વૅન્ડર્લીન, જૉન (. 1775, અમેરિકા; . 1852, અમેરિકા) : અમેરિકન રંગદર્શી ચિત્રકાર. મૂળ બ્રિટિશ કુળના અમેરિકન રંગદર્શી ચિત્રકાર પાસે તેણે ચિત્રકલાની તાલીમ લીધી. વેસ્ટની અને વેસ્ટના એક બીજા શિષ્ય એફ. બી. મોર્સ સાથે તેણે યુરોપનો પ્રવાસ કર્યો.

વૅન્ડર્લીને ચીતરેલું  ચિત્ર : ‘એરિયાન્ડે અસ્લીપ ઑન ધી આઇલૅન્ડ ઑવ્ નાકસોસ’

અહીં યુરોપયાત્રા દરમિયાન જ વૅન્ડર્લીને 1812માં ‘એરિયાન્ડે અસ્લીપ ઑન ધી આઇલૅન્ડ ઑવ્ નાકસોસ’ તૈલચિત્ર ચીતર્યું. હજી આજ સુધી આ ચિત્ર અમેરિકન ચિત્રકારોએ ચીતરેલા નગ્ન માનવઆકૃતિઓનાં ચિત્રોમાં શ્રેષ્ઠ ગણાય છે. તેણે ચીતરેલા એક બીજા તૈલચિત્ર ‘મૅરિયસ એમિડ ધ રૂઇન્સ ઑવ્ કાર્થેજ’ને સમ્રાટ નેપોલિયોએ ગોલ્ડમેડલ આપ્યો હતો. પછી તેણે અમેરિકા પાછા ફરી આવા ભવ્ય વિષયો પર રંગદર્શી ચિત્રો સર્જવાનું ચાલુ રાખ્યું. પરંતુ અમેરિકામાં લોકોને ભૂતકાળનું ભવ્ય આલેખન કરતાં રંગદર્શી ચિત્રોમાં નહિ, પણ માત્ર વ્યક્તિચિત્રણામાં જ રસ હતો. વૅન્ડર્લીનને વ્યક્તિચિત્રણા દીઠી પસંદ નહોતી. એ તેને ‘યંત્રવત્’ (mechanical) જણાતી હતી. અમેરિકામાં ધંધાદારી દૃષ્ટિએ એક નિષ્ફળ ચિત્ર-પ્રદર્શન કરીને એ હડસન નદીને કિનારે પોતાના વતન ક્ધિગ્સ્ટન રહેવા ચાલ્યો ગયો અને પ્રસિદ્ધિના પ્રકાશથી દૂર ફેંકાઈ ગયો.

અમિતાભ મડિયા