રૂટ, ઇલિહુ (જ. 15 ફેબ્રુઆરી 1845, ક્લિટંન, ન્યૂયૉર્ક; અ. 7 ફેબ્રુઆરી 1937, ન્યૂયૉર્ક) : અમેરિકાના અગ્રણી મુત્સદ્દી તથા 1912ના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. 1867માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ વકીલાત શરૂ કરી અને તે દરમિયાન અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી નેતા થિયોડૉર રૂઝવેલ્ટ(1858–1919)ના સંપર્કમાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ મેક્ન્લી(1843–1901)ના મંત્રીમંડળમાં તેઓ સંરક્ષણપ્રધાન હતા ત્યારે રૂટે અમેરિકા હસ્તકની સ્પેનની વસાહતોના વહીવટી માળખાની ગોઠવણ કરી હતી. તેમની ભલામણોને આધારે 1900માં ‘ફોરેકર ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો. તેને આધારે પૉર્ટો રીકોમાં નાગરિક પ્રશાસનની સ્થાપના કરવામાં આવી હતી. ફિલિપાઇન્સ ટાપુઓમાં અમેરિકાની સત્તા મજબૂત કરવાની કામગીરીમાં ઇલિહુ રૂટનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.
વળી અમેરિકાના લશ્કરના માળખાની પુનર્રચના કરવાની કામગીરીમાં પણ રૂટનો ફાળો શકવર્તી રહ્યો હતો. તેમની ભલામણથી જ અમેરિકાના લશ્કરની ત્રણેય પાંખના અધિકારીઓ વચ્ચે સરસેનાપતિના હોદ્દા(chief of staff) માટે ચક્રનેમિક્રમ(rotation)ની પ્રથા દાખલ કરવામાં આવી હતી. લશ્કરના ઉચ્ચ અધિકારીઓને તાલીમ આપવા માટે 1901માં થયેલી આર્મી વૉર કૉલેજની સ્થાપના પણ રૂટની ભલામણ અને પ્રયાસોના જ પરિણામરૂપ હતી. 1903માં તેઓ અમેરિકાની સરકારમાંથી મુક્ત થયા હતા, પરંતુ 1905–09ના ગાળામાં તેમણે વિદેશપ્રધાન તરીકેની ફરજો ફરી અદા કરી હતી. 1907માં નેધરલૅન્ડ્ઝના પાટનગર હેગ ખાતે મળેલી વિશ્વશાંતિ પરિષદમાં દક્ષિણ અમેરિકાના દેશોએ ભાગ લેવો જોઈએ તે માટે રૂટે સંનિષ્ઠ અને સફળ પ્રયાસ કર્યા હતા. આ ઉપરાંત જાપાનના નાગરિકોના અમેરિકામાં થતા સ્થળાંતર પર જાપાનની સરકારે કાપ મૂકવાની બાબત અંગે અમેરિકા અને જાપાન વચ્ચે જે કરાર થયો હતો તે પણ રૂટની મુત્સદ્દીગીરીને જ આભારી હતો. અમેરિકાના વિદેશમંત્રીની હેસિયતથી રૂટે યુરોપના વીસ ઉપરાંતના દેશો સાથે લવાદીના કરાર કરવામાં પણ સફળતા મેળવી હતી. હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલ સમક્ષ અમેરિકાના મુખ્ય ધારાશાસ્ત્રી તરીકે તેમણે કરેલી રજૂઆતને કારણે ઉત્તર ઍટલૅંટિક કાંઠાના વિસ્તારની માછીમારી અંગેના અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેના વિવાદનો સુખદ અંત આવી શક્યો હતો. લીગ ઑવ્ નેશન્સની કાયદા-વિષયક સમિતિઓમાં તેમણે કરેલ કામ પ્રશંસાને પાત્ર બન્યું હતું, જેને આધારે 1920–21ના અરસામાં કાયમી ધોરણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની સ્થાપનાનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. 1921–22માં અમેરિકાના પ્રમુખ વૉરેન હાર્ડિંગે ઇલિહુ રૂટને શસ્ત્રનિયંત્રણ માટેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે પાઠવ્યા હતા.
1912ના વર્ષ માટેનો શાંતિ નોબેલ પુરસ્કાર તેમને 1913માં એનાયત કરવામાં આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે