વીમાવિજ્ઞાન : અકસ્માત કે મોટી દુર્ઘટનાથી વ્યક્તિ કે સંસ્થાને થતા આર્થિક નુકસાનનું વળતર મળી શકે તે પ્રકારની વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો.
માનવજીવન અનેક જોખમોથી ભરેલું છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવી જોખમ અને જોખમથી થતા નાણાકીય નુકસાન પ્રત્યે સભાન બનતો ગયો છે. જોખમની વ્યાખ્યા એ રીતે કરી શકાય કે જોખમ એ એવી ઘટના છે જે થાય તેમ લોકો ઇચ્છતા નથી; પરંતુ તે થવાની શક્યતાને ટાળી શકતા નથી. આ પ્રકારની ઘટનાથી લોકોને આર્થિક નુકસાન થતું હોય છે.
જોખમોને નીચે પ્રમાણે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય :
(i) અંગત જોખમો જેવાં કે અકાળ મૃત્યુ, મોટી માંદગી, અપંગતા, બેકારી વગેરે.
(ii) મિલકતનાં જોખમો જેવાં કે મિલકતનો નાશ થવો, મિલકત બિનઉપયોગી બની જવી કે મિલકતને એવું નુકસાન થવું કે દુરસ્ત કરાવવા માટે ખર્ચ કરવો પડે.
(iii) જવાબદારીનાં જોખમો જેવાં કે વાહનથી રસ્તા પર ત્રાહિત વ્યક્તિનું મૃત્યુ થવું કે તેને ઈજા થવી કે જેના માટે વાહનમાલિકે કાયદા પ્રમાણે વળતર ચૂકવવું પડે. કર્મચારીને કાર્યસ્થળે ઈજા થાય કે મૃત્યુ થાય તો તે માટે માલિકે વળતર ચૂકવવું પડે.
આ જુદા જુદા પ્રકારનાં જોખમોથી વ્યક્તિને કે સંસ્થાને નાનુંમોટું નાણાકીય નુકસાન થતું હોય છે. ક્યારેક આ પ્રકારનો નાણાકીય બોજો વ્યક્તિ કે કુટુંબ માટે અસહ્ય બની જાય છે, જે બાકીની જિંદગીને તારાજ કરી શકે છે. જો કોઈ ચાળીસેક વર્ષના સારું કમાતા યુવાનનું અકાળ અવસાન થાય અને તેની પત્ની અને તેનાં બાળકો તેની આવક પર નિર્ભર હોય તો તેમના માટે જીવનનિર્વાહ ચલાવવાની સમસ્યા ઊભી થાય છે. જો કોઈ વ્યક્તિનું મકાન અને તેમાં રહેલો સામાન આગથી નાશ પામે તો તે ફરીથી વસાવવાં અત્યંત મુશ્કેલ બને છે.
આ પ્રકારનાં જોખમોથી થતા નાણાકીય નુકસાનને રોકવાનું શક્ય નથી, પરંતુ જો આ નાણાકીય નુકસાનને વ્યક્તિના બદલે મોટા સમૂહમાં વહેંચી શકાય તો એક વ્યક્તિના ભાગે આવતું નાણાકીય નુકસાન અત્યંત ઓછું અને સહ્ય બને છે. આ રીતે વ્યક્તિની તારાજીને રોકી શકાય છે. આમ અકસ્માતથી થતા વ્યક્તિગત નાણાકીય નુકસાનને મોટા સમૂહમાં વહેંચવાના વિજ્ઞાનને વીમાવિજ્ઞાન કહે છે.
દુર્ઘટનાઓથી થતા આર્થિક નુકસાન સામે રક્ષણ મેળવવા માટે વીમાનો ઉદ્ભવ થયો છે. વીમાની પ્રક્રિયા દ્વારા અમુક વ્યક્તિઓના અચોક્કસ મોટા નુકસાનને અનેક વ્યક્તિઓ પર નાના અને ચોક્કસ નુકસાનમાં ફેરવવામાં આવે છે.
આ પ્રકારની પ્રક્રિયા બે રીતે કરી શકાય છે : (i) જોખમની વહેંચણી, (ii) જોખમનું હસ્તાંતર.
જોખમની વહેંચણી એક ચોક્કસ સમૂહ પર થાય છે. જેમાં જેમની વચ્ચે જોખમ વહેંચવામાં આવે છે તે સભ્યો એકબીજાને જાણતા હોય છે. એક ઉદાહરણની મદદથી આ પ્રક્રિયાને સમજી શકાય.
એક બંદર પરથી દર વર્ષે સો વહાણો માલ ભરીને જુદા જુદા સ્થળે જવા રવાના થાય છે. દરેક વહાણ અને તેમાં રહેલ સામાનની કિંમત એક લાખ રૂપિયા છે. આ વહાણમાલિકોનું મંડળ છે અને પાછલા અનુભવોને આધારે તેઓ જાણે છે કે દર વર્ષે સામાન્ય રીતે પાંચ વહાણો દરિયાઈ તોફાનોમાં નાશ પામે છે. જે પાંચ વ્યક્તિઓનાં વહાણો ડૂબી જશે તેમના માટે આ નુકસાન અસહ્ય બનશે અને ફરીથી ધંધો ચાલુ રાખવો તેમના માટે મુશ્કેલ બની જશે. આથી આ મંડળના સભ્યો નક્કી કરે કે આપણે દરેક સભ્યે રૂ. પાંચ હજારનો ફાળો આપવો અને રૂ. પાંચ લાખનું ભંડોળ એકત્ર કરવું. આ ભંડોળમાંથી જે વ્યક્તિઓનાં વહાણ ડૂબી જાય તેને વળતર આપવું. આમ આ પદ્ધતિથી પાંચ વ્યક્તિઓનું રૂ. પાંચ લાખનું નુકસાન સો વ્યક્તિઓના રૂ. પાંચ હજારના નુકસાનમાં વહેંચાશે અને અમુક વ્યક્તિઓની તારાજી થતી અટકશે.
વીમાનું પ્રાથમિક સ્વરૂપ આ પ્રકારનાં વહાણોના જોખમની વહેંચણીથી ઉદ્ભવ્યું હતું. આધુનિક સમાજમાં આ પ્રકારની જોખમની વહેંચણીની પદ્ધતિની ઘણી મર્યાદાઓ રહે છે. નાણાકીય નુકસાનની ચોક્કસ ગણતરી કરવી, તે પ્રમાણે ભંડોળ એકત્ર કરવું અને તેનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. તે ઉપરાંત દુર્ઘટનાથી સરેરાશ કરતાં અત્યંત વધારે નુકસાન થાય તો ભંડોળ અપૂરતું થઈ પડે અને નુકસાનનું પૂરતું વળતર ચૂકવી શકાય નહિ. જ્યાં આવો મોટો સમૂહ ન હોય ત્યાં જોખમની વહેંચણી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થાય.
બીજી પદ્ધતિમાં જોખમનું હસ્તાંતર કરવામાં આવે છે. એક ચોક્કસ સંસ્થા અકસ્માતથી થતા નુકસાનનું વળતર ચૂકવવાની જવાબદારી લે છે. જે વ્યક્તિ પોતાનાં જોખમોનું હસ્તાંતર કરવા માગતી હોય તે આ સંસ્થાને નક્કી કરેલી રકમ ચૂકવીને સંસ્થા પાસેથી અકસ્માત સમયે થતા નુકસાનનું વળતર મેળવવાનું વચન મેળવે છે. આ પ્રક્રિયાને સામાન્ય ભાષામાં વીમો લેવો તેમ કહેવામાં આવે છે. આ રીતે વીમો લેનાર વ્યક્તિને વીમાધારક કહે છે. તે વીમો લેવા માટે જે રકમ ચૂકવે છે તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. વળતર ચૂકવવાની જવાબદારી લેતી સંસ્થા વીમાકંપની તરીકે ઓળખાય છે. વીમાકંપની અને વીમાધારક વચ્ચે જે કરાર થાય છે તેને વીમાપૉલિસી કહેવામાં આવે છે. વીમાનો કરાર એક ચોક્કસ સમયગાળા માટેનો હોય છે.
વીમાકંપની આ રીતે અનેક વ્યક્તિઓ પાસેથી પ્રીમિયમ સ્વરૂપે નાની રકમ એકઠી કરીને મોટું ભંડોળ એકઠું કરે છે, જેના દ્વારા જે વ્યક્તિઓને અકસ્માતથી નુકસાન થાય છે તેને વળતર ચૂકવવામાં આવે છે. વીમાવિજ્ઞાન આંકડાશાસ્ત્રના સંભાવનાના સિદ્ધાંત પર આધારિત છે. સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે કોઈ ઘટના બનવાની કે નહિ બનવાની શક્યતાની ગણતરી કરવામાં આવે છે અને તેને 0(શૂન્ય)થી 1ની વચ્ચે દર્શાવવામાં આવે છે. જો કોઈ ઘટના થવાની શક્યતા બિલકુલ જ ન હોય તો તેને 0 (શૂન્ય) વડે દર્શાવવામાં આવે છે અને ઘટના ચોક્કસ થવાની જ હોય તો તેને 1 વડે દર્શાવવામાં આવે છે. ઘટના થવાની શક્યતા પચાસ ટકા હોય તો તેને 0.5 વડે દર્શાવવામાં આવે છે. સંભાવનાનું ગણિત મોટી સંખ્યા અને લાંબા સમયના અનુભવ પર આધારિત છે.
વીમાવ્યવસાયનો ઉદ્ભવ પરદેશ જતાં વહાણોના વીમાથી થયો હતો. સત્તરમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી વીમાવ્યવસાય મોટા પાયા પર શરૂ થયો. આજના આધુનિક જમાનામાં અનેક પ્રકારના વીમા લેવાય છે, જેના મુખ્ય બે પ્રકાર છે : (1) જીવનવીમો, (2) સામાન્ય વીમો.
જીવનવીમો વ્યક્તિની જિંદગી માટે લેવાય છે. જીવનવીમો લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો ઠરાવેલ રકમ તેના વારસદારને મળે છે. જીવનવીમાનો હેતુ કમાતી વ્યક્તિના અકાળ અવસાનથી મુશ્કેલીમાં મુકાતા તેના આશ્રિતોને આર્થિક રાહત આપવાનો છે.
જીવનવીમો લેતી કંપની અનેક પ્રકારની આંકડાકીય માહિતી એકઠી કરે છે. તેમાં મુખ્યત્વે જે તે પ્રદેશમાં વ્યક્તિઓનું સરેરાશ આયુષ્ય, અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા, જુદા જુદા વયજૂથ પ્રમાણે થતા મૃત્યુનો દર, જોખમી વ્યવસાયોમાં થતા મૃત્યુના દર વગેરેનો સમાવેશ થાય છે.
જીવનવીમાના કરારમાં સામાન્ય રીતે ઠરાવેલી મુદતને અંતે ચોક્કસ રકમ પરત કરવામાં આવે છે; દા. ત., કોઈ વ્યક્તિ રૂ. એક લાખનો વીમો વીસ વર્ષની મુદત માટે લે છે. જો તેનું વીસ વર્ષની મુદત પહેલાં અવસાન થાય તો તેના વારસદારને રૂ. એક લાખ ઉપરાંત ઠરાવેલ વધારાની રકમ, જેને બોનસ કહેવાય છે તે મળશે. જો વ્યક્તિનું અવસાન ન થાય તો તેને વીસ વર્ષને અંતે રૂ. એક લાખ ઉપરાંત ઠરાવેલ બોનસની રકમ મળશે. આમ જીવનવીમો સામાન્ય રીતે જોખમ સામે આર્થિક રક્ષણ ઉપરાંત બચતનો સમન્વય છે.
જીવનવીમો લેતી કંપનીઓ વીમાના પ્રીમિયમનો દર નક્કી કરવા માટે કેટલીક અટપટી ગણતરીઓનો આધાર લે છે. વીમાકંપની માટે મૃત્યુનો દાવો ચૂકવવો એ મુખ્ય ખર્ચ છે. તે ઉપરાંત વેચાણખર્ચ અને વહીવટી ખર્ચને ધ્યાનમાં રાખી વીમાકંપની પ્રીમિયમનો દર નક્કી કરે છે.
જીવનવીમા કંપનીઓ વીમાની મુદત પૂરી થયા પછી ઠરાવેલ રકમ વીમાધારકને પરત કરે છે અને તે ઉપરાંત બોનસ તરીકે વધારાની રકમ પણ ચૂકવે છે. જીવનવીમા કંપનીઓનો આવકનો સ્રોત પ્રીમિયમની રકમનાં રોકાણોમાંથી મળેલી આવક છે. વીમાકંપની પોતાને મળેલી પ્રીમિયમની રકમને જુદી જુદી રોકાણ યોજનાઓમાં રોકે છે અને તેમાંથી વળતર મેળવે છે. આ વળતરમાંથી અમુક ભાગ વીમાધારકોને બોનસ તરીકે ચૂકવવામાં આવે છે. આ બોનસનો આધાર જે તે દેશમાં પ્રવર્તતા વ્યાજદર પર રહે છે.
જીવનવીમો એ લાંબા ગાળાનો કરાર છે અને મુખ્યત્વે વ્યક્તિઓ દ્વારા લેવાય છે, જ્યારે સામાન્ય વીમો મુખ્યત્વે એક વર્ષ માટેનો કરાર છે, જે વ્યક્તિઓ ઉપરાંત નાનાં-મોટાં ઉદ્યોગગૃહો, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા લેવાય છે. વીમાકંપનીઓના સંદર્ભમાં મોટા ઉદ્યોગોના વીમા વધારે અગત્યના હોય છે. સામાન્ય વીમાકંપનીઓ જુદા જુદા પ્રકારની મિલકતો અને જુદા જુદા પ્રકારનાં જોખમોના વીમા લેતી હોય છે. આંકડાકીય માહિતી અને વહીવટી સરળતા માટે વીમાકંપનીઓ જુદા જુદા વિભાગો અને પેટા વિભાગો પાડે છે; જેમાં મુખ્યત્વે આગ-અકસ્માત-વિભાગ, માલસામાનની હેરફેરના વીમા, મોટરવાહનોના વીમા, વ્યક્તિગત અકસ્માત વીમા, જવાબદારીઓના વીમા, માંદગીના વીમા વગેરેનો સમાવેશ થાય છે.
સામાન્ય વીમાકંપનીઓ માટે વર્ષ દરમિયાન ચૂકવવા પડતા વીમા-દાવા એ મુખ્ય ખર્ચ છે. પ્રીમિયમની આવક સામે થતા દાવાના ખર્ચને આધારે પ્રીમિયમદાવા ગુણોત્તર નક્કી કરવામાં આવે છે અને તેના આધારે વીમાના પ્રીમિયમના દરમાં સુધારાવધારા કરવામાં આવે છે. અકસ્માતોનું પ્રમાણ અને તેના માટે ચૂકવાતા દાવાઓનું ખર્ચ જેટલું વધારે તેટલું વીમાનું પ્રીમિયમ ઊંચું રહે છે.
વીમાનો કરાર એક વિશિષ્ટ કરાર છે. આ કરારમાં વ્યક્તિ ખર્ચ કરીને તાત્કાલિક કોઈ વસ્તુ નથી મેળવતી પણ એક વચન મેળવે છે. આ કરાર કેટલાક સિદ્ધાંતો અને શરતો પર આધારિત છે. આ સિદ્ધાંતો અને શરતો વીમાનો હેતુ સાચા અર્થમાં જળવાઈ રહે તે માટે રાખવામાં આવે છે.
(i) વળતરનો સિદ્ધાંત (Principle of Indemnity) : કોઈ પણ મિલકતનો અકસ્માતમાં નાશ થાય તો વ્યક્તિને તે મિલકતની બજારકિંમત જેટલું જ વળતર મળશે. જો વ્યક્તિએ રૂ. એક લાખની મિલકતનો રૂ. બે લાખનો વીમો લીધો હશે તો મિલકતના નાશ સમયે તેને માત્ર રૂ. એક લાખનું જ વળતર મળશે. કોઈ વ્યક્તિ વીમા દ્વારા કમાણી ના કરે પણ માત્ર નુકસાનનું વળતર જ મેળવે તે હેતુ આ સિદ્ધાંતની પાછળ છે. જીવનવીમા અને વ્યક્તિગત અકસ્માતના વીમા માટે પણ વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને જ વીમો આપવામાં આવે છે. જો આ સિદ્ધાંત ન હોય તો લોકો મિલકતના નાશ દ્વારા કમાણી કરવા પ્રેરાય, જે સમાજ માટે નુકસાનકારક બને.
(ii) વીમાહિતનો સિદ્ધાંત (Principle of Insurable Interest) : કોઈ પણ વ્યક્તિ જીવનનો કે કોઈ મિલકતનો વીમો ત્યારે જ લઈ શકે જ્યારે તે મિલકતના નાશ કે નુકસાનથી તેને પોતાને આર્થિક નુકસાન થવાનું હોય. આથી કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિનો કે કોઈ ત્રાહિત વ્યક્તિની મિલકતનો વીમો લઈ શકે નહિ. આ સિદ્ધાંત વળતરના પાયાના સિદ્ધાંતના ભાગ રૂપે છે. કોઈ વ્યક્તિના મૃત્યુથી કે કોઈ મિલકતના નાશથી જે વ્યક્તિને નુકસાન ન થવાનું હોય તો તે વ્યક્તિને વળતર આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વીમાનું વળતર એવી વ્યક્તિ જ મેળવી શકે, જેને વ્યક્તિના મૃત્યુથી કે મિલકતનો નાશ થવાથી આર્થિક નુકસાન થયું હોય. આ સિદ્ધાંત પ્રમાણે મિલકતનો માલિક અથવા તો મિલકત કોઈ વ્યક્તિના તાબામાં હોય અને મિલકતના નુકસાન માટે તે વ્યક્તિ તેના માલિકને જવાબદાર હોય એવી વ્યક્તિ મિલકતનો વીમો લઈ શકે.
જીવનવીમા અને વ્યક્તિગત અકસ્માતના વીમા માટે પણ પતિપત્ની એકબીજાનો અને પોતાનાં બાળકોનો વીમો લઈ શકે છે. એ સિવાય અન્ય વ્યક્તિનો વીમો લઈ શકાતો નથી. આ સિદ્ધાંત પાછળનો હેતુ પણ વીમાના વળતર માટે વ્યક્તિ કોઈની જિંદગીનો કે મિલકતનો નાશ કરવા પ્રેરાય નહિ તે જોવાનો છે.
(iii) સરેરાશનો સિદ્ધાંત (Principle of Average) : જો વ્યક્તિએ મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય તો મિલકતના સંપૂર્ણ નાશ સમયે તેને વીમાની રકમ જેટલું જ વળતર મળશે અને મિલકતના અંશત: નુકસાન સમયે તેને મિલકતની બજારકિંમત અને વીમાની રકમના ગુણોત્તર પ્રમાણે વળતર મળશે; દા. ત., કોઈ વ્યક્તિએ રૂ. પાંચ લાખની મિલકતનો વીમો રૂ. ચાર લાખ માટે લીધો છે. જો અકસ્માતમાં મિલકતને રૂ. એક લાખનું નુકસાન થાય તો વ્યક્તિને રૂ. એંસી હજારનું વળતર મળશે, કારણ કે વ્યક્તિએ મિલકતની રકમના એંસી ટકા જેટલો જ વીમો લીધો છે. આ સિદ્ધાંતનો હેતુ વીમાકંપનીને મિલકતની કિંમતના પ્રમાણમાં પ્રીમિયમ મળી રહે તે જોવાનો છે.
(iv) સંપૂર્ણ વિશ્વાસનો સિદ્ધાંત (Utmost Good Faith) : વીમાકંપની લાખો મિલકતોનો વીમો લેતી હોય છે. વીમો લેતી વખતે મિલકતની સંપૂર્ણ ચકાસણી કરવી અત્યંત ખર્ચાળ બને છે અને ઘણો સમય માગી લે છે. આથી વીમો લેનાર વ્યક્તિની એ જવાબદારી છે કે તે વીમો લેતી વખતે પોતાની મિલકતની સંપૂર્ણ અને સાચી માહિતી આપે. મિલકતના માલિક તરીકે પોતાની મિલકતની સંપૂર્ણ માહિતી તેની પાસે હોવી જરૂરી છે. અકસ્માતના સમયે જો કોઈ માહિતી ખોટી જણાય તો વીમાકંપની દાવો ચૂકવવાની ના પાડી શકે છે કે દાવાની રકમ ઘટાડી પણ શકે છે.
વીમા-વળતર માત્ર આકસ્મિક નુકસાન માટે જ આપવામાં આવે છે. આથી જો કોઈ વ્યક્તિએ પોતાની જાતે જ કે પોતાની મરજીથી બીજા દ્વારા પોતાની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોય તો વળતર મળતું નથી.
વ્યક્તિએ પોતાની મિલકતની સામાન્ય સંજોગોમાં જે કાળજી લેવાવી જોઈએ તે લેવાની રહે છે. જો વ્યક્તિની ઘોર બેકાળજીને કારણે મિલકતને નુકસાન થયું હોય તોપણ વળતર મળતું નથી.
વીમા–ઉદ્યોગનો અર્થકારણમાં ફાળો : વીમાવ્યવસાય એ આધુનિક સમાજની દેણ છે. અઢારમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી આ વ્યવસાય મોટા પાયા પર વિકસ્યો છે. હાલનું ઉદ્યોગજગત વીમા વગર ઊભું રહી શકે નહિ. આજના સમયમાં ઉદ્યોગો દ્વારા ખૂબ મોટાં રોકાણો કરવામાં આવે છે. જો અકસ્માતથી મોટું નુકસાન થાય તો તે ભરપાઈ કરવું કોઈ પણ ઉદ્યોગ માટે અશક્ય થઈ પડે. વીમાકવચ વગર મોટાં રોકાણો કરવાં ખૂબ મુશ્કેલ હોય છે અને બૅંકો કે ધિરાણ કરતી સંસ્થાઓ વીમા વગર ધિરાણ કરતી નથી. મોટા ઉદ્યોગો અને મોટા પાયા પર વેપાર સ્થાપવા અને ચલાવવા એ વીમા વગર શક્ય નથી.
વ્યક્તિગત દૃષ્ટિએ જોવામાં આવે તો વીમો વ્યક્તિને એક નિશ્ર્ચિંતતા આપે છે, જેને કારણે વ્યક્તિ આર્થિક જોખમ ખેડી શકે છે અને આર્થિક વિકાસ શક્ય બને છે. જીવનવીમાથી અને અકસ્માતવીમાથી વ્યક્તિ પોતાના આશ્રિતોના ભવિષ્ય અંગે માનસિક રાહત અને શાંતિ અનુભવે છે.
વીમા-ઉદ્યોગ દ્વારા મોટું ભંડોળ એકત્ર થઈ શકે છે, જે જુદાં જુદાં રોકાણો માટે ઉપયોગી થઈ પડે છે. વીમા-ઉદ્યોગ રોકાણભંડોળ એકત્ર કરવાનું મોટું માધ્યમ છે.
વીમા-ઉદ્યોગનો એક આડકતરો ફાયદો એ છે કે તે લોકોની બેકાળજી અને અજ્ઞાનને કારણે થતા અકસ્માતો ઘટાડવા માટે પ્રયત્નશીલ રહે છે અને તે માટે કેટલીક સંસ્થાઓ ચલાવે છે. ભારતમાં Loss Prevention Association અને Insurance Institute of India જેવી સંસ્થાઓ વીમાકંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
ભારતમાં વીમા–ઉદ્યોગ : ભારતમાં જીવનવીમાની શરૂઆત ઈ. સ. 1818માં ઓરિયેન્ટલ જીવનવીમા કંપની દ્વારા કોલકાતામાં થઈ હતી; જ્યારે સામાન્ય વીમાની શરૂઆત ઈ. સ. 1850માં ટ્રીટોન વીમાકંપની, કોલકાતા દ્વારા થઈ હતી.
ઈ. સ. 1956માં ભારત સરકારે ખાનગી જીવનવીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ભારતીય જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. ઈ. સ. 1973માં સામાન્ય વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓ રચવામાં આવી. ઈ. સ. 2000 સુધી વીમાવ્યવસાય પર સરકારનો એકાધિકાર હતો. ઈ. સ. 2000થી ખાનગી કંપનીઓને વીમાના વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે અને હાલમાં અનેક ખાનગી કંપનીઓ આ વ્યવસાયમાં છે. વીમાનો વ્યવસાય મોટા પાયા પર કરવો જરૂરી હોવાથી અને તે સીધો નાણાની હેરફેર સાથે સંકળાયેલો હોવાથી વીમાકંપની સ્થાપવા માટે ઘણાં કડક ધારાધોરણો અપનાવવામાં આવે છે. વીમાવ્યવસાય પર નિયંત્રણ રાખવા માટે ભારત સરકાર તરફથી Insurance Regulating and Development Authority નામની સંસ્થા સ્થાપવામાં આવી છે, જે વીમાવ્યવસાય અંગેના નિયમો ઘડવાનું અને વીમાકંપનીઓ પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે.
ગૌરાંગ ર. શાહ