ અને દ્રાક્ષની વિશાળ વાડીઓ જોવા જાય છે.

પ્રાચીન કાળમાં પણ આ વિસ્તાર વસ્તીવાળો રહ્યો હોવાનું જાણવા મળે છે. અહીં સેલ્ટ જાતિના લોકો, રોમનો, હૂણો અને ફ્રૅન્કોનું શાસન રહેલું. ઈ. સ. 800ના અરસામાં કૉલોન, મેન્ઝ અને ટ્રાયર જેવાં શહેરો ક્રમશ: વિકસતાં જઈ મહત્વ પ્રાપ્ત કરતાં ગયેલાં. વર્ષો વીતતાં તે બધાં હોલી રોમન એમ્પાયરનાં ધાર્મિક અને રાજકીય કેન્દ્રો બનતાં ગયાં. રહાઇનલૅન્ડ 1790ના દસકાનાં અંતિમ વર્ષોમાં નેપોલિયનનાં યુદ્ધો દરમિયાન ફ્રાન્સનો ભાગ બની રહ્યો; પરંતુ તે પછી 1815માં પ્રશિયાના જર્મન રાજ્યનો ભાગ બન્યો.

ગિરીશભાઈ પંડ્યા