વિસ્કમ (Viscum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વિસ્કેસી (જૂનું નામ – લૉરેન્થેસી) કુળની એક પ્રજાતિ. ઉષ્ણ પ્રદેશોમાં થતી આ પ્રજાતિ હેઠળ આશરે 60થી 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં ‘mistletoe’ તરીકે ઓળખાતું આ દ્રવ્ય આયુર્વેદમાં ખડકી રાસ્ના કે વાંદા તરીકે જાણીતું છે. તે ભારતભરમાં અને ગુજરાતનાં જંગલોમાં મોટાં વૃક્ષો પર અર્ધ પરોપજીવી તરીકે થાય છે. વૃક્ષની ડાળી પર ચોંટીને તેની શાખાઓ ઝૂલતી હોય છે. તે પર્ણવિહીન હોય છે. શાખાઓ ચપટી, દ્વિશાખિત અને વિશિષ્ટ દેખાવવાળી હોય છે. જોકે હવે તે દુર્લભ (rare) પ્રજાતિ થવા લાગી છે. જંગલો અને કાષ્ઠની ગુણવત્તાની જાળવણી માટે યજમાન વૃક્ષોની ડાળીઓને વર્ષોવર્ષ કાપી નાંખવામાં આવે છે. તેથી પુખ્ત ડાળીઓના અભાવે આ વનસ્પતિ ઊગી શકતી નથી. પુષ્પો ગાંઠના ભાગે ત્રણ ત્રણનાં ઝૂમખાંમાં હોય છે. પુંકેસરો પરિદલલગ્ન (epitepalous) હોય છે. પરાગ-કોથળીઓ ઘણી હોય છે. પુષ્પ મધનો સ્રાવ કરે છે. તેથી મધમાખીઓ તેની મુલાકાતે આવે છે. ફળ આભાસી અનષ્ઠિલ હોય છે. બીજ પર વિસિનનું પડ હોય છે. તેથી પક્ષી ફળને ખાધા પછી બીજ ગળી શકતું નથી અને ફરી બહાર કાઢે છે. તે ચાંચ સાથે ચોંટેલા બીજને દૂર કરવા ચાંચ ડાળી પર ઘસે છે; જે ચીકાશના કારણે ડાળ ઉપર ચોંટી જાય છે. વરસાદ પડતાં તેનું અંકુરણ થઈ નવો છોડ બને છે.
ખડકી રાસ્ના વાતનાશક મનાય છે.
મીનુ પરબિયા
દિનાઝ પરબિયા