રેતીના વંટોળ (sandstorms) : પવનથી ઉદભવતી રેતીની આંધી. હવાના દબાણમાં વધુ પડતો તફાવત થાય અને જે રીતે ચક્રવાત-પ્રતિચક્રવાત (cyclone-anticyclone) સર્જાય છે, તે જ રીતે રેતીના વંટોળ પણ સર્જાય છે. જોશબંધ ફૂંકાતા પવનો રેતીને એક જગાએથી ઊંચકીને બીજી જગાએ લઈ જાય છે. આ સ્થિતિમાં પવન ઘૂમરી લે છે અને રેતીકણોને ફંગોળે છે. આ પ્રકારની ઘટનાને રેતીની આંધી અથવા રેતીનો વંટોળ કહે છે.
પવનથી ખેંચાઈ આવતી રેતી ભૂમિસપાટીથી ઓછી ઊંચાઈએ રેતીની આંધી રચે છે. મોટાભાગની રેતી વજનદાર હોય છે, તે 50 સેમી.થી વધુ ઊંચાઈ સુધી ઊડીને જઈ શકતી નથી, પરંતુ કેટલાક સૂક્ષ્મ રેતીકણો 2 મીટર જેટલી ઊંચાઈ સુધી જાય છે. રેતીના આવા કણોનો વ્યાસ સરેરાશ 0.15 મિમી.થી 0.30 મિમી. જેટલો હોય છે. મોટાભાગનાં રેતીનાં તોફાનોની ગતિ કલાકે 16 કિમી.ની હોય છે અને તેમની અવધિ ત્રણથી પાંચ કલાક જેટલી રહે છે, તે પછીથી તે ધીમાં પડી શમી જાય છે. આવા વંટોળ રણોમાં પથરાયેલા અફાટ વિસ્તારોમાં ઉદભવે છે. કેટલાક વંટોળો દરિયાઈ રેતાળ પટ પર, કેટલાક નદીપટમાં તો વળી કેટલાક ગ્રૅવલ, રેતી અને કાંપથી બનેલા પંખાકાર કાંપના વિભાગોમાં ઉદભવતા રહે છે. વંટોળ વખતે વાતાવરણ સૂક્ષ્મ રેતીકણોથી છવાઈ જાય છે અને દૃશ્યતા (visibility) ઘટી જાય છે. બધું જ ધુમ્મસની જેમ ધૂંધળું બની રહે છે, પરિણામે વાહનો અથડાઈ જવાનો ભય વધી જાય છે. કવચિત્ હવાઈ મુસાફરીમાં પણ મુશ્કેલી સર્જાય છે. રેતીના આવા વંટોળ ક્યારેક ઊભા પાકોને પણ નુકસાન પહોંચાડે છે.
રેતીના વંટોળ દરમિયાન, મોટાભાગના રેતીકણો કૂદે છે, ઊછળે છે, ફંગોળાય છે, ઉત્પરિવર્તન પામે છે અને અન્યોન્ય અથડાય છે. આ ક્રિયા ચાલુ રહે છે અને વંટોળ આગળ વધે છે. આ કારણે ભૂમિસપાટીની આકારિકીમાં પણ આછા ખાડા-ટેકરાઓ થવાની શક્યતાઓ ઊભી થાય છે.
રણમાં રેતીના વંટોળ થવાની ઘટના સામાન્ય છે. તે વખતે ખૂબ ગરમ બનેલી રેતી કણોના સ્વરૂપમાં ચક્રાકારે ગોળ ગોળ ફરતી ફરતી ઊંચે ચડે છે. ઊંચે જતાં તેનું જોર નરમ પડે છે અને રેતીના કણો ચારે બાજુ ફેલાઈ જઈ નીચે પડે છે. રણમાં ઉદભવતા રેતીના આવા વંટોળની વચ્ચે જો કોઈ આવી જાય તો એમાંથી બચવાનો ઉપાય માત્ર બેસી જવાનો અને ભૂમિ પર સૂઈ જવાનો છે.
જાહ્નવી ભટ્ટ