રોઝમેરિઝ બેબી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1968. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માતા : વિલિયમ કૅસલ. પટકથા-દિગ્દર્શક : રોમન પૉલાન્સ્કી. કથા : ઇરા લેવિનની નવલકથા પર આધારિત. છબિકલા : વિલિયમ એ. ફ્રેકર. મુખ્ય કલાકારો : મિયા ફેરો, જૉન કાસાવિટેસ, રૂથ ગૉર્ડન, સિડની બ્લૅકમેર, મૉરિસ ઇવાન્સ, ચાર્લ્સ ગ્રોડિન.
અંધશ્રદ્ધા અને પારલૌકિક તત્વોમાં વિશ્વાસ ધરાવતાં લોકોના જીવનમાં બનતી રહસ્યમય ઘટનાઓની દિગ્દર્શકે એવી રજૂઆત કરી છે કે આ રહસ્યમય ભયાવહ ચિત્ર હૉલિવુડનાં નોંધપાત્ર ચિત્રોમાં સામેલ થઈ ગયું છે. ગાય અને રોઝમેરી નવપરિણીત છે. ન્યૂયૉર્કના એક જૂના વિશાળ એપાર્ટમેન્ટમાં તેઓ રહેવા આવે છે. તેમનો એક મિત્ર તેમને ચેતવે છે કે આ મકાન રહેવા માટે બહુ સારું નથી. પણ મકાન ખાસ્સું મોટું હોય છે, ભાડું પણ વાજબી હોય છે અને ખાસ તો તેમને ભૂતપ્રેતમાં વિશ્વાસ નથી એટલે તેઓ એ જ મકાનમાં રહેવાનું પસંદ કરે છે. તેમની પડોશમાં એક વૃદ્ધ દંપતી રહે છે. બંને પરિવારો વચ્ચે આમ તો સારો સંબંધ છે. દરમિયાનમાં એ જ મકાનમાં રહેતી એક યુવતી ઉપરથી કૂદીને આપઘાત કરે છે. એ વખતે પહેલી વાર રોઝમેરીને શંકા થવા માંડે છે કે તેમની પડોશમાં રહેતાં દંપતી મેલી વિદ્યા જાણે છે. તેમની હિલચાલ રહસ્યમય હોય છે. તે પોતાના પતિને આ વાત કરે છે, પણ તે આ વાતને હસી કાઢે છે. પતિ એક સંઘર્ષરત અભિનેતા છે. તેને બ્રૉડવેના એક નાટકમાં કામ મળી જાય છે. તેની ઉજવણી કરાય છે. પડોશી દંપતી એક મીઠાઈ બનાવીને લાવે છે. રોઝમેરીને તે આગ્રહ કરીને ખવડાવે છે. એ ખાધા પછી રોઝમેરીની તબિયત બગડે છે. તેને વમન થાય છે અને ઘેન ચઢે છે. બીજે દિવસે સવારે તે ઊઠે છે ત્યારે તેને પોતે એવું સપનું જોયાનું યાદ છે કે જાણે કોઈ મહાકાય પ્રાણી સાથે તેનો સંબંધ બંધાયો હતો અને એ બધું કેટલાક લોકો જોઈ રહ્યા હતા. પતિ આ વાતને હસી કાઢીને એક બિહામણું સપનું ગણાવે છે, પણ રોઝમેરીના શરીર પર ઉઝરડાનાં નિશાન મોજૂદ હોય છે. એ પછી થોડા દિવસે તેમને જાણ થાય છે કે રોઝમેરી સગર્ભા છે. હવે રોઝમેરીને શંકા જવા માંડે છે કે તેના ગર્ભસ્થ બાળક પર પણ પડોશી દંપતી પ્રયોગ કરી રહ્યાં છે. ખરેખર એવું છે જ કે યુવતીની એવી માત્ર મનોદશા છે એનો જવાબ કોઈને છેક સુધી મળી શકતો નથી. ન્યૂયૉર્ક જેવા મહાનગરમાં પણ આજના આધુનિક સમયમાં આવાં ડાકણ દંપતી હોઈ શકે ખરાં ? આ પ્રશ્ન ચિત્ર દ્વારા દિગ્દર્શકે ઉઠાવ્યો છે અને તેનો જવાબ શોધવાનું પ્રેક્ષકો પર છોડી દેવાયું છે. રૂથ ગૉર્ડનને આ ચિત્રમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો, જ્યારે શ્રેષ્ઠ પટકથા-લેખન માટે રોમન પૉલાન્સ્કીને ઑસ્કર માટે નામાંકન મળ્યું હતું. આ ચિત્રને જે વ્યાવસાયિક સફળતા મળી હતી તેનાથી પ્રેરાઈને આ ચિત્રની કથા આગળ લંબાવતી એક ટીવી સીરિયલ ‘લુક વૉટ હૅપન્ડ ટુ રોઝમેરિઝ બેબી’નું નિર્માણ 1976માં કરાયું હતું.
હરસુખ થાનકી