વિલેનિલમ, જોન વર્ગિસ (જ. 11 ઑગસ્ટ 1935, ચેન્ગાન્નુર, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમ અને ભારતીય અંગ્રેજીના લેખક. 1958માં તેમણે બી.એચ. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ., 1975માં ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયા, યુ.એસ.માંથી કૉમ્યુનિકેશનમાં એમ.એસસી., 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્. અને 1986માં યુનિવર્સિટી ઑવ્ એમસ્ટરડૅમમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેઓ કેરળ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા પછી છેલ્લે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાંથી નિવૃત્ત અને માનાર્હ પદવીધારી પ્રાધ્યાપક રહ્યા. 1971થી 1982 સુધી તેમણે ટેમ્પલ યુનિવર્સિટીમાં વિદ્યાશાખાના સંશોધન અને આનુષંગિક સભ્ય તરીકે કામગીરી કરી.
તેમણે મલયાળમ તેમજ અંગ્રેજીમાં 18 ગ્રંથો આપ્યા છે. કૉમ્યુનિકેશન પરના તેમના જાણીતા નિબંધસંગ્રહોમાં ‘પ્રાયસમ’ (1980), ‘કૉમ્યુનિકેશન’ (1985) અને ‘ઑર નાદમ્ નાના વિષયમ્’નો સમાવેશ થાય છે. લોકપ્રિય વિજ્ઞાનને લગતો ગ્રંથ છે ‘મનુષ્યાન ચંદ્રનિલેક્કુ’ (1967). અંગ્રેજી ગ્રંથોમાં ‘સાયન્સ કૉમ્યુનિકેશન ઍન્ડ ડેવલપમેન્ટ’ (1993) કૉમ્યુનિકેશન પરનો નિબંધસંગ્રહ છે, તો ‘સ્લાઇસિસ ઑવ્ લાઇફ ઍન્ડ મીટી મિડલ્સ’ (1993) અને ‘અ ટાઇમ ટુ વીપ ઍૅન્ડ ટાઇમ ટુ લાફ’ (1995) એ બંને કાવ્યસંગ્રહો અને નિબંધસંગ્રહ છે.
આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1984માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને એઇજેએમસી કન્વેન્શન ખાતે મરખમ પ્રાઇઝ અર્પવામાં આવ્યાં હતાં.
બળદેવભાઈ કનીજિયા