વિવિધતા (જૈવ-વનસ્પતિ)
February, 2005
વિવિધતા (જૈવ-વનસ્પતિ)
જૈવ પરિમંડળ(biosphere)માં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓ. સજીવ સૃદૃષ્ટિમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. વનસ્પતિસૃદૃષ્ટિ પ્રમાણમાં મોટી હોય છે અને લગભગ ત્રણ લાખ જેટલી વનસ્પતિઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાંથી 2.6 લાખ જેટલી વનસ્પતિઓની ઓળખવિધિ પૂર્ણ થઈ છે અને લગભગ દોઢ લાખ જેટલી ફૂગ, દગડફૂલ તથા સિયાનોફાઇસીની ઓળખવિધિનો કાર્યક્રમ ચાલે છે. જોકે પ્રાન્સ જી. ટી. નામના પ્રકૃતિવિદે આપેલા આંકડા ઘણા મોટા અને આશ્ર્ચર્યકારક છે, જે નીચેની સારણીમાં દર્શાવાયા છે :
સારણી 1 : સજીવ સૃદૃષ્ટિમાં આવેલા વિવિધ સમૂહોમાં જાતિઓની સંખ્યા
ક્રમ | સજીવ–સમૂહનું નામ | જાતિઓની સંખ્યા |
1. | બૅક્ટેરિયા | 2,000 |
2. | લીલ (પ્રોટોકેરિયૉટિક) | 500 |
3. | લીલ (યુકેરિયૉટિક) | 17,000 |
4. | ફૂગ | 1,20,000 |
5. | લાઇકેન્સ-છાડફૂલ | 16,000 |
6. | દ્વિઅંગી વનસ્પતિઓ | 23,000 |
7. | ત્રિઅંગી વનસ્પતિઓ | 12,000 |
8. | બીજધારી વનસ્પતિઓ | 2,40,000 |
9. | પ્રોટોઝોઆ (પ્રાણીઓ) | 30,000 |
10. | અપૃષ્ઠવંશી પ્રાણીઓ | 10,00,000 |
11. | પૃષ્ઠવંશી પ્રાણીઓ | 50,000 |
કુલ સજીવો | 15,11,000 |
આમ, કુલ પંદર લાખ જેટલી સજીવોની જાતિઓ પૃથ્વી ઉપર વસવાટ કરે છે. ટ્યૂરીલના કથન પ્રમાણે પ્રતિવર્ષ બે હજાર જેટલી સપુષ્પી વનસ્પતિની જાતિઓ દક્ષિણ અમેરિકાના ઍમેઝોન અને વિષુવવૃત્તીય પ્રદેશોમાંથી એકત્રિત કરાય છે. આશરે 15,000 જેટલી વનસ્પતિની ઓળખ અને તેમનું વર્ગીકરણ બાકી છે. વર્ગીકરણ- વિજ્ઞાનીઓ નિરંતર નવાં નવાં ક્ષેત્રોનો સંશોધનાત્મક પ્રવાસ ખેડે છે અને નવી વનસ્પતિઓ અને પ્રાણીઓનું એકત્રીકરણ કરી પ્રયોગશાળામાં અભ્યાસ માટે મોકલે છે.
ભૌગોલિક વિતરણ અને પર્યાવરણીય પરિબળોને અનુલક્ષીને વનસ્પતિઓ સ્વરૂપીય ભિન્નતા ધરાવે છે. વિષુવવૃત્તીય પ્રદેશનાં જંગલોમાં ઊગતી વનસ્પતિઓ લંબવર્તી સ્તરીકરણ(vertical zonation)નું નિર્માણ કરે છે. તેઓ લગભગ સાત કે આઠ સ્તરોમાં ઊગે છે; જેમાં ભૂમિગત (underground), ઉપભૂમિગત (sub soil) જમીન ઉપર પથરાતી વનસ્પતિ (ground flora), છોડસ્તર (herbaceous layer), ક્ષુપીય સ્તર (shrubby layer), નીચી ઊંચાઈ ધરાવતાં વૃક્ષો (low height trees), ખૂબ જ ઊંચાઈ ધરાવતાં વૃક્ષો (high height trees) અને આરોહી(climber)નો સમાવેશ થાય છે. આમ, જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વિભિન્નતાઓ જોવા મળે છે. લગભગ 3,000 જેટલી વિવિધ વનસ્પતિઓ ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરે ખાવાના કામ માટે ઉપયોગી છે. WHOના હેવાલ પ્રમાણે 21,000 જેટલી ભિન્ન ભિન્ન વનસ્પતિઓ ઔષધકીય ગુણધર્મો ધરાવતી હોવાથી ઔષધ બનાવવામાં ઉપયોગી નીવડે છે. વળી પીણાં અને રસ માટે ચા, કૉફી, કોકો, ફળ અને શેરડી વગેરે વનસ્પતિઓ; કપાસ, શણ કપોક, મનીલા હેમ્પ, કાથી વગેરે રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિઓ; તેટલી સંખ્યામાં તેલ, રાળ-લાખ, ઇમારતી લાકડાં, રબર-ગુંદર આપતી સેંકડો આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓ પ્રાકૃતિક રીતે ઊગે છે અથવા ઉછેરાય છે. સુશોભન માટે ઉદ્યાનમાં ઉછેરાતી અને ખેતીવાડીમાં પાક તરીકે રોપવામાં આવતી અસંખ્ય વનસ્પતિઓ સ્વરૂપીય વિભિન્નતા ધરાવે છે. આ વનસ્પતિઓ પર્યાવરણીય પ્રદૂષણમાં ઘટાડો કરે છે; જલચક્રને સંતુલિત કરે છે; ભૂક્ષરણ (soil erosion) અટકાવે છે અને ભૂમિની ફળદ્રૂપતા જાળવી રાખે છે.
વનસ્પતિઓનાં ઉદ્ભવ–સ્થાનો : વિવિધ વનસ્પતિઓની ઉત્પત્તિનાં જનીનિક કેન્દ્રો (genecentre) નક્કી કર્યાં છે. આ કેન્દ્રોની અંતિમ યાદી બનાવતાં પહેલાં ઘણાબધા વનસ્પતિશાસ્ત્રીઓનાં સંશોધનોનો તલસ્પર્શી અભ્યાસ કરાયો છે; જેમાં ડાર્લિંગ્ટન (1956), ડી. કે. ડોલ (1886), વેવિલૉવ (1926), ઝેવન અને ઝુકૉવાસ્કી (1975) અને ઝેવરી અને દ વેટ (1982) મુખ્ય છે. આ કેન્દ્રો ગાઢ રીતે સંકળાયેલાં હોય છે અને ઉત્પત્તિનું સાતત્ય દર્શાવે છે; જેમાં ભારત-ચીન, ઇન્ડોનેશિયા, જાપાન, મધ્ય એશિયાઈ પ્રદેશો, ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો, વિષુવવૃત્તીય અમેરિકા અને આફ્રિકીય પ્રદેશોનો સમાવેશ થાય છે. ભારતનાં વનસ્પતિ-ઉત્પત્તિ-કેન્દ્રોને આઠ પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવે છે : (1) પશ્ચિમ હિમાલય, (2) પૂર્વીય હિમાલય, (3) મધ્ય હિમાલય, (4) આસામ, (5) ગંગાનાં મેદાનો, (6) સિંધુનાં મેદાનો, (7) દખ્ખણ પ્રદેશ અને (8) મલબાર પ્રદેશ. આ મુખ્ય પ્રદેશોને સૂક્ષ્મ આબોહવાકીય (microclimatic) અને ભૌમિક (edaphic) પરિબળોને અનુલક્ષીને અનેક નાના વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ભૌગોલિક, કૃષિ-આબોહવાકીય (agro-climatic), પરિસ્થિતિ-આબોહવાકીય (eco-climatic) અને ઉછેરની વિવિધતાઓ માટે જાણીતા આ તમામ પ્રદેશો ઊંચાઈ અને કૃષિક પરિસ્થિતિ (agro-conditions) માટે વિશિષ્ટતાઓ ધરાવે છે; પરંતુ વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ સૌથી મૂલ્યવાન પ્રદેશો ગણાય છે; કારણ કે ફક્ત હિમાલય પ્રદેશમાંથી જ ભારતની કુલ વનસ્પતિ-વિભિન્નતાઓ પૈકી 50 % જાતિઓ મળી આવે છે. કુલ સપુષ્પી વનસ્પતિનો અડધો હિસ્સો આ પ્રદેશમાં પથરાયેલો છે; જેમાં ખાસ ધ્યાન ખેંચે તેવી ઑર્કિડની 990 જાતિઓ છે. તે ફક્ત હિમાલયના પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે.
વનસ્પતિઓની ઉત્પત્તિ અને વિતરણ (distribution) માટે વનસ્પતિશાસ્ત્રીઓએ પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે; જેમાં ડી. કેન્ડૉલ, ચાર્લ્સ ડાર્વિન અને વેવિલૉવ મુખ્ય છે.
ડી. કેન્ડૉલ(1886)ના મત પ્રમાણે અર્વાચીન કૃષ્ટ (cultivated) વનસ્પતિઓ વન્ય જાતિઓમાંથી (wild) ઊતરી આવી છે અને તમામ પાકની વનસ્પતિઓનું ઉત્પત્તિકેન્દ્ર એક હતું. જ્યારે ડાર્વિને (1868) સૂચવ્યું હતું કે કૃષ્ટ જાતિઓ ક્રમશ: વન્ય જાતિઓમાંથી પરિવર્તન પામે છે અને તેઓનું ઉત્પત્તિકેન્દ્ર એક કરતાં વધારે પ્રદેશો છે. વેવિલૉવ(1926)ના મત પ્રમાણે ઉછેરાતી વનસ્પતિની ઘનતા એકસરખી નથી. કેટલાક પ્રદેશોમાં જનીનિક ભિન્નતાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે ક્યાંક ઓછું હોય છે. વિષુવવૃત્તીય અને ઉપવિષુવવૃત્તીય પ્રદેશોમાં આવેલી પર્વતની તળેટીમાં જનીનિક વિવિધતા વધારે હોય છે. આ તમામ વનસ્પતિઓનું કાળાંતરે સ્થાનાંતરણ થયું હશે. અત્યારનાં ઉત્પત્તિકેન્દ્રો દ્વિતીયિક પ્રકારનાં છે. તેનું મુખ્ય કારણ પરિસ્થિતિવિદ્યાકીય કૃષિ, માનવવસ્તી સ્થાનાંતરણ, નૈસર્ગિક સંકરણ અને વિભેદન ગણાવી શકાય. આ કારણોને લઈને વનસ્પતિઓમાં ભિન્નતા, ઉચ્ચકક્ષાનું અનુકૂલન (higher degree of adaptation) અને વિશાળ ક્ષેત્ર ઉપર વનસ્પતિઉછેરની વિવિધતાઓ જોવા મળે છે.
ભારતીય કૃષિવિજ્ઞાનીઓએ વિવિધ પ્રકારના કૃષિપાકોના વિતરણ અને ઉછેરની પદ્ધતિ માટે આઠ ઉત્પત્તિ-કેન્દ્રોનું વિવરણ તૈયાર કર્યું છે; જે સારણી 2 પ્રમાણે છે.
ભારતીય ઉપદ્વીપમાં વેવિલૉવે કેન્દ્રો વર્ણવ્યાં છે. આ કેન્દ્રોમાં ધાન્યો, કઠોળ, રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિઓ, ઘાસચારો અને ઔષધકીય રીતે ઉપયોગી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વનસ્પતિની લગભગ 356 જેટલી જાતિઓ ભારતમાં આર્થિક રીતે મહત્વની છે અને તેનો મોટા પાયે ઉછેર થાય છે, જેમાંની લગભગ 326 જેટલી ભારતીય પ્રદેશમાં ઉદ્ભવી છે અને આશરે 9,500 વનસ્પતિઓ લોકવનસ્પતિશાસ્ત્રીય (ethnobotanical) ઉપયોગિતા ધરાવે છે. તે મહદ્અંશે ભારતની મૂળ વતની છે. ભારતીય જનીનિક કેન્દ્ર સંબંધિત આંકડા આ પ્રમાણે છે :
(1) 1,27,000 વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ સજીવો. (2) 17,500 વનસ્પતિઓ 16 મુખ્ય વનસ્પતિ-સંઘમાં વહેંચાયેલી છે. વિશ્વમાં તેની સંખ્યા 49,000 જેટલી છે. (3) ભારતની કુલ વનસ્પતિના 33 % વનસ્પતિઓનું મૂળ વતન ભારત છે. (4) ભારતમાં 356 જેટલાં મુખ્ય ધાન્ય તથા ગૌણ ધાન્યોનો ઉછેર કરવામાં આવે છે. (5) 25 જેટલા મુખ્ય પાક ભારતમાં લેવામાં આવે છે. (6) આશરે 3,0005,000 આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓમાં લગભગ 1,500 જેટલી જાતિઓ વન્ય છે. તેઓ ખોરાકમાં ઉપયોગી છે. 145 વનસ્પતિઓમાં
સારણી 2 : ભારતમાં કૃષિપાકોનું વિતરણ
ક્રમ | કૃષિ–ક્ષેત્ર વિવિધતાઓ | મુખ્ય પાકોનો ઉછેર અને જૈવિક |
1. | પશ્ચિમ હિમાલય | ઘઉં, મકાઈ, ડાંગર, ઓટ, રાગી, જવ, રાજગરો, રાજમા, સોયાબીન, ચણા, અડદ, વટાણા, મસૂર, બટેટાં, કોળું, કાકડી, આદું, કોબીજ તથા ઔષધકીય વનસ્પતિઓ. |
2. | પૂર્વ હિમાલય | જવ, મકાઈ, રાજગરો, નાગલી, બાવટો, ફણસી, ચોળી, ડુંગળી, આદું, સોયાબીન, કાકડી, તરબૂચ. |
3. | ઉત્તર-પૂર્વીય પ્રદેશ | ચોખા, મકાઈ, જુવાર, જવ, નાગલી, વાલ, ફણસી, સોયાબીન, તુવેર, અડદ, અનેનાસ, લીંબુ-નારંગી, પપનસ, ચા, કપાસ, આંબો, કારેલાં, પરવળ, શેરડી, શ્રીફળ, શણ, એલચો, આદું, લીંડીપીપર. |
4. | ગંગાનાં મેદાનો | ડાંગર, જુવાર, બાજરી, કોદરી, સામો, મગ, અડદ, ચોળી, મઠ, વાલ, કાકડી, તૂરિયાં ગલકાં, ફણસ, જાંબુ, રાસ્પબેરી, શેતૂર, રાઈ, તલ, શેરડી, અળશી, ઘઉં. |
5. | સિંધુનાં મેદાનો | ઘઉં, શેરડી, બાજરી, કોદરી, વટાણા, અડદ, મગ, મઠ, કાકડી, તરબૂચ, સક્કરટેટી, ચીભડાં, દૂધી, બોર, ફાલસા, તલ, ખાટી આમલી. |
6. | પશ્ચિમ દ્વીપકલ્પ (Peninsular) પૂર્વીય પ્રદેશ ઘાટ/દખ્ખણનો પ્રદેશ | ડાંગર, જુવાર, નાગલી, કોદરી, અડદ, મગ, તુવેર, ચણા, વાલ, રતાળુ, શક્કરિયાં, કેળાં, કેરી, તલ, આદું, હળદર, મરચાં, ફણસ, કેનાફ, શેરડી, કપાસ. |
7. | પશ્ચિમ દ્વીપકલ્પ ઘાટ અને મલબારનો પ્રદેશ, પશ્ચિમ પ્રદેશ | ડાંગર, જુવાર, નાગલી, બાવટો, બાજરી, અડદ, મગ, ચોળા, ચોળી, વાલ, ચણા, યામ, ફણસ, કેળાં, લીંડીપીપર, મરી, લવિંગ, મરચાં, શ્રીફળ, કોબીજ, કપાસ, તજ વગેરે. |
8. | ટાપુ-નિકોબાર, આંદામાન, લક્ષદ્વીપ, વગેરે. | નાળિયેર, બ્રેડ-ફ્રૂટ, મરચાં, યામ. |
મૂળ અને ભૂમિગત કંદ, શાકભાજી તરીકે; 521 વનસ્પતિઓનાં કુમળાં પ્રકાંડ અને પર્ણો લીલી ભાજી તરીકે; 101 વનસ્પતિઓના ગ્રંથિલો અને પુષ્પ; 647 પ્રકારનાં વિવિધ ફળો; 118 વિવિધ પ્રકારની વનસ્પતિનાં બીજ અને કાષ્ઠફળ ખોરાકમાં અને સૂકા મેવા (dry fruit) તરીકે ખવાય છે. (7) આદિવાસીઓ અને આદિ જનજાતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી 9,500 જેટલી વનસ્પતિઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક વિભિન્નતા ધરાવે છે. લગભગ 7,500 જેટલી વિવિધ વનસ્પતિઓ ઔષધો તરીકે જુદા જુદા રોગનાં નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી વનસ્પતિઓ તેમના આવાસના વિસ્તારમાં પ્રાકૃતિક રીતે ઊગે છે. આ ઉપરાંત, તેઓ 3,900 વનસ્પતિઓનો ખોરાક, વસ્ત્ર, ઘરબાંધકામ, કૃષિ અને ધાર્મિક પ્રસંગે ઉપયોગ કરે છે. વિભિન્ન વનસ્પતિઓ ઉત્પન્ન થઈ હોય અથવા મૂળ વતન તરીકે જેમની ગણના થાય છે તેવા બે તપ્તસ્થળ (hot-spots) તરીકે ઉત્તર-પૂર્વીય હિમાલય અને દ્વીપકલ્પીય પ્રદેશ વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા છે. ભારતમાં આશરે 4,200 જેટલી જાતિઓ સ્થાનિક કે ક્ષેત્રીય (endemic) જાતિઓ તરીકે નોંધાઈ છે; જેમાંથી 2,532 હિમાલયના પ્રદેશમાંથી અને 1,788 જેટલી દ્વીપકલ્પીય પ્રદેશમાંથી મળી આવે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉપરની 185 વિવિધ પ્રકારની વનસ્પતિઓનું મૂળ વતન ભારત છે. પરિણામે તેઓ દ્વારા સેંકડો વિવિધ જાત ઉછેરાય છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોનાં ભૌગોલિક અને આબોહવાકીય પરિબળોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ફક્ત આબોહવાકીય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતના અમુક વિસ્તારોમાં અતિશય ઠંડી પડે છે; જેમ કે, દ્રાસ (લદ્દાખ) અને હિમાચલ પ્રદેશના ઉચ્ચપર્વતીય ક્ષેત્રમાં શિયાળામાં સખત ઠંડી પડે છે. હિમાચ્છાદિત પ્રદેશમાં તાપમાન 0° સે.થી 40° સે. સુધી પહોંચે છે. ઉનાળામાં રાજસ્થાન અને રણપ્રદેશોમાં મહત્તમ તાપમાન 48° સે. સુધી પહોંચી જાય છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજી – હાલ મોનસિરમ(મેઘાલય)માં 1,000 સેમી. કરતાં વધારે પડે છે; જ્યારે રાજસ્થાન અને ગુજરાતના કચ્છ પ્રદેશમાં વાર્ષિક 25 સેમી. જેટલો વરસાદ પડે છે. ભારતમાં હિમાલય વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે, જેનાં શિખરો હંમેશાં હિમાચ્છાદિત રહે છે. દક્ષિણના પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની પર્વતમાળાઓ ઉપરાંત વિંધ્ય, અરવલ્લી, સાતપુડા, મહાદેવ, મૈકલ, છીંદવાડાની પર્વતમાળાઓ આવેલી છે. ગંગાનાં મેદાનો; બ્રહ્મપુત્રા, ગોદાવરી અને નર્મદાના ખીણપ્રદેશો સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલાં છે.
ભારત ઉપખંડમાં વિવિધ પ્રકારની મૃદા (soil) આવેલી છે. ગંગા- જમનાના મેદાની પ્રદેશોની મૃદા અતિ ફળદ્રૂપ અને કાંપવાળી છે, તો રણની રેતાળ મૃદા અને દરિયાકાંઠાની ક્ષારજ પંકિલ (water logged) મૃદા વનસ્પતિની વિવિધતાઓ માટે પૂરતી છે. આમ, ભારત વિષુવવૃત્તની ઉત્તરે આવેલો હોવા છતાં ઋતુપ્રભાવી દેશ છે. અહીં શિયાળો, ઉનાળો તથા ચોમાસું ત્રણેય ઋતુની ચોક્કસ અવધિ છે. આ ઋતુ દરમિયાન તાપમાનનો ગાળો ચોક્કસ છે. આ બધાં પરિબળોને ધ્યાનમાં લઈ ભારતના ખેડૂતો રવીપાક અને ખરીફપાક ઉપરાંત ઉનાળુ પાક લે છે. ધાન્ય, કઠોળ, શાકભાજી વગેરેની અનેક જાતો હોવાથી જુદી જુદી ઋતુઓમાં તેનું વાવેતર શક્ય બને છે. વિશ્વના તમામ પ્રદેશોમાં થતી શાકભાજી, ફળ-પાક, બાગાયત-પાક વગેરેનો ઉછેર ભારતમાં સરળતાથી થઈ શકે છે.
ભારતમાં વિષુવવૃત્તીય જંગલો, સમશીતોષ્ણ અને શંકુદ્રુમનાં પાંખાં વન, ખેતર અને પડતર જમીનમાં ઊગતી નીંદામણ પ્રકારની વિવિધ વનસ્પતિઓ (weeds); સ્થાયી અને અસ્થાયી પાણીના સંગ્રહ કરતાં તળાવો, ખાડા-ખાબોચિયાં અને સરોવરોમાં નૈસર્ગિક રીતે ઊગતી જલજ વનસ્પતિઓ; નદીના કાંઠે, ઝરણાંને કાંઠે, ભીના પર્વતના ઢોળાવ અને ખડક ઉપર ઊગતી વનસ્પતિઓ; રણ, શુષ્ક અને અર્ધશુષ્ક (semi arid region) પ્રદેશમાં ઊગતી શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ; દરિયાકાંઠે ભરતીઓટની અસર હેઠળ ઊગતી મેન્ગ્રુવ વનસ્પતિઓ; વૃક્ષોની શાખાઓ ઉપર વિકસતી પરોપજીવી, અર્ધપરોપજીવી (semi parasite) અને પરરોહી (epiphytes) વનસ્પતિઓ જોવા મળે છે. આમ, વનસ્પતિની અસંખ્ય વિવિધતાઓ વનસ્પતિશાસ્ત્રીઓએ વર્ણવી છે. ચારા તરીકે ઉપયોગી વિવિધ ઘાસની અનેક જાતિઓ ભારતીય વનસ્પતિ સંઘની સંપદા ગણવામાં આવે છે. ભારત અને ગુજરાતની વિવિધ વનસ્પતિ-સંપદાનો ચિતાર નીચેના આંકડાઓ દ્વારા આવે છે. બેંથામ-હૂકરે સર્વપ્રથમ ભારતીય ઉપખંડની વનસ્પતિનું વર્ગીકરણ અને વર્ણન ફ્લોરા ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા (Flora of British India) (1872-1897)ના સાત ખંડોમાં આપ્યું છે. તેમણે 15,900 સપુષ્પી વનસ્પતિઓને 179 કુળમાં વર્ગીકૃત કરી છે. સૌથી મોટું કુળ ઑર્કિડેસી છે. 1,600 કરતાં પણ વધારે જાતિઓ તે ધરાવે છે. ચૅટરજી અને મણિનાં સંશોધનો દર્શાવે છે કે 49 % જેટલી પ્રજાતિઓ સ્થાનિક પૂર્વ-ઉત્તરીય હિમાલય પ્રદેશમાંથી 28 % સ્થાનિકતા ધરાવતી વનસ્પતિઓ નોંધાઈ છે. બાકીની દક્ષિણી દ્વીપકલ્પીય પ્રદેશમાંથી નોંધાઈ છે. ભારતીય સ્થાનિકતા ઉપરાંત, ભારતની 2,300 પ્રજાતિઓમાંથી 500 જેટલી પ્રજાતિઓ વિદેશોમાંથી ભારતમાં સ્થાનાંતર પામેલી છે. કેટલીક પ્રજાતિઓ વિદેશી ક્ષેત્રોમાં મલેશિયા, દક્ષિણ-પૂર્વ આફ્રિકા, અરબસ્તાન, તિબેટ, મ્યાનમાર, ચીન અને જાપાનમાંથી નૈસર્ગિક રીતે સ્થાનાંતર પામી છે; જ્યારે કેટલીક અમેરિકા, યુરોપ, દ. અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સમાંથી લાવવામાં આવી છે. ક્યૂ-બૉટનિકલ ગાર્ડન્સ, યુ. કે. દ્વારા વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રાકૃતિક રીતે ઊગતી વિવિધ વનસ્પતિઓની માહિતી આપવામાં આવી છે, જે સારણી 3 પ્રમાણે છે.
સારણી 3 : જુદા જુદા દેશોમાં થતી આવૃતબીજધારીની જાતિઓની સંખ્યા
ક્રમ | દેશ | આવૃતબીજધારીની જાતિઓની સંખ્યા |
1. | મલેશિયા | 25,000 |
2. | નવોષ્ણ કટિબંધીય (neotropical) દેશ | 25,000 |
3. | ભારત | 21,000 |
4. | ચીન | 21,000 |
5. | યુ.એસ., કૅનેડા અને ગ્રીનલૅન્ડ | 20,000 |
6. | રશિયા (યુ.એસ.એસ.આર.) | 17,500 |
7. | દક્ષિણ આફ્રિકા | 17,000 |
8. | યુરોપ | 16,000 |
9. | ઑસ્ટ્રેલિયા | 15,000 |
10. | ઓરિયેન્ટેલિસ | 12,000 |
11. | વિષુવવૃત્તીય પૂર્વ આફ્રિકા | 11,000 |
12. | ઇરાક, ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન | 9,000 |
13. | કાગો, રુવાન્ડા, બરુન્ડી | 9,000 |
14. | ઇથિયોપિયા | 6,300 |
15. | ઝામ્બિયા | 6,000 |
16. | જાપાન | 5,800 |
17. | તાઇવાન | 3,700 |
18. | બાંગ્લાદેશ | 3,100 |
19. | શ્રીલંકા | 3,100 |
વિશ્વની વિભિન્ન વનસ્પતિઓની સંખ્યાની સામે ભારત તથા ગુજરાતની વનસ્પતિ-વિવિધતાની આંકડાકીય માહિતી સારણી 4 પ્રમાણે છે.
સારણી 4 : વિશ્વ, ભારત અને ગુજરાતમાં થતી વનસ્પતિ–વિવિધતાની તુલના નોંધાયેલી વનસ્પતિઓની સંખ્યા
ક્રમ | વનસ્પતિસમૂહનું નામ | વિશ્વ | ભારત | ગુજરાત |
1. | લીલ | 40,000 | 6,500 | 1,933 |
2. | ફૂગ | 89,000 | 16,500 | 164 |
3. | દ્વિઅંગી | 16,000 | 2,850 | 08 |
4. | ત્રિઅંગી | 13,000 | 1,100 | 016 |
5. | અનાવૃતબીજધારી | 750 | 64 | 01 |
6. | આવૃતબીજધારી | 25,000 | 17,500 | 2,106 |
કુલ વનસ્પતિ વિવિધતા | 4,08,750 | 45,436 | 4,228 |
ઉપરની સારણી પરથી ફલિત થાય છે કે ભારતની સરખામણીએ ગુજરાત વનસ્પતિ-વિવિધતાની દૃષ્ટિએ નબળું રાજ્ય છે. ગુજરાતની કુલ 4,228 વનસ્પતિઓ જમીન ઉપર મીઠા પાણીનાં તળાવ-સરોવરો તથા દરિયાઈ સ્થળોમાંથી નોંધાઈ છે. ગુજરાતને 1,600 કિમી. લાંબો સમુદ્રતટ મળેલો છે. દક્ષિણ ગુજરાતમાં પડતો વરસાદ લીલની ઉત્પત્તિ માટે મદદકર્તા નીવડે છે. લગભગ 210 જેટલી વિશાળ કદની સામુદ્રિક લીલ મળી આવે છે. સૌરાષ્ટ્રનાં ઓખા, માંગરોળ; કચ્છનાં માંડવી, મુન્દ્રા, કંડલા; દ. ગુજરાતનાં તીથલ અને ઊભરાટ લીલના એકત્રીકરણ માટે જાણીતાં છે. ફૂગની 164 જાતિઓ ગુજરાતના વિવિધ પ્રદેશમાંથી મળે છે. દ્વિઅંગી વનસ્પતિઓ પાવાગઢ, પારનેરા, દેવગઢ બારિયામાંથી; સાપુતારા અને ગિરનાર અને બરડા પરથી મળી આવે છે. અનાવૃતબીજધારીની એક જ વનસ્પતિ એફિડ્રા ઓખા-બેટ-દ્વારકાના ટાપુ ઉપરથી તથા કચ્છ અને તારંગા હિલમાંથી પ્રાપ્ત થાય છે; પરંતુ પાઇનસ, દેવદાર, ઓરોકારિયા, જ્યૂનિપરસ, પોડોકારપસ, ટેક્સસ, સાયકસ વગેરે બાગ-બગીચા અને વનસ્પતિ-ઉદ્યાનોમાં ઉછેરાય છે. સપુષ્પી વનસ્પતિમાં ઑર્કિડેસી સૌથી મોટું કુળ છે, પરંતુ તેની ફક્ત થોડી પ્રજાતિ જેવી કે હેબિનેરિયા, ઝૂકઝીન, વેન્ડા પ્રાકૃતિક રીતે અને ઓરચીસ (મૂસળી), વેનિલા વગેરે ઉછેરાય છે. ગુજરાતની કુલ સપુષ્પી વનસ્પતિ ભારતની કુલ વનસ્પતિનો ફક્ત 13 % હિસ્સો છે.
ગુજરાતની વિવિધ આવૃતબીજધારી વનસ્પતિઓ : બીજા દેશમાંથી સ્થાનાંતર પામેલી ગુજરાતની વનસ્પતિઓમાં ભારતીય સંઘ 39.41 %; ઇરાક, ઈરાન અને અરબસ્તાન 19.42 %; ઇન્ડોનેશિયા અને મલેશિયા 13.77 % અને બીજાં રાષ્ટ્રો 23.39 %નો સમાવેશ થાય છે. ગુજરાતમાં 71 % વનસ્પતિ-વિવિધતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાઈ છે. ગુજરાતનાં 10 પ્રભાવી કુળો ભારતના સંદર્ભે તથા તેની ટકાવારી નીચે સારણી 5માં દર્શાવી છે. ચાલીસ કરતાં વધારે જાતિ ધરાવતાં પ્રભાવી કુળની યાદી સારણી 5માં આપી છે.
એકદળી (monocotyledons) અને દ્વિદળી વનસ્પતિ(dicoty ledons)ની ભારત તથા ગુજરાતની વિવિધતા તથા તેની ટકાવારી સારણી 6 પ્રમાણે છે.
સારણી 5 : ભારત અને ગુજરાત રાજ્યનાં પ્રભાવી કુળની તુલના
ક્રમ | કુળ | ભારત | ગુજરાત | દેશના સંદર્ભે ગુજરાતની ટકાવારી |
1. | પોએસી | 1291 | 282 | 21.9 |
2. | લેગ્યુમિનોસી | 867 | 195 | |
3. | એસ્ટરેસી | 723 | 103 | 10.9 |
4. | સાયપરેસી | 545 | 129 | 23.2 |
5. | એકેન્થેસી | 510 | 87 | 17.0 |
6. | યુફોરબિયેસી | 528 | 79 | 14.9 |
7. | કોન્વોલવ્યુલેસી | 184 | 65 | 35.3 |
8. | માલ્વેસી | 93 | 64 | 68.8 |
9. | સ્ક્રોફ્યુલેરિયેસી | 368 | 54 | 14.6 |
10. | લેમિયેસી | 454 | 42 | 9.2 |
સારણી 6 : ભારત અને ગુજરાતની દ્વિદળી અને એકદળી વર્ગની વનસ્પતિ–વિવિધતા
ક્રમ | વર્ગકનો પ્રકાર | વર્ગ | ભારત | ગુજરાત | ટકાવારી-ભારત સંદર્ભે |
1. | કુળ | એકદળી | 210 | 126 | 60 |
દ્વિદળી | 44 | 31 | 70 | ||
2. | પ્રજાતિ | એકદળી | 2281 | 682 | 29.8 |
દ્વિદળી | 705 | 204 | 28.9 | ||
3. | જાતિ | એકદળી | 12543 | 1525 | 13.16 |
દ્વિદળી | 4236 | 577 | 13.62 |
ગુજરાતમાં એકદળીની પોએસી (1,291) અને સાયપરેસી (543) કુળ જાતિસંખ્યાની દૃષ્ટિએ અગ્રેસર છે. વળી, કેટલાંક કુળ એકપ્રજાતીય કુળ (monogeneric family) છે; જેમ કે, કેશ્યુએરિનેસી, કેરિકેસી અને ટ્રાપેસી (trapaceae) ગુજરાતભરમાં જોવા મળે છે. ગુજરાતની 10 પ્રજાતિઓ સૌથી વધુ જાતિઓ ધરાવે છે; જેમ કે સાયપરસ (62 જાતિઓ); આઇપોમિયા (28 જાતિઓ), ઇન્ડિગોફેરા (26 જાતિઓ), ક્રોટોલેરિયા (24 જાતિઓ), યુફોરબિયા (24 જાતિઓ), ફ્રિમ્બ્રિસ્ટાયલિસ (23 જાતિઓ), કેશિયા (21 જાતિઓ), હિબિસ્કસ (18 જાતિઓ); સ્ક્રિરપસ (18 જાતિઓ) અને એરાગ્રોસ્ટીસ (16 જાતિઓ).
સારણી 7 : ગુજરાત, સૂરત, વલસાડ અને ધરમપુરની વનસ્પતિ–વિવિધતાની તુલના
ક્રમ | ક્ષેત્ર | પ્રજાતિઓની સંખ્યા | જાતિઓની સંખ્યા | પ્રજાતિ/જાતિનો ગુણોત્તર |
1. | ગુજરાત | 890 | 2106 | 1 : 2 : 4 |
2. | સૂરત | 573 | 898 | 1 : 17 |
3. | વલસાડ | 583 | 1131 | 1 : 19 |
4. | ધરમપુર | 484 | 879 | 1 : 18 |
ગુજરાતમાં સૂરત, વલસાડ અને ધરમપુર વિસ્તારોમાં સૌથી વધારે વનસ્પતિ-વિવિધતા નોંધાઈ છે. તેનું મુખ્ય કારણ વધુ પડતો વરસાદ, સિંચાઈની સગવડ ધરાવતી ફળદ્રૂપ જમીન, જમીનનું ભૂતલ, વિપુલ પ્રમાણમાં ઉછેરાતા ખેત અને બાગાયત પાક જવાબદાર છે. સારણી 7 આ માટે ઉપયોગી છે.
ગુજરાતની ક્ષેત્રીયતા ધરાવતી જાતિઓ(endemic species)ની યાદી આ પ્રમાણે છે :
(1) Arthraxon lancifolius var. hindustanicus; (2) Canscora khandalensis; (3) Ceropegia odorata; (4) Chlrophytum bharuchae; (5) Cyperus dwarkensis; (6) Dipcadi ursulae var. longiracemosae; (7) Furena tuwensis; (8) Helichrysum cutichicum; (9) Psilostachys sericea; (10) Sesbania concolor; (11) Solanum purpurilineum; (12) Tamarix kutichensis; (13) Tamarix stricta; (14) Tephrosia axillaris; (15) Tephrosia jamnagarensis; (16) Viola cinera var. stocksii forma Kathiawarensis. પ્રા. જી. એલ. શાહે ‘ફ્લોરા ઑવ્ ગુજરાત’માં 250 જેટલી વનસ્પતિઓને દુર્લભ (rare) ગણી છે, જે ફક્ત દક્ષિણ ગુજરાતમાં મળી આવે છે. આશરે 70 જેટલી જાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.
વિવિધ વનસ્પતિઓમાં એકકોષી લીલથી માંડી વિશાળ કાય ધરાવતી સપુષ્પી વનસ્પતિનો સમાવેશ થાય છે. લેમ્ના, વુલ્ફિયા જેવી સૂક્ષ્મદર્શી સપુષ્પી અસ્તિત્વ ધરાવે છે; તેની સામે મહાકાય વડ-કોલકાતાના બૉટેનિકલ ગાર્ડનમાં સેંકડો વર્ષથી ઊભો છે. જોષીમઠ(ઉત્તરાંચલ રાજ્ય)માં શ્રી શંકરાચાર્ય આશ્રમમાં આવેલું મહાકાય શેતૂરનું વૃક્ષ, કોડાઈ કૅનાલ અને નીલગિરિના ઊભા મોટા ઘેરાવાવાળાં નીલગિરિનાં વૃક્ષોની ભવ્યતા નિહાળવા જેવી છે. અપુષ્પી વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળે છે. એકકોષી સૂક્ષ્મ ક્લોરેલા (લીલ) અને ચપટી પર્ણમય રચના ધરાવતી અલ્વા, પીંછાકૃતિ સ્વરૂપ ધરાવતી બ્રાયોપ્સિસ વિશિષ્ટ પ્રકારના સુકાય ધરાવે છે. કોલેરપ્પાનો સુકાય સપુષ્પી વનસ્પતિસમ પર્ણીય સુકાય છે; જે શાખાયુક્ત હોય છે અને ક્યારેક એકાદ મીટર જેટલો લાંબો હોવા છતાં પણ એકકોષી છે. એસિટેબ્યુલારિયામાં છત્રી જેવા સુકાય જોવા મળે છે. કારા અને નાઇટેલાનો સુકાય શાખાયુક્ત સપુષ્પી જલજ વનસ્પતિ જેવો લાગે છે. દ્વિઅણુઓ(diatoms)માં સૌથી વધારે વિવિધતા જોવા મળે છે. તેમનાં ગોળાકાર અને લંબચોરસ સ્વરૂપો વિવિધ પ્રકારે રેખાંકિત અને આકર્ષક હોય છે. સામુદ્રિક બદામી રંગની લીલનું ડિક્ટિયોરા રિબિન જેવો દ્વિશાખી સુકાય ધરાવે છે. મૅક્રોસિસ્ટૉસનો સુકાય 10થી 30 મીટર જેટલો લાંબો હોય છે; જ્યારે પોસ્ટેલશિયાનો સુકાય તાડ જેવો લાગે છે. સરગેસમ અને ફ્યૂકસના સુકાય સપુષ્પી વનસ્પતિ જેવા લાગે છે. લાલ લીલનું જિલિડિયમ, બે ટ્રેકોસ્પર્મમ પૉલિસાયફોનિયાના સુકાય વિવિધ પ્રકારના હોય છે. પફબૉલ (puff-ball) તરીકે જાણીતી લાઇકોપર્ડૉન(lycoperdon)નો સુકાય બટન જેવો લાગે છે, જ્યારે જિયેસ્ટર(Geaster)નો સુકાય પુષ્પ જેવો લાગે છે.
દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓમાં કેટલીકમાં ચપટો દ્વિશાખી, પૃષ્ઠવક્ષી (dorsiventral) સુકાય હોય છે તો અન્ય દ્વિઅંગીઓમાં ઊભો ટટ્ટાર, પ્રકાંડ-પર્ણ ધરાવતો સુકાય હોય છે. ત્રિઅંગી વિભાગની લાઇકોપોડિયમ, સાયલોટમ, માર્સેલિયાના સુકાયો મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણ અંગો ધરાવે છે.
વિવિધ પ્રકારનાં પ્રજનનઅંગોને લીધે તેઓ વધુ ભિન્ન ભિન્ન રચના બનાવે છે. ઑફિયૉગ્લોસમ એકપર્ણીય રચના ધરાવે છે. જલજ-ત્રિઅંગી વનસ્પતિઓમાં એઝોલા અને સાલ્વિનિયાનો સમાવેશ થાય છે. એઝોલાના સુકાયમાં એનાબીના નામની લીલ નિવાસ કરે છે. પાઇનસ અને દેવદાર જેવી અનાવૃતબીજધારી વનસ્પતિનાં પર્ણો સોયાકાર હોય છે. સિક્વોઇયા(sequoia)ના થડનો ઘેરાવો એટલો વિશાળ હોય છે કે તેને કોતરીને રસ્તો બનાવી શકાય છે.
વનસ્પતિની સ્વરૂપલક્ષી ભિન્નતાની સાથે બીજી વિવિધતાઓ પણ જોવા મળે છે. નાઇટ્રોજનની ઊણપવાળી જમીનમાં કીટાહારી વનસ્પતિઓ થાય છે. તેની જાતિઓની સંખ્યા આશરે 400 જેટલી છે. કીટકોને ફસાવવા પર્ણનું વિશિષ્ટ રૂપાંતર થાય છે. કળશપર્ણ નિપેન્થસ, સરસિનિયા અને ડાર્લિંગ્ટોનિયાનો કળશ 1.0 મીટર જેટલો લાંબો હોય છે અને ઢાંકણ માછલીની પૂંછડી જેવું હોય છે. મૂખજાલી(drosera)ની 100 ઉપરાંત જાતિના પર્ણફલક ગોળાકાર હોય છે; જેની ઉપર અસંખ્ય ગ્રંથિમય ડંખરોમ આવેલા હોય છે. તેઓ કીટકોને ફસાવે છે. ડાયોનિયા, એલ્ડ્રોવેન્ડા, પિંગ્યુઇક્યુલા વગેરે કીટાહારી પ્રજાતિઓ છે. ગુજરાતનાં તળાવોમાં ઊગતી – પાણીની સપાટી ઉપર મુક્ત રીતે તરતી મક્ષીપાશ(Utricularia)માં કીટકોને ફસાવવા પર્ણો ફુગ્ગા જેવી રચના બનાવે છે. આ બધી વિવિધતા ખોરાકપ્રાપ્તિ માટેની છે. લજામણી (Mimosa pudica) અને બાયૉફાયટમને સ્પર્શ કરતાં તેની પર્ણિકાઓ બિડાઈ જાય છે. વિશિષ્ટ સ્વરૂપ ધરાવતી પરરોહી, પરોપજીવી અને મૃતોપજીવી (saprophyte) આવૃતબીજધારી વનસ્પતિઓ મુખ્ય છે. ચંદન અર્ધ-પરોપજીવી વનસ્પતિ છે. અમરવેલનું પ્રકાંડ પીળું છે; તેથી આ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. જ્યારે કેસીથા(Cassytha)નું પ્રકાંડ લીલા રંગનું છે. એ રીતે તે પરોપજીવી છે. તમાકુ, રીંગણા ઉપર ઊગતી ઓરોબૅંકી પર્ણવિહીન, સફેદ રંગની સંપૂર્ણ મૂળ-પરોપજીવી છે. બેલેનોફોરા સંપૂર્ણ મૂળ-પરોપજીવી અને ભૂમિગત અંગ મણકા જેવું હોય છે. મલેશિયામાં વિષુવવૃત્તીય જંગલોમાં પાણીમાં ઊગતી રેફલેશિયા આર્નૉલ્ડીનું પુષ્પ વનસ્પતિસૃદૃષ્ટિમાં સૌથી મોટા કદનું હોય છે. તેનો પરિઘ 1.0 મીટર જેટલો અને તેનું વજન 11 કિગ્રા. જેટલું હોય છે. સામાન્યત: બૅક્ટેરિયા અને ફૂગ મૃતોપજીવી હોય છે; પરંતુ કેટલાક ઑર્કિડ-કોરાલોરહીઝા ઇપિપોગૉન અને મૉનોટ્રોપા મૃતોપજીવી વનસ્પતિ છે. આ ઉપરાંત દરિયાકિનારે કાદવ-કીચડમાં ઊગતી મૅન્ગ્રુવ વનસ્પતિમાં જરાયુજ બીજાંકુરણ (vivaparous germination) જોવા મળે છે; જેમાં ફળ વૃક્ષ ઉપર સ્થપાયેલું હોય છે ત્યાં અંકુરણની ક્રિયાનો પ્રારંભ થાય છે. તેનું આદિમૂળ અણીદાર હોવાથી આ સ્થિતિમાં વૃક્ષથી તે જ્યારે છૂટું પડે, ત્યારે કાદવમાં ખૂંપી જાય છે. વળી આવી વનસ્પતિઓનાં પાર્શ્ર્વ મૂળ કે ઉપમૂળો જમીનમાં ન જતાં હવામાં વિકાસ પામે છે. આવાં મૂળને શ્વાસગ્રાહી મૂળ (breathing roots) કહેવાય છે. સુંદરવન (પ. બંગાળ) અને મુંબઈની ખાડીના કિનારે મૅન્ગ્રુવ વન આવેલાં છે. વિક્ટોરિયા રિજિયા (રૉયલ વૉટર લીલી) ઍમેઝોનનું મૂળ વતની છે. તે કોલકાતાના રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાનમાં ઉછેરવામાં આવ્યું છે. તેનાં પર્ણનો ઘેરાવો 2 મીટર કરતાં વધારે હોય છે, જેની પર ત્રણ-ચાર બાળક આરામથી બેસી શકે છે. રૂએલિયા ટ્યૂબેરોસા(બંદૂકડી)નાં શુષ્ક ફળો પાણીના સંપર્કમાં આવતાં અવાજ સાથે ફાટે છે. આ વનસ્પતિનાં મૂળ ગુચ્છાકાર કંદ જેવાં હોય છે. પોએસી કુળની બામ્બુશા એરૂડિન્શિયા જાત, જાયજેન્શિયા મહાકાય વાંસ છે, જેના પ્રકાંડનો ઘેરાવો 30 સેમી. કરતાં વધારે હોય છે. 2025 વર્ષ પછી તેને પુષ્પ આવે છે, ત્યારબાદ વનસ્પતિ આપમેળે સુકાઈ જાય છે. સ્પેનનું મૂળ વતની કેસર પામ્પુર(કાશ્મીર)માં ઉછેરાય છે. તેની પરાગવાહિનીઓ સૂકવી કેસર તરીકે વપરાય છે. આશરે 10,000 પુષ્પોમાંથી ફક્ત 100 ગ્રા. કેસર મળે છે. સીતાફળ (Annona squamosa), રામફળ (A. reticulata) અને લક્ષ્મણફળ(A. muricata)નાં ફળો વિભિન્ન રચનાવાળાં હોય છે.
જૈમિન વિ. જોશી