રૉસ, રૉનાલ્ડ (સર) (જ. 1857, આલ્મોડા, ભારત; અ. 1932, પટની, લંડન) : પ્રખર બ્રિટિશ આયુર્વિજ્ઞાની. ‘એનૉફિલીઝ’ મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે તેની સૌપ્રથમ માહિતી આપનાર તેઓ હતા. મલેરિયા પરના તેમના સંશોધન માટે તેમને ઈ. સ. 1902માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રૉનાલ્ડ રૉસ (સર)

રૉનાલ્ડ રૉસ લંડનની આયુર્વિજ્ઞાન કૉલેજમાંથી સ્નાતક (1879) થઈને ઇંડિયન મેડિકલ સર્વિસમાં જોડાયા. તેમણે ત્રીજા બર્મા-યુદ્ધમાં ચિકિત્સક તરીકેની ફરજ બજાવી હતી. વળી તેઓ બૅક્ટેરિયા-વિજ્ઞાનના અભ્યાસાર્થે લંડન ગયા (1888–89) અને ત્યાંથી પાછા ભારત આવ્યા. ઈ. સ. 1892માં મલેરિયા-વ્યાધિ વિશેના સંશોધન પર તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ કાળ દરમિયાન આમ તો બધા માનવી મલેરિયાનાં જંતુથી પરિચિત હતા, પરંતુ માનવી મલેરિયાથી કઈ રીતે પીડાય છે તે વિશે તેઓ સાવ અજાણ્યા હતા. બે વરસ સુધી સંશોધન કર્યા બાદ, રૉનાલ્ડ રૉસે એનૉફિલીઝ મચ્છરના જઠરમાંથી મલેરિયાનું જંતુ એક વિશિષ્ટ અવસ્થામાંથી પસાર થતું હોવાનું અવલોકન કર્યું. તેથી એનૉફિલીઝ મચ્છર કરડવાથી માનવના શરીરમાં તે જંતુ પ્રવેશતું હોવાનું તેમણે અનુમાન કર્યું. 1898માં તેમને મલેરિયાનાં જંતુઓને પક્ષીના શરીરમાં પ્રેષિત કરવામાં સફળતા મળી. દરમિયાન કેટલાક વિજ્ઞાનીઓએ માનવી પર પ્રયોગ કરીને તેનામાં પણ એનૉફિલીઝ મચ્છર દ્વારા મલેરિયાનાં જંતુઓ પ્રવેશતાં હોવાની સાબિતી આપી.

સને 1899માં ભારત છોડ્યું અને સૌપ્રથમ પશ્ચિમ આફ્રિકામાં ગયા અને મચ્છરમાં રહેલ મલેરિયાનાં જંતુના સંશોધન અંગે વધુ તત્પરતા બતાવી. ત્યારબાદ તરત જ ઇંગ્લૅન્ડમાં પરત આવ્યા અને લિવરપૂલ સ્કૂલ ઑવ્ ટ્રૉપિકલ મેડિસિનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 1902માં પ્રાધ્યાપક બન્યા. તેમનું 1911માં ‘સર’ ખિતાબથી સન્માન કરવામાં આવ્યું. તેઓ 1912માં લંડન ગયા કે જ્યાં કિંગ્ઝ કૉલેજ હૉસ્પિટલ ખાતે ઉષ્ણ કટિબંધ (ટ્રૉપિકલ) વિસ્તાર સંબંધિત રોગોના કામમાં ચિકિત્સક તરીકે સેવાઓ આપી. 1926માં પટની ખાતે ટ્રૉપિકલ વિસ્તારને સંબંધિત રોગો માટે ‘રૉસ ઇન્સ્ટિટ્યૂટ ઍન્ડ હૉસ્પિટલ’ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાને મૃત્યુ પર્યંત રૉસે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંસ્થા 1933માં ‘લંડન સ્કૂલ ઑવ્ હાયજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિન’ સાથે જોડાઈ. સર રૉસે 1913થી 1932 દરમિયાન ‘પીરિયૉડિકલ સાયન્સ કૉંગ્રેસ’ના તંત્રી તરીકે કામ કર્યું. તેમણે ઈ. સ. 1910માં ‘પ્રીવેન્શન ઑવ્ મલેરિયા’ નામનું સંશોધનાત્મક પુસ્તક લખ્યું.

તેઓ સંશોધનકાર ઉપરાંત ગણિતકાર, નવલકથા-લેખક, નાટ્યકાર અને કવિ તરીકે પણ ખ્યાતિ પામ્યા હતા. તેમનું આત્મચરિત્ર ‘હીઝ મૅમરીઝ’નું પ્રકાશન 1923માં કરવામાં આવ્યું.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ