વિલોપ : ખનિજ-છેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદનો સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતો વિશિષ્ટ ગુણધર્મ. સૂક્ષ્મદર્શક હેઠળ જ્યારે બે નિકોલ પ્રિઝમ વચ્ચે આવા ખનિજ-છેદનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પીઠિકા(stage)ને 360° ફેરવતાં પ્રત્યેક 90°ના તફાવતે ખનિજ-છેદ ચાર વખત સંપૂર્ણ કાળો થઈ જાય છે. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદના આ ગુણધર્મને વિલોપ કહેવાય છે.

વિષમદિગ્ધર્મી ખનિજ જ્યારે વિલોપ બતાવે છે ત્યારે ખનિજની સ્પંદનદિશાઓ નિકોલ પ્રિઝમની સ્પંદનદિશાઓ સાથે એકરૂપ બને છે. વિષમદિગ્ધર્મી ખનિજો ત્રણ પ્રકારના વિલોપ બતાવે છે : (i) સીધો વિલોપ, (ii) ત્રાંસો વિલોપ અને (iii) સમવિલોપ.

સીધો વિલોપ (straight extinction) : વિષમદિગ્ધર્મી ખનિજના છેદ જ્યારે વિલોપની સ્થિતિમાં હોય છે ત્યારે તેનો સંભેદ કે નિયમિત બાજુઓ સૂક્ષ્મદર્શકના ‘ક્રૉસ-વાયર’ને સમાંતર રહે છે. ખનિજની આ સ્થિતિ સીધા વિલોપ તરીકે ઓળખાય છે. મસ્કોવાઇટ, બાયૉટાઇટ, હાઇપરસ્થીન, ટુર્મેલિન, ઍન્ડેલ્યુસાઇટ જેવાં ખનિજોના છેદ સીધો વિલોપ બતાવે છે.

આકૃતિ 1 : સીધો (સમાંતર) વિલોપ

ત્રાંસો વિલોપ (oblique extinction) : વિષમદિગ્ધર્મી ખનિજ-છેદમાં જોવા મળતો આ એક એવો વિલોપપ્રકાર છે, જેમાં વિલોપની સ્થિતિમાં ખનિજનો સંભેદ કે તેની નિયમિત બાજુ ક્રૉસ-વાયર સાથે ખૂણો બનાવે છે. ઑગાઇટ અને હૉર્નબ્લેન્ડ ખનિજના કેટલાક છેદ ત્રાંસો વિલોપ બતાવે છે. ત્રાંસા વિલોપની સ્થિતિમાં જે ખૂણો બને તે ‘ત્રાંસો વિલોપ કોણ’ કહેવાય છે.

આકૃતિ 2 : સમવિલોપ

સમવિલોપ (symmetrical extinction) : કેટલાક ખનિજ-છેદોમાં વિલોપની સ્થિતિમાં ક્રૉસ-વાયર સંભેદ વચ્ચેના ખૂણાને કે કિનારીને દુભાગે છે. આવી સ્થિતિને સમવિલોપ કહે છે. સ્ફીન ખનિજના કેટલાક છેદ તેમજ હૉર્નબ્લેન્ડ ખનિજના અનુપ્રસ્થ છેદ (transverse sections) આ પ્રકારનો વિલોપ બતાવે છે.

આકૃતિ 3 : ત્રાંસો વિલોપ તથા વિલોપકોણ. ખનિજનો વિલોપ કોણ 30°

જુદા જુદા સ્ફટિકવર્ગોના ખનિજ-છેદોના વિલોપના ગુણધર્મ : (1) ક્યૂબિક વર્ગ : બધા જ છેદ સમદિગ્ધર્મી. (2) ટેટ્રાગૉનલ અને હેક્ઝાગૉનલ વર્ગો : અનુપ્રસ્થ છેદો સમદિગ્ગુણધર્મી. ઊર્ધ્વ છેદ (vertical sections) સીધો વિલોપ બતાવે. (3) ઑર્થોરહોમ્બિક વર્ગ : પિનેકૉઇડ સ્વરૂપોના સમાંતર છેદ સીધો વિલોપ બતાવે. (4) મૉનોક્લિનિક વર્ગ : ઑર્થોપિનેકૉઇડ અને બેઝલ પિનેકૉઇડ છેદ સીધો વિલોપ બતાવે, જ્યારે કલાઈનો પિનેકૉઇડ છેદ ત્રાંસો વિલોપ દર્શાવે. (5) ટ્રાઇક્લિનિક વર્ગ : બધા જ છેદ ત્રાંસો વિલોપ બતાવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે