રૉય, તરુણ (જ. 1927; અ. 1988) : બંગાળી નાટ્યકાર, નટ અને દિગ્દર્શક. બંગાળમાં મુક્તાકાશ (open air) થિયેટરની જગ્યા અને એ પ્રકારની નાટ્ય-રજૂઆતોની પ્રણાલીમાં બાદલ સરકાર ઉપરાંત અનેક થિયેટરો અને નામો સંકળાયેલાં છે, તેમાં તરુણ રૉયનું નામ પણ આવે. જોકે તરુણ રૉયે મુક્તાંગણ સૌવાનિકનાં મુક્તાકાશી નાટ્યનિર્માણો ઉપરાંત નાના પ્રેક્ષકગણ માટેની રંગભૂમિ 1960માં બાંધી, અને એ માટેના નાટ્યજૂથ ‘થિયેટર સેન્ટર’ની રચના 1954માં કરી હતી. આ થિયેટર સેન્ટરના અંતરંગ પ્રેક્ષાગારમાં તરુણ રૉયે પોતાનાં લખેલાં અને અન્ય લેખકોનાં નાટકો સતત રજૂ કર્યાં. પ્રેક્ષાગાર નાનું હોવા છતાં એમાં સામાન્ય દર્શકની અવગણનાનો કોઈ ઉદ્દેશ નહોતો કે લોકોને ન સમજાય એવાં પ્રયોગખોર નાટકો જ રજૂ કરવાં એવો આશય નહોતો. ઓછા ખર્ચે સતત સારાં નાટકો થઈ શકે અને નટોને યોગ્ય તાલીમ મળે એવો શુદ્ધ રંગભૂમિપ્રેમ તરુણ રૉયમાં હતો. શ્રી ચં. ચી. મહેતાએ પણ એમના આ વલણની સાનંદ નોંધ લીધી છે. નાટકોના મહોત્સવ, નાટ્યવિષયક પ્રદર્શનો અને નાટ્ય તાલીમશાળા શરૂ કરવામાં પણ એમણે કેન્દ્રસ્થ ભૂમિકા ભજવી હતી.
હસમુખ બારાડી