રીડ, એચ. એચ. (હર્બર્ટ હૅરોલ્ડ રીડ) (જ. 17 ડિસેમ્બર 1889; અ. 29 માર્ચ 1970) : ભૂસ્તરશાસ્ત્રી. ગ્રૅનાઇટની ઉત્પત્તિ પરનાં તેમનાં સંશોધનો માટે જાણીતા બનેલા ખડકવિદ. 1914થી 1931 સુધી તેઓ ‘His Majesty’s Geological Survey’ના સદસ્ય રહેલા. આ ગાળા દરમિયાન તેઓ લિવરપૂલ યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક પણ થયા હતા. ત્યારપછી 1939માં તેઓ લંડન યુનિવર્સિટીની ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાં જોડાયા અને 1955માં નિવૃત્ત થયા. ‘વિકૃત ખડકો પરનો અભ્યાસ’, ‘ખડક-રચનાઓ અને ગિરિનિર્માણનો સમયગાળો’, ‘બેઝિક મૅગ્મા(પ્રવાહી મૅગ્મા)માં જોવા મળતા તફાવતોનું નિર્ધારણ’ એ તેમનાં મુખ્ય સંશોધનાત્મક પ્રદાનો છે. તેમણે ‘જિયૉલોજી’ (1949), ‘ધ ગ્રૅનાઇટ’, ‘કૉન્ટ્રોવર્સી’ (1957) અને ‘બિગિનિંગ જિયૉલોજી’ (1966) પુસ્તકો પણ લખ્યાં છે.
ગિરીશભાઈ પંડ્યા