વૅક્યૂમ ક્લીનર : ઘરમાં કે ઑફિસમાં કચરો સાફ કરવા માટે વપરાતું એક ઇલેક્ટ્રિક સાધન. સાવરણી વડે કચરો સાફ કરવાથી મોટાભાગનો કચરો સાફ થાય છે, પરંતુ સૂક્ષ્મ રજકણો વગેરે સાફ થતા નથી. ઘણા રજકણો ઓરડાના ફર્નિચર, ટી.વી. પડદા વગેરે પર એકઠા થાય છે. કાર્પેટ, પડદા, સોફાકવર વગેરે પરથી રજ પાણી-પોતું ફેરવીને દૂર કરી શકાય નહીં. વૅક્યૂમ ક્લીનરમાં વૅક્યૂમ(અવકાશ)ના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. રજકણો ઊડવાને બદલે મશીનની અંદર રાખેલ કાગળની કોથળીમાં એકઠા થાય છે. વૅક્યૂમ ક્લીનરનો સિદ્ધાંત અને પ્રાથમિક રચના આકૃતિમાં દર્શાવેલ છે :
આમાં યુનિવર્સલ (universal) મોટર(motor)નો ઉપયોગ કરવામાં આવે છે. મોટરના એક છેડે પંખા દ્વારા વૅક્યૂમ ઉત્પન્ન થાય છે. હોઝ(hose)ને સક્શન (suction) છેડા સાથે જોડવામાં આવે છે. હોઝના બીજે છેડે ફ્લોર બ્રશ (floor brush) જોડવામાં આવે છે. ફ્લોર બ્રશથી ફ્લોર પરના રજકણો ઢીલા પડે છે અને હોઝ દ્વારા હવા સાથે મશીનમાં દાખલ થાય છે. અંદરના ભાગે કાગળની કોથળી રાખવામાં આવે છે. આ કોથળીમાં રજકણો એકઠા થાય છે. હવા કોથળીમાંથી બહાર નીકળી મોટરમાં દાખલ થાય છે. આથી મોટર ઠંડી પડે છે. ગરમ થયેલી હવા બ્લોઅર (blower) છેડા પરથી બહાર નીકળે છે. આ હવા ઓરડામાં ફેલાય તે પહેલાં તેને માઇક્રોફિલ્ટર- (microfilter)માંથી પસાર કરવામાં આવે છે જેથી સૂક્ષ્મ રજકણો ગળાઈ જાય છે. કાગળની કોથળીને કૅન્વાસ-બૅગ(canvas bag)ની અંદર રાખવામાં આવે છે, જેથી અકસ્માતે કાગળની કોથળી ફાટી જાય તો ધૂળ કૅન્વાસ-બૅગમાં જમા થાય છે.
વૅક્યૂમ ક્લીનરમાં વિવિધ ઉપસાધનો (accessories) આપવામાં આવે છે; જેમ કે જાજમની સફાઈ કરવા માટે કારપેટ બ્રશ; ફ્લોર માટે ફ્લોર બ્રશ; દીવાલ અને ફ્લોરની તથા સોફાની ધારોમાંથી કચરો લેવા માટે ચપટી નોઝલ (nozzle); જાળી, વેન્ટિલેશન તથા રેડિયેટર(radiator)ની સફાઈ માટે રેડિયેટર બ્રશ; કમ્પ્યૂટરના કી બોર્ડ(Key Board)ની સફાઈ માટે જેટ ઍર નોઝલ (jet air nozzle); છત, પંખા તથા કબાટની ઉપરની બાજુ સાફ કરવા માટે ટૉપ સાઇડ એડપ્ટર (top side adaptor); રેશમી સાડી, ઊનનાં કપડાં વગેરેને વેક્યૂમ બૅગમાં રાખવા માટે પ્રોટેક્ટિવ સ્ટોરેજ બૅગ (protective storage bag); પડદા, સોફા, ગાદલાં વગેરેની ધારો સાફ કરવા માટે ખાસ પ્રકારની નોઝલ વગેરે. આ ઉપરાંત છોડવા પર પાણી છાંટવા અથવા સ્પ્રે પેઇન્ટિંગ (spray painting) માટે સ્પ્રે-જાર (jar), ફુગ્ગા ફુલાવવા તથા ગૅસનાં બર્નર સાફ કરવા માટે જેટ ઍર નોઝલ, પરફ્યૂમ કે દવાનો સ્પ્રે કરવા માટે વેપોરાઇઝર (vapouriser) વગેરે પ્રકારનાં ઉપસાધનો (accessory) પણ આપવામાં આવે છે. વૅક્યૂમક્લીનરનો ઉપયોગ ઘરમાં, ચાદરોમાં થતાં સૂક્ષ્મકીટ (mite)ને દૂર કરવા માટે પણ થાય છે. જોકે તેનો આધાર મશીન બનાવતી કંપની પર છે.
ર. પ. અજવાળિયા