કેનેરી દ્વીપ દૂરબીનો : આફ્રિકા ખંડની વાયવ્યે આશરે 113 કિમી. દૂર, કર્કવૃત્તની સહેજ ઉત્તરે, આટલાંટિક મહાસાગરમાં આવેલા તેર જેટલા (સાત મોટા, છ નાના), કેનેરી દ્વીપ તરીકે ઓળખાતા ટાપુઓના સમૂહ ઉપર સ્થપાયેલી વેધશાળાના ટેલિસ્કોપ. આ દ્વીપસમૂહમાં પશ્ચિમ તરફ સૌથી દૂર આવેલો ટાપુ લા પાલ્મા છે, જ્યારે તેનો સૌથી મોટો ટાપુ ટેનેરિફ છે; અને આ બંને ટાપુઓ ઉપર વેધશાળા આવેલી છે.
કેનેરી દ્વીપોનું સૌપ્રથમ ખગોળીય મહત્વ સમજાવનાર, સ્કૉટલૅન્ડના શાહી ખગોળશાસ્ત્રી ચાર્લ્સ પિયાઝી સ્માઇધ (1819-1900) હતા; તેમણે 1856માં ટેનેરિફ ટાપુના એક શિખરને ખગોળીય નિરીક્ષણ માટે અનુકૂળ ગણાવી, 1959ના સૂર્યગ્રહણ-અભિયાન(programme)નો પણ તેમાં સમાવેશ થતો હતો. પરંતુ આ ટાપુ ઉપર એક કાયમી વેધશાળા સ્થાપવાનું મહત્વ તો બ્રિટનને છેક 1970માં સમજાયું. બ્રિટનના ખગોળશાસ્ત્રીઓ માટે દક્ષિણાભિમુખ આકાશ-નિરીક્ષણની સગવડ દક્ષિણ આફ્રિકા તેમજ ઑસ્ટ્રેલિયામાં આવેલી વેધશાળાઓ પૂરી પાડતી હતી. પોતાના દેશમાંથી જ ઉત્તર ગોળાર્ધના આકાશના નિરીક્ષણ માટે પ્રતિકૂળ હવામાન અંતરાયરૂપ હતું. આ મુશ્કેલીના નિવારણ માટે 1974-75માં ઉત્તર ગોળાર્ધના કોઈ સ્થળની મોજણી શરૂ કરવામાં આવી જ્યાંથી ઉત્તર ગોળાર્ધનું આકાશ સારી રીતે નિહાળી શકાય.
આ પસંદગી લા પાલ્મા ટાપુ ઉપર ઊતરી. અહીંની સરકારના સહકારથી બ્રિટન ઉપરાંત અન્ય દેશોએ વેધશાળા સ્થાપવાનો નિર્ણય લીધો અને એક દશકામાં તો આ દ્વીપો, અને તેમાં પણ વિશેષત: લા પાલ્મા અને ટેનેરિફના ટાપુઓ ઉપર ઘણીબધી વેધશાળા સ્થપાઈ અને ટૂંક સમયમાં આ દ્વીપો આંતરરાષ્ટ્રીય ખગોળીય પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયા.
આ બધી વેધશાળામાં ઉપકરણની તેમજ રાત્રિ-આકાશના નિરીક્ષણની ર્દષ્ટિએ સર્વોત્તમ કહી શકાય તેવી ‘રૉક દ લો મુશાશો’ વેધશાળા લા પાલ્મા ટાપુમાં સમુદ્રની સપાટીથી 2400 મી. ઊંચાઈ પર ‘માઉન્ટેન ઑવ્ ધી બૉઇઝ’ ખાતે આવેલી છે. અગાઉ મોટેભાગે ‘નૉર્ધર્ન હેમિસ્ફિયર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી આ વેધશાળાની માલિકી, ‘Instituto de Astrofisica de Canarias’ (IAC) ધરાવે છે અને તેનું અસ્તિત્વ સ્પેન, યુનાઇટેડ કિંગ્ડમ, ડેનમાર્ક અને સ્વીડન જેવાં રાષ્ટ્રો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમજૂતીને આભારી છે. આવા કરાર માટેનું પ્રથમ સંમેલન ભરાયા બાદ, લગભગ દશ વર્ષ પછી આ વેધશાળાનું વિધિસરનું ઉદઘાટન 1985માં કરવામાં આવ્યું હતું.
નેધરલૅન્ડ્ઝ અને રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડે ભાગીદારીમાં, લા પાલ્મા ખાતે 4.2 મીટરનો ‘વિલિયમ હર્શલ ટેલિસ્કોપ’ અને 2.5 મીટરનો ‘આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપ’ વસાવેલો છે. વળી ડચ ખગોળશાસ્ત્રી જેકોબસ કૉર્નેલિયસ કાપ્તાઇનની સ્મૃતિમાં 1 મીટરનો ‘કાપ્તાઇન ટેલિસ્કોપ’ પણ ગોઠવવામાં આવેલો છે. હર્શલ ટેલિસ્કોપનું ઉદઘાટન 1987માં કરવામાં આવ્યું હતું. આ પ્રકારનાં પરાવર્તક દૂરબીનોમાં, રશિયાના 6 મીટરના અને અમેરિકાના માઉન્ટ પાલોમરના 5.1 મીટરના ટેલિસ્કોપ પછી 4.2 મીટરના આ ટેલિસ્કોપનો ત્રીજો ક્રમાંક આવે છે. આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપ (INT) જે અગાઉ રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી (RGO) ખાતે હતો તેને 1979માં અહીં લાવવામાં આવેલો છે.
ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ અને ડેનમાર્કે સંયુક્તપણે ‘કાર્લ્સબર્ગ મીરિડિયન સર્કલ’નું નિર્માણ કર્યું. સ્વીડને 60 સેમી.નો સૌર ટેલિસ્કોપ અને 61 સેમી.નો ફોટોમેટ્રિક ટેલિસ્કોપ ગોઠવેલો છે. નૉર્ડિક રાષ્ટ્રોએ (નૉર્વે, ડેનમાર્ક, ફિનલૅન્ડ) સંયુક્તપણે 2.5 મીટરના ટેલિસ્કોપનું નિર્માણ કરેલું છે. આમ લા પાલ્માની આ વેધશાળામાં નૉર્ડિક, આંગ્લ, ડચ, સ્વીડિશ અને ઍંગ્લો-ડેનિશ પ્રકાશીય દૂરબીનો આવેલાં છે.
રસ્તા, વિમાનક્ષેત્ર, દૂરસંચાર, પાવર સપ્લાય, જરૂરી બાંધકામોનું નિર્માણ, સુરક્ષા વગેરેની જવાબદારી કેનેરી દ્વીપોની સ્પૅનિશ સરકારે ઉપાડી લીધી છે, જેના બદલામાં તે, પ્રત્યેક ઉપકરણદીઠ, નિરીક્ષણના 20 ટકા જેટલો સમય વાપરવાનો હક ધરાવે છે, જ્યારે 5 ટકા જેટલો સમય આંતરરાષ્ટ્રીય વેધશાળા સાથે સંકળાયેલા દેશોને તેમના સહકારી પ્રોજેક્ટ માટે ફાળવેલો છે. બાકી રહેતા 75 ટકા જેટલા નિરીક્ષણસમયની ફાળવણી, રાષ્ટ્રો વચ્ચે થયેલા પરસ્પરના કરાર અનુસાર વધતેઓછે અંશે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ‘હર્શલ ટેલિસ્કોપ’નો ઉપયોગ, બાકી રહેતા 75 ટકામાં, યુનાઇટેડ કિંગ્ડમ અને નૅધરલૅન્ડ વચ્ચે 4 : 1ના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. જ્યારે ઍંગ્લો-ડચ ટેલિસ્કોપ દુનિયાના કોઈ પણ દેશના ખગોળશાસ્ત્રી માટે હમેશાં ઉપલબ્ધ હોય છે. પ્રતિવર્ષ 400 જેટલા ખગોળશાસ્ત્રીઓ લા પાલ્મા વેધશાળાની સુવિધાઓનો લાભ લેતા હોય છે.
કેનેરી દ્વીપોમાં આકાશ-નિરીક્ષણ માટેની સારી એવી અનુકૂળતાઓ ઉપલબ્ધ હોવા છતાં, ત્યાંની સ્પૅનિશ સરકારે 1986માં કાયદો ઘડી, નીચે મુજબના નિયમો દ્વારા, ખગોળીય નિરીક્ષણને બાધારૂપ નીવડતાં પ્રદૂષણો તેમજ ઔદ્યોગિક વિકાસ ઉપર નિયંત્રણ લાદીને, વેધશાળાઓને મદદરૂપ થવા સારો પ્રયાસ કરેલો છે.
- પ્રકાશ ક્ષિતિજથી સીધો ઉપર ન જાય તે રીતે ખાનગી કે જાહેર ક્ષેત્રોએ, દીવાની ગોઠવણ કરવી.
- આને માટે સરકારમાન્ય પ્રકાશસ્રોતોનો ઉપયોગ કરવો.
- રેડિયો-ટ્રાન્સમિશન દ્વારા થતો વિક્ષેપ દૂર કરવા ‘આઉટ-પુટ’ના નિયમનો ઉપયોગ કરવો.
આવાં સ્તુત્ય પગલાંને કારણે અહીંની વેધશાળાઓની કાર્યક્ષમતા એકવીસમી સદી અને ત્યારપછીના સૈકામાં પણ ઉચ્ચ કક્ષાની રહેશે એ નિર્વિવાદ છે.
સુશ્રુત પટેલ