રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands) : પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. તે 27° ઉ. અ. અને 128° પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,120 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ જાપાનના મુખ્ય ટાપુઓથી શરૂ થઈને તાઇવાન તરફ વિસ્તરેલા છે. આ ટાપુસમૂહની કુલ વસ્તી 15,00,000 (1998) જેટલી છે, પરંતુ કેટલાક ટાપુઓ પર બિલકુલ વસ્તી જ નથી. આ ટાપુઓ ઉત્તર-દક્ષિણ તરફ પાંચ સમૂહોમાં વહેંચાયેલા છે. (i) ઓસુમી ટાપુઓ, (ii) તોકારા ટાપુઓ, (iii) અમામી ટાપુઓ તથા ઓકિનાવા સહિતના મધ્ય રયુક્યુ ટાપુઓ, (iv) મિયાકો ટાપુઓ અને (v) યૈયામા ટાપુઓ. ઓકિનાવા ટાપુની વસ્તી 13,12,000 (1998) જેટલી છે. ઓકિનાવા ટાપુ પરનું નાહા તેનું પાટનગર છે. નાહાની વસ્તી 2,99,000 (1999) જેટલી છે.

ભૂપૃષ્ઠઆબોહવા : અહીંના મોટાભાગના ટાપુઓ પહાડી ભૂપૃષ્ઠવાળા છે. યાકુ ટાપુ અહીંનું વધુમાં વધુ ઊંચાઈવાળું (1,800 મીટર) સ્થાન ધરાવે છે. કેટલાક ટાપુઓ સક્રિય જ્વાળામુખીઓવાળા છે. આ ટાપુઓની આબોહવા ગરમ, ભેજવાળી છે. અહીંનું સરેરાશ તાપમાન આશરે 21° સે. જેટલું રહે છે. ક્યારેક ટાઇફૂનનાં વાવાઝોડાં આવે છે ત્યારે તારાજી સર્જાય છે. અહીં વરસાદ ઉનાળામાં તેમજ શરદ ઋતુમાં પડે છે. અહીંના શિયાળા વાદળવાળા, ઓછી વર્ષાવાળા અને કડકડતી ઠંડીવાળા હોય છે.

લોકો : આ ટાપુઓ પરની જમીનો ખડકાળ અને ટેકરીઓના ઢોળાવોવાળી હોવા છતાં ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. લોકો શેરડી, શકરિયાં અને ડાંગરનું વાવેતર કરે છે. તેમનો મુખ્ય ખોરાક શકરિયાં છે. તેઓ શેરડી અને પાઇનૅપલની નિકાસ કરે છે. ખેતી ઉપરાંત લોકો આવકવૃદ્ધિ માટે તેમજ તેમના ખોરાક માટે માછીમારીનું કામ પણ કરે છે. ખાંડ અને પાઇનૅપલના ઉદ્યોગો વિકસ્યા છે.

ટાપુનિવાસીઓ જાપાની ભાષાને મળતી આવતી ભાષા બોલે છે. તેઓ ચીન અને જાપાનની સંયુક્ત અસરવાળો ધર્મ પાળે છે. અહીંનાં મોટાં અને સધ્ધર કુટુંબોને પોતાની સ્વતંત્ર માલિકીની કબરભૂમિ પણ હોય છે. ત્યાં તેઓ શબોને દાટે છે. એક ધાર્મિક પરંપરાના ભાગ રૂપે પૂર્વજોનું સન્માન કરવા ઉત્સવો પણ તેઓ યોજે છે. વળી અહીંના લોકો વૃક્ષો, અગ્નિ વગેરે જેવી કુદરત સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની પૂજા પણ કરે છે.

ઇતિહાસ : આ ટાપુવાસીઓના પૂર્વજો સંભવત: જાપાન, તાઇવાન અને કદાચ ફિલિપાઇન્સથી પણ આવેલા છે. વૈજ્ઞાનિકો એમ માને છે કે પ્રાગ્-ઐતિહાસિક લોકો હિમયુગ વખતે પણ અહીં રહેતા હતા. આ ટાપુઓ માટે ચીની અને જાપાની અભિયાનો સાતમી સદી જેટલાં વહેલાં થયેલાં. પંદરમી અને સોળમી સદી દરમિયાન અહીંના ઓકિનાવા ટાપુઓ ચીન, જાપાન, કોરિયા અને અગ્નિ એશિયા સાથે વેપારથી સંકળાયેલા હતા.

1874 સુધી તો ચીન અને જાપાન બંને આ ટાપુઓ માટે માલિકીદાવો કર્યા કરતા હતા. 1874માં ચીને તેના પરના જાપાનના શાસનને માન્ય રાખ્યું અને સંધિ પર સહી કરી. 1879માં તે જાપાનના બે પ્રાંતોનો એક ભાગ બન્યાં. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં યુનાઇટેડ સ્ટેટ્સે આ ટાપુઓનો કબજો લઈ લીધો. 1953માં યુ.એસ. તરફથી ઓકિનાવાથી ઉત્તરના ટાપુઓ અને 1772માં ઓકિનાવા અને દક્ષિણના ટાપુઓ પાછા આપવામાં આવેલા છે.

રયુક્યુ ટાપુઓ

રયુક્યુ ખાઈ (Ryukyu trench) : જાપાની ટાપુસમૂહ અને તાઇવાન વચ્ચે, ફિલિપાઇન્સની ઉત્તરે, રયુક્યુ ટાપુઓની પૂર્વધાર નજીક ઉત્તર તરફ વિસ્તરેલી ઊંડી મહાસાગરીય ખાઈ. તે આશરે 2,237 કિમી. લાંબી અને સરેરાશ 59 કિમી. પહોળી છે. ઓકિનાવાની દક્ષિણે 90 કિમી. અંતરે તેની ઊંડાઈ 7,507 મીટર જેટલી છે. તેનો તળભાગ આશરે 1,35,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ ખાઈ ‘નાનસેઈશોટો’ નામથી પણ ઓળખાય છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા