વેલાવાળી શાકભાજીની જીવાતો : વેલાવાળાં દૂધી, તૂરિયાં, ગલકાં, ઘિલોડાં, પરવળ, કારેલાં, કાકડી, કંકોડાં અને કોળાં જેવી શાકભાજીને નુકસાન કરતી જીવાતો. આ પાકોમાં લગભગ પચાસ કરતાં પણ વધુ જાતની જીવાતો એક યા બીજી રીતે નુકસાન કરતી નોંધાયેલ છે. આવી નુકસાન કરતી જીવાતોથી શાકભાજીના ઉત્પાદનમાં સારો એવો ઘટાડો થતો હોય છે અને તે સાથે જે તે શાકભાજીની ગુણવત્તા પણ બગડતી હોય છે; જેને પરિણામે ખેડૂતોને શાકભાજીના યોગ્ય બજારભાવ મળતા નથી. આમ આડકતરી રીતે પણ નુકસાન ભોગવવું પડે છે.

વેલાવાળી શાકભાજીના પાકમાં નુકસાન કરતી જીવાતોમાં ફળમાખી, લાલ અને કાળાં મરિયાં, પટ્ટાવાળા કાંસિયા, એપીલેકના ભમરા, ગાંઠિયામાખી, પાનકોરિયાં, મોલા (Aphis), લીલાં તડતડિયાં, કાષ્ઠકીટ (thrips), પાનપગાં ચૂસિયાં અને સફેદ માખીઓનો સમાવેશ થાય છે. આ સિવાય પરવળના પાકમાં વેલા કોરનાર કીડો (વાઇન બોરર), ઘિલોડીની ફૂદી, તથા ગર્ડલર ભમરા, ઘિલોડાં અને પરવળના પાકમાં ચીકટો (Mealy bug) તથા ભીંગડાવાળી જીવાત (scale insect) અને દૂધીનાં લીલાં ચૂસિયાં ખાસ જોવા મળે છે. આ બધી જીવાતોનાં નિયંત્રણ માટે જો સમયસર પગલાં લેવામાં ન આવે તો તેનાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણું નુકસાન થતું હોય છે.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ