વેર્ને, જૉસેફ (Vernet, Joseph) (. 14 ઑગસ્ટ 1714, આવી ન્યોં, ફ્રાંસ; . 3 ડિસેમ્બર 1789, પૅરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર. વેર્નેના પિતા પણ ચિત્રકાર હતા. વીસ વરસની ઉંમરે 1734માં તેઓ ચિત્રકલાની તાલીમ માટે રોમ ગયા. ત્યાં સત્તરમી સદીના ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર ક્લોદ લૉરાંનાં નિસર્ગચિત્રોથી પ્રભાવિત થયા. લૉરાંનાં ચિત્રોમાં તેજથી ઝળહળતા અને અસીમ જણાતાં જંગલોની અને સત્તરમી સદીના ઇટાલિયન ચિત્રકાર સાલ્વાતોર રોસાના નિસર્ગ- ચિત્રોમાં નિસર્ગના ઘટકોની નાટ્યોચિત ગોઠવણીની અસર તેમનાં નિસર્ગચિત્રો ઉપર પડી. તેમનાં નિસર્ગચિત્રોમાં વારંવાર ડોકાતા મધદરિયે ડૂબતાં વહાણો, સૂર્યોદયો અને સૂર્યાસ્તોમાં પણ ઝળહળતું તેજ જોવા મળે છે. 1753માં તેઓ પૅરિસ આવીને સ્થિર થયા. પૅરિસની પ્રતિષ્ઠિત કલા સંસ્થા ફ્રેન્ચ રૉયલ એકૅડેમીના તેઓ સભ્ય બન્યા. તત્કાલીન ફ્રેન્ચ રાજા લુઈ પંદરમાએ તેમને ફ્રાંસનાં બંદરો ચિત્રિત કરવાની વરદી આપી. ‘પૉટર્સ ઑવ્ ફ્રાંસ’ નામે ઓળખાતી આ શ્રેણીમાં તેમણે ફ્રાંસનાં જુદાં જુદાં બંદરોનું નિરૂપણ કરતાં પંદર નયનરમ્ય ચિત્રો સર્જ્યાં. આ ચિત્રશ્રેણી તેમનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે. અઢારમી સદીનાં ફ્રેન્ચ બંદરો પરની રોજિંદી જિંદગી તથા ચહલપહલનું દસ્તાવેજી આલેખન પણ તેમાં જોવા મળે છે. આ ચિત્રશ્રેણી હાલમાં પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં રહેલી છે.

આ ચિત્રશ્રેણીના સર્જન પછી તેમના ચિત્રસર્જનમાં વેગ આવ્યો, પણ તેમાં તેમની ગુણવત્તામાં ખાસ્સી ઓટ આવી એવી વ્યાપક માન્યતા છે.

તેમના પુત્ર કાર્લ અને પૌત્ર હોસેસ પણ નિસર્ગ-ચિત્રકારો હતા.

અમિતાભ મડિયા