રહાઇન : જર્મનીની નદી. તે પશ્ચિમ યુરોપના મહત્વના દેશોમાં થઈને વહે છે. આશરે 1,320 કિમી. જેટલો જળવહનમાર્ગ રચતી આ નદી આશરે 2,24,600 ચોકિમી. જેટલા સ્રાવવિસ્તારને આવરી લે છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડ, લિશ્તેનશાઇન, ઑસ્ટ્રિયા તથા ફ્રાન્સ-જર્મનીની સીમા પર થઈને વહે છે, ત્યાંથી જર્મની અને નેધરલૅન્ડ્ઝમાંથી પસાર થઈને ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી સરેરાશ 2,340 ઘનમીટર/સેકંડ જેટલું પાણી સમુદ્રમાં ઠાલવે છે.
આ નદીમાં ઠલવાતા રહેતા ઔદ્યોગિક કચરાની ભેળવણીથી ઉદભવતી પ્રદૂષણ-સમસ્યાઓ (જેને માટે 1970ના દાયકામાં ઉકેલ લાવવાના પ્રયાસો થયેલા) ઊભી થતી હોવા છતાં તેના કેટલાક ભાગો એટલા બધા નયનરમ્ય છે કે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા છે. જર્મનીના રાષ્ટ્રીય ઇતિહાસની તે મૂક સાક્ષીરૂપ છે. ઘણી જર્મન દંતકથાઓનાં વિષયવસ્તુ આ નદી સાથે સંકળાયેલાં છે.
સ્વિસ આલ્પ્સની બે હિમનદીઓમાંથી તે નીકળે છે, ત્યાંથી ઇટાલીની સીમા નજીક પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડના ઊંચા આલ્પ્સમાંથી વહે છે. પ્રારંભે એક નદી વૉર્ડર રહાઇન છે, તો બીજી હિન્ટર રહાઇન છે. બંને ભેગી થઈને ર્હાઇન બને છે. લિશ્તેનશાઇન નજીક ઑસ્ટ્રિયાની પશ્ચિમ સરહદે વહીને, સમુદ્રસપાટીથી 398 મીટરની ઊંચાઈએ તે કૉન્સ્ટન્સ સરોવરમાં જઈ મળે છે. સાથે લાવેલી રેતી, માટી, કાંકરી વગેરે સરોવરમાં છોડીને પશ્ચિમ તરફ તે આગળ વધે છે અને શાફહૉસેન ખાતે 21 મીટર ઊંચાઈએથી નીચે ખાબકે છે.
ત્યાંથી આ નદી સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મની વચ્ચે વહે છે અને બૅસલમાં પહોંચે છે. સ્વિટ્ઝર્લૅન્ડનું બંધિયાર બંદર ગણાય છે. બૅસલ ખાતે રહાઇન 205 મીટર જેટલી પહોળી બને છે. અહીંથી તે ઉત્તર તરફનો વળાંક લઈ પૂર્વ તરફના બ્લૅક ફૉરેસ્ટ અને પશ્ચિમ તરફના વૉસ્જિસ પર્વતો વચ્ચે થઈને વહે છે. આ સ્થળે તેનો પટ 32 કિમી. જેટલો પહોળો બની રહે છે અને 290 કિમી.ની લંબાઈના મેદાનમાંથી પસાર થાય છે. આ મેદાનના દક્ષિણ ભાગમાં તે ફ્રાન્સ-જર્મનીની સીમા રચે છે. બૅસલ છોડ્યા પછી તે ધીમે ધીમે પહોળી બનતી જાય છે અને બિંગેન ખાતે, તે મેદાની પ્રદેશ છોડીને નદીખીણના સ્લેટ પર્વતના સાંકડા કોતરમાં પડે છે. બૉન ખાતે નદી અને ખીણ વળી પાછાં પહોળાં બને છે અને છેવટે નદી ઉત્તર સમુદ્રમાં ઠલવાય છે.
1815માં વિયેનાની સંધિ થઈ ત્યારથી તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાતી થઈ છે. તેના હેઠવાસ અને મધ્યભાગનો જળમાર્ગ પશ્ચિમ જર્મની, ઈશાન ફ્રાન્સ તેમજ અન્ય દેશો માટે આંતરસંકલિત વેપારની ધરીરૂપ છે. તેના પરનાં મુખ્ય બંદરોમાં બૅસલ, સ્ટ્રાસબર્ગ, મૅનહાઇમ, કૉલોન, દુઇસબર્ગ અને રૉટર્ડેમનો સમાવેશ થાય છે. આ માર્ગ મારફતે જર્મની અને ડચ માલવાહક જહાજોમાં કોલસો, પેટ્રોલિયમ-પેદાશો, ધાતુ-અયસ્ક, અનાજ વગેરેની હેરફેર થતી રહે છે. રહાઇન-મૅન-ડૅન્યૂબ નદીઓને સાંકળતી નહેર દ્વારા કાળા સમુદ્ર અને ઉત્તર સમુદ્ર વચ્ચેનો વેપાર પણ માલવાહક જહાજોની હેરફેરથી શરૂ થયો છે.
ગિરીશભાઈ પંડ્યા