રેડ્ડી, પાકલ તિરુમલ (જ. 4 જાન્યુઆરી 1915, અન્નારામ, કરીમનગર જિલ્લો, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ખેડુ કુટુંબમાં જન્મ. ગ્રામવિસ્તારમાં બાળપણ વિતાવ્યું. 1935માં મૅટ્રિક પાસ કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1942માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1937માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ મેળવ્યો. 1938માં તેઓ ભીંતચિત્રોની હરીફાઈમાં મિસ ડૉલી કુર્સેટજી ઇનામ જીત્યા.
1940માં ભીંતચિત્રો સર્જવા માટે લૉર્ડ મેયો સ્કૉલરશિપ મળી. 1941માં કન્ટેમ્પરરી પેન્ટર્સ ઑવ્ બૉમ્બે નામના કલાકાર-જૂથના સ્થાપક-સભ્ય બન્યા. આ જૂથના અન્ય કલાકારોમાં મજીદ, ભોપ્લે, બાપ્ટિસ્ટા અને એમ. વાય. કુલકર્ણીનો સમાવેશ થાય છે.
1942માં મુંબઈ ખાતે પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1942માં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો. 1944થી 1947 સુધી લાહોર ફિલ્મ-ઉદ્યોગમાં વિવિધ ફિલ્મ સ્ટુડિયોમાં કલાવિભાગના દિગ્દર્શક તરીકે કામગીરી બજાવી. 1947માં સ્વાતંત્ર્ય મળતાં ભારત આવી વસ્યા અને પૂરાં 8 વરસ સુધી (1947થી 1955) કલાત્યાગ કર્યો અને આ દરમિયાન કલ્પના ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હૈદરાબાદમાં ફર્નિચરનો વ્યવસાય કર્યો. 1956માં તેમણે ચિત્રોનું સર્જન કરી મુંબઈમાં તે જ વર્ષે તેનું પ્રદર્શન કર્યું. આ પછી પોતાની પ્રલંબ કલાકારકિર્દી દરમિયાન તેમણે ભારતમાં 30થી પણ વધુ તથા વિદેશોનાં પણ અનેક નગરોમાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં.
1966 સુધીની રેડ્ડીની કલા અજંતાનાં ભીંતચિત્રો, ભારતીય લોકકલા, પિકાસો, કૅન્ડિન્સ્કી, માતીસ, રૂઓ, મૉદિલ્યાની, શૅગલ, ઉત્રિલૉ અને દફીની કલાની ભારે અસર હેઠળ રહી. 1967થી અગાઉની શૈલીનો ત્યાગ કર્યો અને નવતાંત્રિક (neo tantric) ચિત્રોનું સર્જન શરૂ કર્યું. રેડ્ડી તેમનાં નવતાંત્રિક ચિત્રોમાં બિંદુશક્તિ, ત્રિશૂળ, જાતીય સમાગમમાં લીન યુગલ, યોનિ અને લિંગ જેવાં તેમાં વપરાયેલાં રૂઢ પ્રતીકોનીય પેલે પાર જવા મથે છે અને ભારતીય ધર્મોની (વિશેષત: હિંદુ અને બૌદ્ધ) ક્રિયાવિધિઓનો મર્મ પામવા પ્રયત્ન કરતા જણાય છે.
રેડ્ડી કેન્દ્રીય લલિત કલા અકાદમીના વાઇસ ચૅરમૅન રહી ચૂક્યા છે. ‘આંધ્ર પ્રદેશ કાઉન્સિલ ઑવ્ આર્ટિસ્ટ્સ’ના તેઓ સ્થાપક-પ્રમુખ હતા. તેઓ ‘આંધ્ર પ્રદેશ લલિત કલા અકાદમી’ના ચૅરમૅન અને સ્કલ્પ્ટર્સ ફૉરમ ઑવ્ ઇન્ડિયાના વાઇસ ચૅરમૅન રહી ચૂક્યા છે. નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીના તેમજ હૈદરાબાદ આર્ટ સોસાયટીના તેઓ આજીવન સભ્ય છે. દેશ અને વિદેશના ઘણા અંગત અને જાહેર સંગ્રહોમાં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.
અમિતાભ મડિયા