કૃષ્ણગાથા

January, 2008

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ ગાઈ છે. એમણે પ્રયોજેલ ‘મંજરી’ છંદ અગાઉના કોઈ કવિએ વાપર્યો નથી. તેમની ભાષા અને શૈલીમાં મધુરતા અને પ્રવાહિતા છે. તેમાં કવિની કવિત્વશક્તિ અને વિદ્વત્તાનો સમન્વય જોવા મળે છે. બધા રસોમાં તે સફળ છે. પરંતુ શૃંગાર, વાત્સલ્ય, હાસ્ય અને કરુણના નિરૂપણમાં એમનું સામર્થ્ય વિશેષ દેખાય છે. આ કવિ મલયાળમ કવિતામાં સંમાન્ય ગણાયેલા કુલપતિઓમાં સ્થાન પામ્યા છે.

અક્કવુર નારાયણન્