રેશમના કીડા (silk worms)

January, 2004

રેશમના કીડા (silk worms) : રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. રેશમ મોટી માત્રામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે અને કપાસ, રેશમ અને શણ કરતાં માફકસર ગરમ હોય છે. તે કરચલી-રોધક (wrinkle resistant) હોવાથી તેની ઇસ્ત્રી (ironing) સહેલાઈથી થાય છે. અન્ય પરિધાનોના પ્રમાણમાં રેશમનાં કપડાં વધુ આકર્ષક હોય છે. ભારતના બનારસી સાળુ, પાટણનાં પટોળાં, મૈસૂરનાં કપડાં અને કાશ્મીરના ગાલીચા દુનિયામાં બધે લોકપ્રિય છે. સાળુ અને પટોળાં મોંઘાં હોય છે. પાટણનાં પટોળાંની કિંમત તો 30 થી 40 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા, થાઇલૅંડ અને બ્રાઝિલ જેવા દેશો રેશમ-ઉદ્યોગ માટે જાણીતા છે. સૌથી વધારે રેશમનું ઉત્પાદન ચીનમાં થાય છે.

રેશમના ઉત્પાદન માટે Bombyx mori ફૂદાંનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. તે શેતૂર(mulbery)નાં પાંદડાં ખાઈને જીવે છે.

ફૂદાં મધ્યમ કદનાં, પોચા શરીરવાળાં અને ઝાંખા સફેદ રંગનાં હોય છે. ફૂદાંને બે જોડ પાંખ હોવા છતાં તે ભાગ્યે જ ઊડે છે. ફૂદાં 2થી 3 દિવસ જ જીવે છે. કોશેટામાંથી નીકળ્યા બાદ નર અને માદા તુરત જ સમાગમ કરે છે. સમાગમના પરિણામે માદા ફૂદું ગોળ, ભૂરાશ પડતા સફેદ રંગના દાણા જેવાં લગભગ 300થી 400 જેટલાં ઈંડાં સમૂહમાં મૂકે છે. આવાં ઈંડાં થોડા સમયમાં જ ભૂખરા રંગમાં ફેરવાઈ જાય છે. ઈંડાંની અવસ્થા 8થી 10 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલી નાની ઇયળો શરૂઆતમાં આશરે 3 મિમી. જેટલી લાંબી હોય છે. ઇયળ તેના 28થી 30 દિવસના જીવનકાળ દરમિયાન 4 વખત નિર્મોચન (શરીરની કાંચળી ઉતારવાની ક્રિયા) કરી પુખ્ત બને છે. પુખ્ત ઇયળ 5 સેમી. લાંબી, નળાકાર અને પીળાશ પડતા સફેદ રંગની હોય છે. તેના ઉદરપ્રદેશના છેડે ઉપરની બાજુ એક નાના કાંટા જેવો ભાગ હોય છે. ઇયળ તેના મોંમાં આવેલ લાળગ્રંથિમાંથી પ્રવાહી લાળ બહાર કાઢે છે, જે બહાર આવતાં સખત બની પાતળા તારના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પુખ્ત ઇયળ આવા તારના ગૂંચળા વડે એકાદ-બે દિવસમાં જ તેના શરીરની આજુબાજુ નાનું રક્ષણાત્મક કવચ બનાવી દે છે. એ કવચને કોશેટો કહેવામાં આવે છે. કોશેટા-અવસ્થા 10થી 12 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી પુખ્ત ફૂદાં બહાર આવે છે. ઋતુ પ્રમાણે લગભગ 6થી 8 અઠવાડિયાંમાં તેની એક પેઢી પૂર્ણ થાય છે.

ગૃહઉદ્યોગ માટે રેશમના કીડાનો ઉછેર છાંયડામાં રાખેલી વાંસની છાબડીઓમાં 25°થી 30° સે. તાપમાને અને 70 %થી 80 % ભેજવાળા વાતાવરણમાં કરવામાં આવે છે. આ માટે કોશેટામાંથી નીકળ્યા બાદ નર અને માદા ફૂદાંને સમાગમ માટે ભેગાં કરવામાં આવે છે. સમાગમ બાદ નર અને માદાને અલગ કરી માદા ફૂદીને ઊંધા શંકુ આકારના ગળણી જેવા કાગળના પ્યાલાની અંદર રાખવામાં આવે છે, અને નીચે કાર્ડબોર્ડ મૂકવામાં આવે છે, જેથી માદા ફૂદી તેના પર ઈંડાં મૂકી શકે. ઈંડાંને કાર્ડબોર્ડ પરથી સુંવાળા વાળવાળા બ્રશ વડે ઉખેડી છાબડીમાં રાખેલા શેતૂરનાં પાન પર ફેરવવામાં આવે છે. ઈંડાંમાંથી નીકળેલી નાની ઇયળોને શરૂઆતમાં 4થી 5 દિવસ શેતૂરનાં પાન કાપી, તેમના નાના-નાના ટુકડા કરી ખવડાવવામાં આવે છે. શરૂઆતમાં 2થી 3 દિવસ શેતૂરનાં પાન દરરોજ 2થી 3 વખત બદલવામાં આવે છે. ચોથા દિવસથી ઇયળોને કુમળાં તાજાં પાન આખેઆખાં ખોરાક તરીકે આપવામાં આવે છે. ઇયળોને ખવડાવવા માટેનાં પાન એકદમ સ્વચ્છ અને ભીનાં ન હોય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. જો પાન ભીનાં હોય તો ઇયળોને તુરત જ રોગ લાગે છે અને ઇયળો મરી જાય છે. આ સિવાય કીડા-ઉછેર માટે વપરાતી વાંસની છાબડીઓ/ટોપલાં કે ખોરાક જો અસ્વચ્છ હોય તો કીડાને પેબ્રીન કે ફ્લેચરી જેવા રોગ લાગુ પડે છે. એક ઇયળ તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન લગભગ 90 ગ્રામ જેટલાં શેતૂરનાં પાન ખાય છે. પુખ્ત ઇયળ કોશેટામાં જતાં પહેલાં ખાવાનું બંધ કરે છે. આવી ઇયળોને વાંસની પાતળી પટ્ટીઓમાંથી ખાસ પ્રકારે બનાવેલી ગોળ મોટી છાબડીમાં મૂકવામાં આવે છે, જ્યાં ઇયળો કોશેટામાં ફેરવાય છે. આવા કોશેટાને જો એમ જ રહેવા દેવામાં આવે તો તેમાંથી 8થી 10 દિવસમાં ફૂદું બહાર નીકળી આવે છે. પરિણામે રેશમના તારના ટુકડા થઈ જાય છે. તેથી રેશમનો તાર આખેઆખો મેળવવા માટે ફૂદું બહાર નીકળે તે અગાઉ 2થી 3 દિવસ પહેલાં જ કોશેટાની અંદરના ફૂદાને મારી નાંખવામાં આવે છે. આ માટે કોશેટાને સૂર્યના તાપમાં 2થી 3 દિવસ રાખવામાં આવે છે. ગરમ હવા/વરાળમાંથી તેને પસાર કરવામાં આવે છે, અથવા તો તેને રાસાયણિક પદાર્થોથી ધુમાડો આપવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘સ્ટાઇલિંગ’ કહે છે. આવી રીતે કોશેટાની અંદરના ફૂદાને મારી નાંખ્યા બાદ કોશેટાને સૂકવવામાં આવે છે અને તેની બહારની બાજુએ આવેલ ઢીલા નકામા પદાર્થને બ્રશ વડે દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ પાણીમાં નાખવામાં આવે છે, જેથી ગુંદર જેવો ભાગ ઢીલો પડવાથી રેશમનો તાર છૂટો પડે છે. અનુભવી માણસ તેનો એક છેડો બહાર કાઢી રીલિંગ મશીન પર ચઢાવી તેને વીંટી લે છે. એક કિલો રેશમના તારની આંટી મેળવવા માટે આવા 60,000 જેટલા કોશેટાની જરૂર પડે છે અને તે માટે લગભગ 1 ટન જેટલાં શેતૂરનાં પાનની જરૂરિયાત રહે છે.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ