રોગાલૅન્ડ

January, 2004

રોગાલૅન્ડ : નૉર્વેના નૈર્ઋત્ય છેડા પર આવેલો પ્રદેશ, એક પરગણું. ભૌગોલિક સ્થાન : તે આશરે 59° ઉ. અ. અને 6° 30´ પૂ. રે.ની આજુબાજુનો, 9,141 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમે ઉત્તર સમુદ્ર અને પૂર્વમાં બાયકલહાઇન-જુવેનના પ્રદેશો આવેલા છે. પશ્ચિમ કિનારો ટાપુઓ અને ફિયૉર્ડનાં લક્ષણોવાળો છે. આ કિનારા પર સાંકડા, ઊંડા ફાંટા તેના ભૂમિભાગમાં દૂર સુધી પ્રવેશેલા છે.

આ પરગણાને મુખ્ય ત્રણ જિલ્લાઓમાં વહેંચેલું છે : ઉત્તર કિનારા નજીકનો પહાડી ભૂપૃષ્ઠવાળો, ઢોરઉછેરની પ્રવૃત્તિ ધરાવતો રિફાયલ્કનનો ભાગ; નૉર્વેમાં ડેરીપેદાશો ધરાવતો નૈર્ઋત્ય કિનારાનો નીચાણવાળો જારેનનો ભાગ તથા દક્ષિણ તરફનો ઉચ્ચપ્રદેશ ધરાવતો ડૅલેન. અહીંના સમુદ્રકિનારાના બધા જ ભાગમાં માછીમારીની પ્રવૃત્તિ ચાલે છે. પશ્ચિમ તરફ આવેલું સ્ટેવેન્જર અહીંનું મોટું શહેર અને પ્રાદેશિક વહીવટી મથક છે. અહીંનાં બીજાં શહેરોમાં હેગસંડ, ઇગરસંડ અને સેન્ડનિસનો સમાવેશ થાય છે. આ બધાં મત્સ્યબંદરો છે. તે નાના પાયા પરનાં ઔદ્યોગિક મથકો પણ છે. પશ્ચિમ કિનારા પરના કાર્મોય ટાપુ પર અમુક પ્રમાણમાં તાંબાનાં ખનિજોનું ખનન કરવામાં આવે છે. 2000 મુજબ તેની વસ્તી 3,73,210 જેટલી હતી.

જાહ્નવી ભટ્ટ