વૈષ્ણવ દર્શન : ભગવાન વિષ્ણુને મુખ્ય માનતી પ્રાચીન ભારતીય વિચારધારા. બધાં વૈષ્ણવ દર્શનો, વિષ્ણુ દેવતાને, પરબ્રહ્મથી અભિન્ન માને છે. મુખ્ય વૈષ્ણવ દર્શનો આ પ્રમાણે છે : (1) રામાનુજ વૈષ્ણવ દર્શન, (2) નિમ્બાર્ક વૈષ્ણવ દર્શન, (3) મધ્વ વૈષ્ણવ દર્શન, (4) વલ્લભ વૈષ્ણવ દર્શન, (5) ચૈતન્ય વૈષ્ણવ દર્શન. અહીં દરેકનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે :

(1) રામાનુજદર્શન : મૂલત: શ્રી વૈષ્ણવ સંપ્રદાયને આધારે રચાયેલા આ દર્શનના મુખ્ય પ્રવર્તક આચાર્ય રામાનુજ છે. તેથી આને ‘રામાનુજ-દર્શન’ કહે છે. આ દર્શનમાં પરમાત્માના સગુણ સ્વરૂપને જ સ્વીકારવામાં આવે છે. અનંત કલ્યાણ-ગુણો પ્રભુમાં રહે છે અને શ્રુતિમાં વર્ણવાતા નિર્ગુણ બ્રહ્મનો અર્થ છે ‘‘હેય  ત્યજવા યોગ્ય ગુણોથી રહિત બ્રહ્મ’’. જ્ઞાન એ બ્રહ્મનું સ્વરૂપ છે અને ગુણ પણ છે. એક રીતે આ દર્શનમાં ત્રણ તત્ત્વો સ્વીકાર્યાં છે : (1) બ્રહ્મ કે પરમાત્મા, (2) જીવ, (3) જડ જગત. આમાંથી બ્રહ્મ એ વિશેષ્ય છે; અને જીવ તથા જગત એ બંને બ્રહ્મનાં વિશેષણો છે. चिद् અર્થાત્ જીવથી વિશિષ્ટ બ્રહ્મ; અને अचिद् અર્થાત્ જડ જગતથી વિશિષ્ટ બ્રહ્મ  આ બંને વિશિષ્ટ(બ્રહ્મ)નું અદ્વૈત થાય છે  એક જ તત્ત્વ બને છે. તેથી રામાનુજ વૈષ્ણવ દર્શનના મુખ્ય સિદ્ધાંતને વિશિષ્ટાદ્વૈતવાદ કહે છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. ચિત્ અને અચિત્, જીવ અને જગત  એ બંને સૂક્ષ્મ રૂપમાં હોય ત્યારે એવાં બંને તત્ત્વોથી વિશિષ્ટ બ્રહ્મને કારણ કહે છે. એ બંને તત્ત્વો જ્યારે અભિવ્યક્ત થઈને સ્થૂળ બને ત્યારે એવાં તત્ત્વોથી વિશિષ્ટ બ્રહ્મને કાર્ય કહે છે. કાર્ય પહેલેથી જ કારણમાં સૂક્ષ્મરૂપે અસ્તિત્વ (सत् + ता) ધરાવતું હોય છે એવી માન્યતાને કારણે, આ દર્શન, કાર્યકારણની બાબતમાં સત્કાર્યવાદ સ્વીકારે છે. વળી, જેમ સુવર્ણ રૂપાંતર (પરિણામ) પામીને કુંડલ બને છે તેમ, બ્રહ્મનાં બે વિશેષણો ચિત્ (જીવ) અને અચિત્ (જગત) પોતાના સૂક્ષ્મ સ્વરૂપને છોડીને સ્થૂળ રૂપે અભિવ્યક્ત થાય ત્યારે જીવ-જગત પ્રગટ થાય છે. આને પરિણામવાદ કહે છે. બ્રહ્મ સર્વ જીવોની અને જગતના સર્વ પદાર્થોની અંદર રહીને નિયમન કરે છે, તેથી બ્રહ્મને અંતર્યામી કહે છે. જીવ બ્રહ્મનો અંશ, પ્રકાર કે વિશેષણ છે. જીવો અસંખ્ય છે. તે કર્તા અને ભોક્તા છે. જીવ ઈશ્વરની માયા-શક્તિથી કે અજ્ઞાનથી, પોતે ઈશ્વરનો અંશ છે એ ભૂલી જાય છે અને સંસારનાં ઇન્દ્રિયસુખોથી આકર્ષાય છે અને દુ:ખી થાય છે. જ્યારે જીવ, વિવેક (આહારશુદ્ધિ), સંસારસુખોના વળગણથી મુક્તિ વગેરે નિયમો પાળે તો તેના ચિત્તમાં, ધ્રુવા (સ્થિર) અનુસ્મૃતિ (ભગવાનનું સતત સ્મરણ) જાગે છે. એ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન તેવા જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આવા જીવને મૃત્યુ પછી ભગવાન દિવ્ય દેહ આપીને વૈકુંઠમાં નિત્ય આનંદ આપે છે. રામાનુજ દર્શનમાં જગત સત્ય છે; કારણ કે તે પરમાત્માનું શરીર છે. આ દર્શનની, પ્રપત્તિ-(શરણાગતિ)ના માર્ગની ભક્તિમાં, સ્ત્રી, શૂદ્ર સર્વને અધિકાર અપાયો છે. આ દર્શન ત્રણ પ્રમાણો સ્વીકારે છે : (1) પ્રત્યક્ષ, (2) અનુમાન અને (3) શબ્દ. શબ્દપ્રમાણમાં ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા  એ ત્રણ ઉપરાંત વિષ્ણુપુરાણને પણ મહત્ત્વનું સ્થાન અપાયું છે. બ્રહ્મસૂત્ર ઉપર, રામાનુજે લખેલા ભાષ્યને ‘શ્રીભાષ્ય’ કહે છે. ‘तत् त्वम् असि ।’ – વાક્યમાં, तत् (બ્રહ્મ એ વિશેષ્ય) અને त्वम् (જીવ એ વિશેષણ)  એ બંને વચ્ચે ઐક્ય નથી, પણ શુક્લ(ઘટ)માં છે તેવો, વિશેષણ-વિશેષ્ય સંબંધ છે. આ દર્શનમાં માનવામાં આવે છે કે એકલા જ્ઞાનથી બ્રહ્માનુભવ થતો નથી; જ્ઞાનપ્રાપ્તિની સાથે, ભગવાનની ઉપાસના પણ કરવી અનિવાર્ય છે.

(2) નિમ્બાર્કદર્શન : મૂલત: આ દર્શન, સનક સંપ્રદાયનું છે. આ દર્શનના મુખ્ય પ્રવર્તક આચાર્ય નિમ્બાર્ક (ઈ. સ. 12મી સદી) છે. તેથી આને નિમ્બાર્ક-દર્શન કહે છે. આ દર્શનમાં પણ બ્રહ્મને સગુણ, સાકાર માનવામાં આવે છે. નિર્ગુણ બ્રહ્મનો અર્થ, હેય (ત્યાજ્ય) ગુણોથી રહિત બ્રહ્મ. આ દર્શનમાં શ્રીરાધા-કૃષ્ણ યુગલકિશોરની ભક્તિનું ખૂબ મહત્ત્વ છે. બ્રહ્મસૂત્ર(1421)માં નિર્દિષ્ટ, આચાર્ય ઔડુલોમિના સિદ્ધાંત (સંસારદશામાં જીવ અને બ્રહ્મ ભિન્ન, અને જીવની મુક્તદશામાં બંને અભિન્ન  એ સિદ્ધાંત) જેવો, વાસ્તવિક ભેદાભેદવાદનો સિદ્ધાંત, નિમ્બાર્કાચાર્યે બ્રહ્મસૂત્ર પરના તેમના ‘વેદાન્ત પારિજાત’ નામના ભાષ્યમાં પ્રતિપાદિત કર્યો. જીવ ભોક્તા, જગત ભોગ્ય અને ઈશ્વર નિયામક છે. ઉપનિષદનાં જીવ-બ્રહ્મનો ભેદ દર્શાવતાં અને અભેદ દર્શાવતાં વાક્યોને પ્રમાણભૂત ગણીને નિમ્બાર્કે વાસ્તવિક ભેદઅભેદવાદનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. જેમ વૃક્ષ અને તેનું પાન અથવા દીપક અને તેનો પ્રકાશ  આ બંને વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પણ છે અને અભેદ પણ છે; તેમ જીવ અને બ્રહ્મ વચ્ચે વાસ્તવિક રીતે ભેદ અને અભેદ બંને છે. ચિત્ (જીવ) અને અચિત્ (જગત)  એ બંનેનું બ્રહ્મથી જુદું અસ્તિત્વ છે તેથી ભેદ છે અને ચિત્-અચિત્ની સત્તા ઈશ્વર પર આધારિત છે. તેથી ચિત્-અચિત્ અને ઈશ્વરની વચ્ચે અભેદ છે. ઈશ્વરમાં અસંખ્ય દિવ્ય ગુણો છે. બ્રહ્મને માટે ‘રમાકાન્ત’, ‘ભગવાન’, ‘પરમાત્મા’, ‘ઈશ્વર’ વગેરે શબ્દો પ્રયોજાય છે. પરમાત્મા ચતુર્વ્યૂહ રૂપે વાસુદેવ (ભગવાન), સંકર્ષણ (જીવ), પ્રદ્યુમ્ન (મન) અને અનિરુદ્ધ (અહંકાર) છે. ભગવાન ગુણાવતાર, પુરુષાવતાર અને લીલાવતાર ધારણ કરે છે. ઈશ્વર લીલા માટે જગત ઉત્પન્ન કરે છે, પોષે છે અને તેનો લય કરે છે. જગત બ્રહ્મનું પરિણામ (રૂપાંતર) છે, તેથી સત્ય છે. બ્રહ્મ જગતનું ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બંને છે. જીવ નિત્ય છે, અણુમાપનો અને ઈશ્વરનો અંશ છે. વળી તે કર્તા છે પણ તેનું કર્તૃત્વ ઈશ્વર પર આધારિત છે. જીવો અનંત છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે. ઇન્દ્રિયો વગર પણ તેને જ્ઞાન થઈ શકે છે; તેથી તેને પ્રજ્ઞાનધન, સ્વયંજ્યોતિ, જ્ઞાનમય કહે છે. જ્ઞાન એ બ્રહ્મનું સ્વરૂપ અને ગુણ પણ છે. અવિદ્યાથી જીવને સંસાર પ્રાપ્ત થાય છે અને નિષ્કામ કર્મો, શરણાગતિવાળી ભક્તિ વગેરેથી ઈશ્વર જીવ ઉપર કૃપા કરે છે અને સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આ દર્શનમાં જીવન્મુક્તિ સ્વીકારી નથી, દેહપાત પછી જ જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ  એ ત્રણ પ્રમાણ આ દર્શનમાં સ્વીકારાયાં છે. શબ્દ પ્રમાણમાં ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા ઉપરાંત નારદપંચરાત્રને પ્રમાણ માનવામાં આવે છે. વૈકુંઠ, ઈશ્વરપ્રકાશ વગેરે દિવ્ય પદાર્થો છે. પ્રાકૃત જગત સત્ત્વાદિ ગુણોથી બનેલું છે. નિમ્બાર્કનો વાસ્તવિક ભેદાભેદવાદ રામાનુજના વિશિષ્ટાદ્વૈતને મળતો આવે છે અને ભાસ્કરના ઔપાધિક ભેદાભેદવાદથી તે જુદો છે.

(3) મધ્વદર્શન : મૂલત: બ્રહ્મસંપ્રદાયના મધ્વ-દર્શનના આદ્યપ્રવર્તક મધ્વાચાર્ય (ઈ. સ. 13મી સદી) હોવાથી આ દર્શનને મધ્વ-દર્શન કહે છે. મધ્વ પૂર્ણપ્રજ્ઞ, આનંદતીર્થ, મધ્યમંદિર એવાં બીજાં નામોથી પણ જાણીતા છે. આ દર્શનના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે  સર્વોચ્ચ તત્ત્વ વિષ્ણુ છે. તે એક અને અદ્વિતીય છે એટલે તેનાથી ચડિયાતું કે સમાન બીજું કોઈ તત્ત્વ નથી. તે નિર્દોષ, નિત્ય અને સર્વ સદ્ગુણોથી પૂર્ણ છે. પરમાત્માને અલૌકિક વિગ્રહ (દિવ્ય શરીર) હોય છે. તત્ત્વો બે પ્રકારનાં : (1) સ્વતંત્ર અને (2) પરતંત્ર. ભગવાન એકમાત્ર સ્વતંત્ર છે; બ્રહ્માદિ સર્વ જીવો, લક્ષ્મી, પ્રકૃતિ વગેરે બધા જ પદાર્થો પરતંત્ર છે. લક્ષ્મી વિષ્ણુની શક્તિ છે. તે વિષ્ણુના આશ્રયે રહે છે અને પ્રકૃતિની અધિષ્ઠાત્રી છે. લક્ષ્મીનાં ત્રણ સ્વરૂપ છે  શ્રી, ભૂ અને દુર્ગા; આ ત્રણે, અનુક્રમેે સત્ત્વ, રજસ્ અને તમસ્ પર નિયમન કરે છે. ભગવાનની ઇચ્છાથી પ્રકૃતિમાં ક્ષોભ થાય છે અને મહદાદિ તત્ત્વો ઉત્પન્ન થાય છે. ઈશ્વર જગતનું માત્ર નિમિત્તકારણ છે અને પ્રકૃતિ ઉપાદાનકારણ. બ્રહ્મસૂત્ર પર લખેલા મધ્વભાષ્યને પૂર્ણપ્રજ્ઞભાષ્ય કહે છે. ઉપરાંત મધ્વાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ‘અનુવ્યાખ્યાન’ અને ‘અણુભાષ્ય’ નામની ટીકાઓ પણ લખી છે. પૂર્ણપ્રજ્ઞભાષ્ય પર જયતીર્થે ‘તત્ત્વપ્રકાશિકા’ ટીકા લખી. આ દર્શનમાં પાંચ પ્રકારના ભેદો સ્વીકારાયા છે : (1) ઈશ્વરજીવની વચ્ચે, (2) ઈશ્વરજડની વચ્ચે, (3) જીવજડની વચ્ચે, (4) જીવ અને જીવની વચ્ચે, (5) જડજડની વચ્ચે. જીવ ભોક્તા છે, જડ ભોગ્ય છે અને ઈશ્વર નિયામક છે. ઉપનિષદનાં ભેદ-પ્રતિપાદક વાક્યો દ્વૈતવાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે અને ઉપનિષદનાં અભેદ-પ્રતિપાદક વાક્યો જીવ અને બ્રહ્મ વચ્ચે ઐક્યને નહિ પણ સાશ્યને સિદ્ધ કરે છે. મુક્તિમાં જીવ પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે અને ઈશ્વર જેવો બને છે. જીવ નિત્ય છે, અણુમાપનો છે. જીવો અનંત છે. સ્વભાવથી તે આનંદી છે. કર્મજન્ય શરીરમાં અજ્ઞાનથી અહંબુદ્ધિ કરીને તે દુ:ખી થાય છે. જીવ ઈશ્વરનો દાસ બનીને શરણાગતિ દ્વારા ભક્તિ કરે તો ભગવાન કૃપા કરીને તેને પોતાના સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન કરાવે છે. ‘तत् त्वम् असि ।’ –  એ વાક્ય જીવબ્રહ્મનું ઐક્ય નહિ, પરંતુ સાશ્ય સિદ્ધ કરે છે અથવા ‘આત્મા’ અને ‘તત્’ પદોની વચ્ચે अ ગણીને अतत्  તું જીવ, તે બ્રહ્મ નથી  એમ અર્થ છે. જીવ શંખ, ચક્ર વગેરેનાં ચિહ્નો શરીર પર અંકિત કરીને, સંતાનોનાં નામ કેશવ વગેરે રાખીને તેમજ મન, વાણી, કાયાથી ભજન કરીને ભગવાનને પ્રસન્ન કરે છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણો સ્વીકારાયાં છે. શબ્દપ્રમાણમાં વેદ-ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા ઉપરાંત પંચરાત્ર આગમ, રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનુષ્ય વૈરાગ્ય, સમષ્ટિ, ગુરુ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ, સંપૂર્ણ શરણાગતિ વગેરે દ્વારા ભગવાનની કૃપા મેળવીને મુક્તિ મેળવે છે અને જગત-ઉત્પત્તિ વગેરેની ક્રિયા સિવાય, યથેચ્છ વિહારસુખ ભોગવે છે. જીવન્મુક્તિ આ દર્શનમાં સ્વીકાર્ય નથી. જગત સત્ય છે અને પ્રકૃતિનું પરિણામ છે.

(4) વલ્લભદર્શન : મૂલત: રુદ્ર સંપ્રદાયમાંથી ઉદભવેલા આ દર્શનના આદ્યપ્રવર્તક વલ્લભાચાર્ય (ઈ. સ. 1473  1525) હોવાથી આ દર્શનને વલ્લભ વૈષ્ણવ દર્શન કહે છે. વલ્લભાચાર્ય પરમાત્માના પ્રતિપાદનમાં માત્ર શબ્દપ્રમાણનો જ આધાર લે છે. શબ્દપ્રમાણમાં વેદ (ઉપનિષદ), બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત(ની સમાધિભાષા)નો સમાવેશ થાય છે. ભાગવત, વેદાદિ પ્રસ્થાનત્રયીના વ્યાખ્યાનરૂપ મનાય છે. આચાર્યે બ્રહ્મસૂત્ર પર જે ભાષ્ય લખ્યું તેને ‘અણુભાષ્ય’ કહે છે. ઉપરાંત પૂર્વમીમાંસાભાષ્ય, ‘તત્ત્વદીપનિબંધ’ (સ્વોપજ્ઞ પ્રકાશટીકા સાથે) ભાગવતના પ્રથમ ત્રણ સ્કંધ, દશમ સ્કંધ અને એકાદશ સ્કંધના અધ્યાય 1થી 5 પર ‘સુબોધિની’ ટીકા, ષોડશગ્રંથો વગેરે વલ્લભાચાર્યની કૃતિઓ છે. આ દર્શનમાં બ્રહ્મ સચ્ચિદાનંદરૂપ છે. તે રસાત્મક, સાકાર અને સગુણ છે. તે વ્યાપક, સર્વશક્તિમાન, સર્વકર્તા, વિરુદ્ધ ધર્મોના આશ્રયરૂપ, સર્વજ્ઞ, પ્રાકૃતગુણરહિત (= નિર્ગુણ) છે. બ્રહ્મ સ્વમાંથી સ્વ-રૂપે જ જગતને ઉત્પન્ન કરે છે. તેથી જગતનું ઉપાદાન અને નિમિત્ત બંને કારણરૂપ બ્રહ્મ જ છે. જગત એ બ્રહ્મનું પરિણામ (રૂપાંતર) છે. છતાં બ્રહ્મમાં, દહીંમાં રૂપાંતર પામતાં દૂધ વિકાર પામે તેવો વિકાર થતો નથી; પરંતુ સુવર્ણમાંથી કુંડલ બનતાં જેમ સુવર્ણમાં કોઈ (આકાર-ફેરફાર સિવાય બીજો કોઈ) વિકાર થતો નથી તેમ જગતમાં રૂપાંતર પામતાં બ્રહ્મમાં કોઈ વિકાર થતો નથી. તેથી આને અવિકૃત પરિણામવાદનો સિદ્ધાંત કહે છે. જગત સત્ય છે. મનુષ્યે મનથી કલ્પેલો સંસાર અસત્ય છે. ભગવાનની ઇચ્છાથી, ચિદ્-અંશ અને આનંદ-અંશ તિરોહિત થતાં (ઢંકાઈ જતાં) સદ્-અંશનો જ આવિર્ભાવ (પ્રકટ થવું તે) એટલે જગત. ભેદ અને દુ:ખથી ભરેલા જગતને રચવા છતાં ભગવાનને વિષમતા કરવાનો અને નિર્દયતાનો દોષ લાગતો નથી, કારણ કે જગત એ ભગવાનનું પોતાનું સ્વરૂપ જ છે.

જેમ સ્ફુલિંગ (તણખો) અગ્નિનો અંશ છે તેમ જીવ, બ્રહ્મનો અંશ છે. અવિદ્યાને કારણે જીવને અહંતા-મમતા થાય છે અને સંસાર ઊભો થાય છે. વિદ્યાથી અવિદ્યા દૂર થતાં જીવનો, અહમ્મમભાવ દૂર થતાં સંસાર નાશ પામે છે અને તે મુક્ત થાય છે. અવિદ્યાનાં પાંચ પર્વ (સાંધા કે વિભાગ) છે : દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને મન એ દરેક પોતે (આત્મા) હોય એવો ભ્રમ (અધ્યાસ) થાય તે અને સ્વરૂપનું ભાન ન થાય તે પાંચમો ભ્રમ. વિદ્યાનાં પાંચ પર્વ છે : જ્ઞાન (સાંખ્ય), વૈરાગ્ય, ભક્તિ, યોગ અને તપ. બ્રહ્મનો આનંદ-અંશ તિરોહિત (ઢંકાયેલો) થાય એટલે જીવ પ્રકટ થાય; જેમાં સદ્-અંશ અને ચિદ્(જ્ઞાન)અંશ પ્રકટ હોય છે. જીવ નિત્ય છે, અણુમાપવાળો છે. બ્રહ્મની પાસે, આવિર્ભાવ (પ્રકટ થવું) અને તિરોભાવ(ઢંકાઈ જવું)ની બે શક્તિઓ છે. જીવ પર પ્રભુ, જીવે કોઈ સાધના ન કરી હોય છતાં, પોતાના સ્વરૂપબલથી કૃપા કરે તેને પુષ્ટિ (અનુગ્રહ, પોષણ) કહે છે. શાસ્ત્રજ્ઞાન પ્રમાણે નિયમો પાળીને જીવ ભક્તિ કરે તેને મર્યાદાભક્તિ કહે છે. પુષ્ટિમાર્ગમાં બિલાડીના બચ્ચાની જેમ, ભક્તે કાંઈ કરવાનું નથી. મર્યાદામાર્ગમાં, વાંદરીના બચ્ચાની જેમ (બચ્ચું માની છાતીએ વળગી રહે તેમ) ભક્તે પ્રયત્ન કરવો પડે છે. પુષ્ટિભક્તિથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે, જેમાં અગણિત આનંદ હોય છે. જ્યારે શાસ્ત્રજ્ઞાન પ્રમાણે મર્યાદાભક્તિ કરનારને અક્ષરબ્રહ્મ પ્રાપ્ત થાય છે, જેમાં ગણિત-આનંદ હોય છે. શંકરાચાર્યે સ્વીકારેલી અનિર્વચનીય માયા (અશુદ્ધિ) વગર જ બ્રહ્મ શુદ્ધરૂપે જ જીવ-જગત બને છે. તેથી ‘शुद्धम् च तद् अद्वैतम्’ (કર્મધારય) શુદ્ધ એવાં જીવ-જગત અને શુદ્ધ બ્રહ્મનું  શુદ્ધ એવું તે અદ્વૈત તે શુદ્ધાદ્વૈત અથવા તે બંને શુદ્ધનું અદ્વૈત તે શુદ્ધાદ્વૈત. ‘तत् त्वमसि ।’ એ વાક્યમાં તે બ્રહ્મનો (त्वम्) તું (અંશ) છે એમ અદ્વૈત સાધવું. શ્રવણ, કીર્તન વગેરે નવધા ભક્તિ ઉપરાંત તનુજા (શરીરથી) સેવા, વિત્તજા (ધનથી થતી) સેવા અને મનથી કરાતી માનસી સેવા  એમ ત્રણ પ્રકારની સેવા છે. તનુજા સેવાથી અહંભાવ છૂટે અને વિત્તજા સેવાથી મમતા છૂટે. શ્રીકૃષ્ણની વ્રજલીલાની ગોપીઓ  એ પુષ્ટિભક્તિનું ષ્ટાંત છે. નાની વયમાં બાળકોને श्रीकृष्णः शरणं मम (શ્રીકૃષ્ણ મારો આધાર છે.)  એ મંત્રથી દીક્ષા અપાય છે. પછી શરણાગતિના ગદ્યમંત્રથી બ્રહ્મસંબંધની દીક્ષા અપાય છે. આ છે વલ્લભ-વૈષ્ણવ દર્શનની આછી રૂપરેખા.

ચૈતન્યવૈષ્ણવ દર્શન : આ દર્શનના પરોક્ષ રીતે આદ્યપ્રવર્તક ચૈતન્ય મહાપ્રભુ (ઈ. સ. 1485) હોવાથી આ દર્શનને ચૈતન્ય-વૈષ્ણવ દર્શન કહે છે. નિમ્બાર્ક-દર્શન અને મધ્વ-દર્શનનો પ્રભાવ આ ચૈતન્ય-દર્શન પર પડેલો જણાય છે. રાધાકૃષ્ણની શૃંગારલીલાઓને વર્ણવતા જયદેવ, ચંડીદાસ વગેરે કવિઓએ પણ આ દર્શનની તત્ત્વમીમાંસા પર અસર કરી છે. ચૈતન્ય મહાપ્રભુ સંસ્કૃતના અસાધારણ પંડિત હોવા છતાં, સદૈવ શ્રીહરિલીલા-સંકીર્તનમાં નિમગ્ન રહેતા હોવાથી, ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્ર પર તેમણે કોઈ ભાષ્ય રચેલ નથી; પરંતુ તેમના અનુયાયી રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, બલદેવ વિદ્યાભૂષણ વગેરે વિદ્વાનોએ આ ચૈતન્ય-દર્શનના તત્ત્વજ્ઞાનની રચના કરી છે.

શ્રીકૃષ્ણ કે હરિ એક જ પરમ તત્ત્વ છે. તે અનંત કલ્યાણગુણોથી યુક્ત છે. સગુણ, સાકાર ઈશ્વર પ્રાકૃત ગુણોથી રહિત છે. કૃષ્ણની મુખ્યત્વે ત્રણ શક્તિઓ છે  સ્વરૂપશક્તિ, તટસ્થશક્તિ (જીવ) અને માયાશક્તિ (જગત). સ્વરૂપશક્તિમાં સંધિની શક્તિ (સત્તા), સંવિત્-શક્તિ (ચિત્ કે જ્ઞાન) અને હ્લાદિની-શક્તિ (આનંદ) રહેલ છે. સ્વરૂપ, તટસ્થ અને માયા  એ ત્રણેય શક્તિઓના સમૂહને પરાશક્તિ કહે છે. સ્વરૂપ(ચિત્ત્)શક્તિથી ભગવાન, જગતનું નિમિત્તકારણ બને છે અને પોતાની માયાશક્તિથી ભગવાન, જગતનું ઉપાદાનકારણ બને છે. આ રીતે ભગવાન જ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. એક જ કૃષ્ણને જુદાં જુદાં અનંત સ્વરૂપોમાં બતાવતી, ભગવાનની અચિન્ત્ય, અપરિમેય શક્તિને, ચૈતન્ય-દર્શનની પરિભાષામાં ‘વિશેષ’ કહે છે. ભગવાન અને તેની શક્તિઓની વચ્ચે ભેદ અને અભેદ બંને છે. માનવબુદ્ધિ આ ભેદ-અભેદને સ્પષ્ટ રીતે સમજી શકતી નથી તેથી આ અચિન્ત્યભેદાભેદ છે. ભગવાનની તટસ્થ શક્તિ જીવસ્વરૂપ છે અને માયાશક્તિ જગતરૂપ છે. તેથી બ્રહ્મ (પરમાત્મા) અને જીવની વચ્ચે અચિન્ત્ય ભેદાભેદનો સંબંધ છે. જીવ ભગવાનનો અંશ છે, નિત્ય છે, અણુમાપવાળો છે. તે ભગવાનના આશ્રયે રહે છે. જેમ મધમાખી પુષ્પરસ અર્થાત્ મધુનું ખૂબ પાન કરીને, મધુથી ભરાઈને મધુમય બની જાય છે તેમ જીવ કૃષ્ણના રસથી ભરાઈને કૃષ્ણમય બની જાય છે. આ રીતે જીવ-બ્રહ્મનો અભેદ સધાય છે. રાધા એ જ કૃષ્ણની હ્લાદિની (આનંદ) શક્તિ છે  રસરૂપા છે. રાધાકૃષ્ણનો રાસ સતત ચાલતો રહે છે. બીજું, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ કૃષ્ણનાં ચતુર્વ્યૂહ-સ્વરૂપો છે. જગત સત્ય છે; કારણ કે માયાશક્તિથી ભગવાન પોતે જ જગતરૂપ બને છે. ચૈતન્ય-દર્શનના તત્ત્વજ્ઞાનમાં કર્મ અને જ્ઞાનનું બહુ મહત્ત્વ નથી. ભગવાન કૃપા કરીને જીવ દ્વારા ભક્તિ કરાવે અને સ્વરૂપનો અનુભવ કરાવે એ જ્ઞાન. ભગવાન પ્રત્યે રાગરૂપા ઉત્કટ ભક્તિ જાગે અને સંસાર આપોઆપ ભૂલી જવાય એ જ વૈરાગ્ય. ભગવાનના સાક્ષાત્કારનું મુખ્ય સાધન ભક્તિ જ છે. ભક્તિ બે પ્રકારની  એક, શાસ્ત્રવિધિ પ્રમાણે કરવામાં આવતી ભક્તિ તે વૈધીભક્તિ અને બીજી, ભગવાનમાં અત્યંત રુચિ થતાં અદમ્ય પ્રેમ જાગે તે રાગભક્તિ. રાગભક્તિને મુક્તિ કરતાંયે વધારે મહત્ત્વ અપાય છે. રાગભક્તિ સાધન નથી, સાધ્ય છે. આ રાગભક્તિની પરાકાષ્ઠા ગોપીભાવમાં છે અને ગોપીભાવની પરાકાષ્ઠા રાધાભાવમાં છે. બીજી રીતે ચૈતન્ય-દર્શનમાં, ભક્તિની પાંચ ભૂમિકાઓ છે : શાંતભાવ, સખ્યભાવ, વાત્સલ્યભાવ, દાસ્યભાવ અને માધુર્યભાવ. આમાં જીવ કૃષ્ણને જ પતિ માનીને માધુર્યભાવથી ભક્તિ કરે તે શ્રેષ્ઠ મનાય છે. આ દર્શન પ્રમાણે સ્ત્રી, શૂદ્ર વગેરેને ભક્તિમાં સમાન અધિકાર છે. જે ભક્તિમાં કૃષ્ણ સિવાય કોઈ અન્યની અભિલાષા ન હોય, જે ભક્તિ જ્ઞાનથી અને કર્મથી ઢંકાયેલી ન હોય અને જે ભક્તિ કૃષ્ણને જ અનુકૂળ રહીને ( જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં રહીને) કરવામાં આવે તે સર્વશ્રેષ્ઠ ભક્તિ ગણાય છે.

આ દર્શનના તત્ત્વજ્ઞાનના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે : સનાતન ગોસ્વામીએ પ્રસિદ્ધ આચાર ગ્રંથ, ‘હરિભક્તિવિલાસ’ રચ્યો છે. આ ઉપરાંત ‘બૃહદ્ ભાગવતામૃત’ ભાગવત પરની ‘વૈષ્ણવતોષિણી ટીકા’ વગેરે તેમના ગ્રંથો છે. રૂપ ગોસ્વામીએ ‘ભક્તિરસામૃતસિંધુ’, ‘ઉજ્જ્વલનીલમણિ’ વગેરે ગ્રંથો રચ્યા છે. જીવ ગોસ્વામીના મતે ભાગવત એ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય છે. તેમણે ‘ષટ્સંદર્ભ’, ‘ક્રમસંદર્ભ’ વગેરે કૃતિઓ રચી અને બલદેવ વિદ્યાભૂષણે બ્રહ્મસૂત્ર પર ‘ગોવિંદભાષ્ય’ લખ્યું. ચૈતન્યવૈષ્ણવદર્શનના તત્ત્વજ્ઞાનનો એ સાર છે.

લક્ષ્મેશ જોષી