રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ : જર્મનીમાં મ્યૂનિક ખાતેનો ત્રીજી સદીથી ઓગણીસમી સદી સુધીની ભારતીય કલાકૃતિઓનો સર્વશ્રેષ્ઠ અને વિશાળ સંગ્રહ. ‘થેરપી’ નામના તબીબી સામયિકના તંત્રી રૉબર્ટ ગૅડોનના અંગત સંગ્રહને 1966માં જનતા માટે વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
રોબર્ટના પિતામહ શિલ્પી હતા. તેમના સંસ્કાર રૉબર્ટમાં ઊતર્યા અને 1955થી તેમને ભારતીય કલાકૃતિઓના સંગ્રહનો શોખ લાગ્યો. તેમણે દર વર્ષે ભારતનો પ્રવાસ ખેડીને પોતાના સંગ્રહમાં નવી નવી કલાત્મક ચીજવસ્તુઓનો ઉમેરો કરવા માંડ્યો. તેમનાં પત્ની બ્રિગેડી ગૅડોનને પણ આવા સંગ્રહમાં રૉબર્ટના જેવી જ રુચિ હતી. પરિણામે આ જર્મન યુગલ તેમના નિવાસસ્થાને કરોડો રૂપિયાની કિંમતનો લગભગ 500 મૂલ્યવાન કૃતિઓનો સંગ્રહ ઊભો કરી શક્યું છે.
તેઓ બંને ભારતનાં દેવ-દેવીઓનાં વિવિધ નામસ્વરૂપોથી પરિચિત છે. એટલું જ નહિ, ભારતીય કલાનાં વિવેચક પણ છે. તેમના સંગ્રહમાં ગણેશ અને કૃષ્ણની કાંસ્ય પ્રતિમાઓ વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. તેમાંય ચૌદમી સદીની દક્ષિણ ભારત(કેરળ)ની નારી ગણેશની અદ્વિતીય મૂર્તિ ખાસ ધ્યાન ખેંચે છે. કહેવાય છે કે આવી ફક્ત બે જ પ્રતિમાઓ અસ્તિત્વમાં છે, જેમાંની એક આ મ્યૂનિક સંગ્રહમાં છે અને બીજી ભારતમાં કોઈ અજ્ઞાત સ્થળે છે.
આ સંગ્રહમાં ગણેશ, કૃષ્ણ, રામ, શિવપાર્વતી, નટરાજ, વિષ્ણુ, ગરુડ, બુદ્ધ, જૈન તીર્થંકર, બોધિસત્વ, મૈત્રેય, સૂર્ય, વિષ્ણુલક્ષ્મી, ઋષભદેવ, દુર્ગા, ભૈરવ, નટરાજ, કાલી, અગસ્ત્ય, પૂતના, ઐયનાર, ગજલક્ષ્મી અને મહાકાળ વગેરેની ભારત તેમજ દૂર પૂર્વના દેશોમાંથી મળેલી કલાકૃતિઓનો સમાવેશ થાય છે.
કાષ્ઠ અને પાષાણ શિલ્પકૃતિઓના પણ ઘણા સુંદર અને મૂલ્યવાન નમૂનાઓ અહીં છે. તેમાં ભારત, તિબેટ, નેપાળ, જાવા અને સુમાત્રાની હાથીદાંત અને હાડકાંમાંથી કોતરેલી પ્રાચીન સદીઓની ઘણી ઉત્તમ કૃતિઓ ધ્યાનાર્હ છે.
ઓગણીસમી સદીની થાઇલૅન્ડની કાંસ્ય પ્રતિમામાં સાધુના વસ્ત્ર પર કોરેલી સુંદર ભાત, પંદરમી સદીની તાંજોરની કાંસ્યમૂર્તિ, સોળમી સદીનો કેરળનો હોડી આકારનો પંચદીપ, સોળમી સદીનો કિનારી પર નંદી અને શિવલિંગનાં શિલ્પથી મંડિત ઘરદીપ તેમજ સોળમી સદીની ગુજરાતની એક વાદ્યધારિણી જૈન કાષ્ઠપ્રતિમા, અઢારમી સદીની કાષ્ઠપ્રતિમા, તાંજોરની અગિયારમી–બારમી સદીની ચોલ શૈલીની એક અને બીજી નવમી–દસમી સદીની દુર્ગાની શૈલપ્રતિમા બેનમૂન કલાકૃતિઓ છે.
તેમના મોટા ગ્રંથાલયમાં ભારતીય કલા વિશેનાં જર્મન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં સંખ્યાબંધ પુસ્તકો છે. ખૂબીની વાત તો એ છે કે તેઓ પોતાના સંગ્રહમાંથી દરેક કૃતિની કલાશૈલી અને એની પાછળના ઇતિહાસ વગેરેનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા