રૉક્સ : ઑસ્ટ્રેલિયાના સિડનીના બંદર નજીક આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે એટલો બધો જાણીતો છે કે અનેક પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. દર વર્ષે અહીં આશરે દસ લાખ જેટલા પ્રવાસીઓ તે જોવા માટે આવે છે. આ આખોય વિસ્તાર સિડનીના દરિયાકિનારાની અંતર્ગોળ કમાનની પશ્ચિમ બાજુએ આવેલો છે અને 23 હેક્ટર જેટલી ભૂમિ આવરી લે છે. આ વિસ્તારનું ‘રૉક્સ’ નામ તેની ખડકાળ ભૂમિ પરથી પડેલું છે.
1788માં ગુનેગારોનું પહેલું દળ આવેલું ત્યારે તેમણે આ સ્થળે અમુક વખત માટે આશ્રયસ્થાનો બાંધેલાં, એ બધાં આજે તો નથી; પરંતુ તે પૈકીની કેટલીક ઐતિહાસિક ઇમારતો હજી છે અને તેમને સિડની કોવ રિડેવલપમેન્ટ ઑથૉરિટી દ્વારા 1968થી જાળવી રાખવામાં આવેલી છે. 1816માં બાંધેલી કૅડમાન કૉટેજ તે પૈકીની જૂનામાં જૂની ઇમારત છે. આ ઉપરાંત કૅમ્પબેલ વખાર (storehouse) 1839 અને 1861ના વચ્ચેના ગાળામાં બાંધવામાં આવી હતી. આજનું આર્ગાઇલ આર્ટ સેન્ટર 1829ના જૂના આર્ગાઇલ સ્ટોરમાં જ કાર્ય કરે છે.
જાહ્નવી ભટ્ટ