વિલોપન : કણ અને પ્રતિકણ અથડાતાં ઊર્જાના ઉત્સર્જન સાથે અદૃશ્ય થવાની ઘટના જેમાં થતી હોય એવી પ્રક્રિયા. ઇલેક્ટ્રૉન અને તેના પ્રતિકણ પૉઝિટ્રૉન સાથે અથડાતાં ગૅમા કિરણની ઉત્પત્તિની ઘટના, પૃથ્વી ઉપર જોવા મળતી સામાન્ય ઘટના છે. રેડિયો-ઍક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જિત થતો પૉઝિટ્રૉન ઘણી વખત ઇલેક્ટ્રૉન સાથે જોડાતાં તે કલ્પ-પરમાણુ (quasi-atom) પૉઝિટ્રૉનિયમનું નિર્માણ કરે છે. ખરેખર અથડામણ થાય તે પહેલાં આ બંને કણો એકબીજાની આસપાસ પ્રચક્રણ (spin) કરતા હોય છે. જે બિંદુ આગળ આ કણોની અથડામણ થાય છે ત્યાંથી બે-ત્રણ ગૅમા કિરણો(X-કિરણો જેવાં)નું વિકિરણ પેદા થાય છે.
અથડામણ દરમિયાન પેદા થતી ઊર્જા E = mc2 જેટલી હોય છે. જ્યાં m એ અદૃશ્ય થતા કણનું દ્રવ્યમાન છે અને C પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. વિલોપન એવી ઘટના છે, જે દ્રવ્ય અને ઊર્જા વચ્ચેનું સામ્ય અભિવ્યક્ત કરે છે. વળી તે વિશિષ્ટ સાપેક્ષવાદ(special theory of relativity)ની ચકાસણીનું પણ દૃષ્ટાંત છે. અત્રે દ્રવ્યના ઊર્જામાં રૂપાંતર અને ઊર્જાના દ્રવ્યમાં રૂપાંતરની ઘટનાને વિલોપનથી અનુમોદન મળી રહે છે.
વિલોપન-પ્રક્રિયાનું બીજું પણ ઉદાહરણ છે. ન્યૂક્લિયૉન (પ્રોટૉન અને ન્યૂટ્રૉન) જ્યારે પ્રતિ ન્યૂક્લિયૉન (પ્રતિપ્રોટૉન અને પ્રતિન્યૂટ્રૉન) સાથે અથડામણ કરે છે ત્યારે પેદા થતી ઊર્જા પાયૉન (પાઇમેસૉન) અને કેઑન (કેપા-મેસૉન) સ્વરૂપે જાય છે. પાયૉન અને કેઑન મેસૉન વર્ગમાં આવતા કણો છે. દ્રવ્ય અને પ્રતિદ્રવ્યનું વિલોપન થાય છે તેવી બાબત બ્રહ્માંડવિદો વિશ્વાસપૂર્વક કહે છે. આને વિશ્વની પ્રચંડ ઊર્જાનું રહસ્ય ગણાવે છે. ક્વેસાર્સ(quasi-steller sources)ની સાથે સંકળાયેલી વિપુલ ઊર્જા માટે વિલોપનને કારણભૂત ગણે છે. દ્રવ્ય અને પ્રતિદ્રવ્યના વિલોપનથી પેદા થતી પ્રચંડ ઊર્જાને આધારે બ્રહ્માંડવિદો વિશ્વના વિસ્તરણની સમજૂતી આપે છે.
હરગોવિંદ બે. પટેલ