વેપારી મહાજન : પારસ્પરિક સહાય અને સંરક્ષણ માટે એક જ પ્રકારના ધંધા અથવા વ્યવસાયમાં સંકળાયેલા પ્રતિષ્ઠિત માનવોનું સંગઠન. ભારતીય સમાજવ્યવસ્થામાં વર્ણો અને જ્ઞાતિનું પ્રાધાન્ય હતું. હજુ પણ આ બંનેનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. પરંતુ વીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને ખૂબ પ્રભાવક હતાં. પ્રત્યેક વર્ણમાં (શૂદ્ર સિવાય) અને જ્ઞાતિમાં મહાજનો ઊભરી આવતાં હતાં. મહાજનના સભ્યને પસંદ કરવામાં કોઈ નિશ્ચિત વિધિવિધાન ન હતાં; પરંતુ જે તે વર્ણ અને જ્ઞાતિમાં અપેક્ષિત જીવનવ્યવહાર કરતાં ઊંચા વ્યવહારો કરનારા અગ્રણીઓ મહાજનો તરીકે ઓળખાતા હતા. અલબત્ત, એક વાર એક વ્યક્તિ મહાજન બન્યા પછી તેના વંશવારસો મહાજન બને તેવો આગ્રહ રખાતો હતો. આમ છતાં વારસદારોનો જીવનવ્યવહાર ઊંચા સ્તરનો ન હોય તો એમને મહાજન તરીકે ઓળખવાનું બંધ થતું હતું.
વર્ણવ્યવસ્થામાં વૈશ્યો આર્થિક પ્રવૃત્તિઓ કરતા હતા; તેથી તેમની પાસે વધારે પ્રમાણમાં સંપત્તિ એકઠી થતી હતી. એવા સંપત્તિવાન વૈશ્યો પોતાની સંપત્તિ અને બુદ્ધિનો સ્વયંભૂ ઉત્સાહથી સમાજ માટે ખર્ચ કરતા હતા; તેથી તેઓ લોકજીભે મહાજન તરીકે ઓળખાવા લાગ્યા. કર્ણોપકર્ણ એમનું એ વિશેષણ સમાજમાં પ્રચલિત થતું હતું અને ક્રમશ: તેઓ વેપારી મહાજનોથી ઓળખાવા લાગ્યા. મહાજન પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતી. આથી મિલકતો ગીરો મૂકવા માટે; દાગીના, સોના જેવા કીમતી પદાર્થો અમાનત તરીકે મૂકવા માટે તથા આર્થિક બાબતોના ઝઘડા પ્રસંગે એમના ચુકાદા માટે તેઓ વિશ્વસનીય ગણાતા. સ્થાનિક વિસ્તારની બહારથી આવતા ધંધાદારીઓને ચકાસવા અને એમને જરૂરી માનમરતબો આપવો, હૂંડીઓ તૈયાર કરવી અને સમાજમાં ચલણની જેમ ફરતી કરવી જેવા વિશ્વાસ માગતાં અનેક આર્થિક કામો મહાજનો કરતાં હતાં. સમય જતાં આ આર્થિક પ્રવૃત્તિનું સંસ્થાકરણ થતાં તેમજ સંસ્થાઓ માટે કાયદા ઘડાતાં વેપારી મહાજનોનું મહત્વ ઘટતું ગયું અને હવે તે લુપ્ત થયાં છે.
વર્ણ અને જ્ઞાતિ આધારિત વેપારી મહાજનો પ્રાચીન સમયમાં બનતાં હતાં; પરંતુ ક્રમશ: ભિન્ન ભિન્ન વર્ણ અને જ્ઞાતિનાં હોવા છતાં કોઈ એક જ ધંધાના ધંધાદારીઓ પણ ભેગા થઈને પોતાનું મંડળ અથવા તો સમૂહ બનાવતા હતા. આ સમૂહ પણ વેપારી મહાજન તરીકે ઓળખાતો હતો. સમય જતાં એક જ ધંધાને બદલે વિવિધ ધંધાના ધંધાદારીઓએ પણ ભેગા થઈને મંડળોના સંઘ (federation) બનાવવાનું શરૂ કર્યું હતું. એવા સંઘ પણ વેપારી મહાજન તરીકે ઓળખાતા હતાં. વેપારીઓનાં મંડળો કે જે વેપારી મહાજન તરીકે ઓળખાતાં હતાં તેમાંથી આધુનિક જમાનાને અનુરૂપ જુદાં જુદાં ચેમ્બર ઑવ્ કૉમર્સ અસ્તિત્વમાં આવ્યા છે.
અશ્વિની કાપડિયા