વિશ્વંભરન્, કિલિમનૂર એન.
February, 2005
વિશ્વંભરન્, કિલિમનૂર એન. (જ. 19 એપ્રિલ 1927, કિલિમનૂર, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., બી.એડ્.ની ડિગ્રી અને સાહિત્યવિશારદની પદવી મેળવી. તેમણે 1987 સુધી જુદી જુદી કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું અને એસ. એન. કૉલેજ તિરુવનંતપુરમમાંથી મલયાળમના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. આકાશવાણી, તિરુવનંતપુરમ્ અને કાલિકટ ખાતે અનિયત કલાકાર અને નિર્માતા રહ્યા. તેમણે ભારત સરકારના માનવ-સંસાધન મંત્રાલયના સંશોધન ફેલો તરીકે કામગીરી સંભાળી.
તેમણે મલયાળમમાં 55 ગ્રંથો આપ્યા છે. ‘મલયુડે મક્કાલ’ (1956), ‘અમારી’ (1981), ‘ચિલપ્પાતિકરા મનકથા’ (1979), ‘મયિલાકુન્નુ’ (1982), ‘અલાયઝી’ (1983), ‘કંચનવલ્લી’ (1984) અને ‘મૃગયા’ (1992) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘સૌન્દર્યદર્શનમ્’ (1965) અને ‘સંસ્કારદર્શનમ્’ (1967) તેમના નિબંધસંગ્રહો છે. ‘કેરળતિલે નંદન પટ્ટુકલ’ (1955) લોકગીત સંગ્રહ છે. ‘મુતુમાઝા’ (1983) બાળકાવ્યસંગ્રહ છે. ‘નાદોદિક્કથાકાલ’ (1960) અને ‘કસ્તુરીમાન’ (1985) તેમના વાર્તાસંગ્રહો છે, જ્યારે ‘વાયોલિન’ (1979) તેમનો નાટ્યસંગ્રહ છે.
તેઓ કેરળનાં લોકગીતો, લોકનૃત્યો અને આદિવાસી જીવનના વિશેષજ્ઞ છે. તમિળ મહાકાવ્ય ‘મણિમેખલા’ને તથા સંસ્કૃત મહાકાવ્યોને તેમણે મલયાળમમાં ઉતાર્યાં છે. તે ઉપરાંત ટૉલ્સ્ટૉયની નવલકથાનો અનુવાદ પણ મલયાળમમાં કર્યો છે. આ અંગે તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો.
બળદેવભાઈ કનીજિયા