વિલાયર્ટ, ઍડ્રિયાન (Willaert, Adriaan)
February, 2005
વિલાયર્ટ, ઍડ્રિયાન (Willaert, Adriaan) (જ. આશરે 1490, બ્રુજેસ, ફ્લૅન્ડર્સ; અ. 8 ડિસેમ્બર 1562, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન મૅડ્રિગલના વિકાસમાં સંગીન ફાળો આપનાર તેમજ સોળમી સદીના એક સૌથી વધુ મહત્વના કેન્દ્ર તરીકે વેનિસની સ્થાપના કરનાર ફ્લેમિશ સંગીતકાર. નાની ઉંમરે જ તેઓ ફ્લૅન્ડર્સથી ઇટાલી આવીને વસ્યા. 1536માં તેમની મૅડ્રિગલોનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને 1559માં તેમની મૅડ્રિગલોનું બીજું પુસ્તક પ્રકાશિત થયું. ‘મ્યુઝિકા નૉવા’ નામના આ બીજા પુસ્તકની સંગૃહીત મૅડ્રિગલોમાં કાઉન્ટર સ્પોઇન્ટ પર તેમણે સિદ્ધ કરેલી અનન્ય પકડ પ્રકટ થાય છે.
પૅરિસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો, પરંતુ પછી સંગીતની સાધના કરી. ફ્રેંચ સંગીતકાર જ્યાં મૂતોં (Jean Mouton) પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. 1527માં તેઓ વેનિસના સેંટ માર્કસ કૅથીડ્રલમાં સંગીત-દિગ્દર્શક (કોયર કન્ડક્ટર અને સ્વરનિયોજક) બન્યા. અહીંની એમની સંગીત-શિક્ષણની પદ્ધતિ યુરોપભરમાં પંકાઈ. એમના વિદ્યાર્થીઓમાંથી દે રોરે, ઝાર્લિનો પાલેસ્ત્રિના અને આન્દ્રેઆ ગૅબ્રિયેલી વિખ્યાત સંગીતકારો અને સ્વરનિયોજકો તરીકે આગળ આવ્યા.
વિલાયર્ટના મૅડ્રિગલ અને શાન્ઝો(Chansons)માં ફ્રૅન્કો-નેધરલૅન્ડિશ સૂરાવલિનું માધુર્ય તથા ઇટાલિયન સૂરાવલિની બળકટ અભિવ્યક્તિનું સંયોજન જોવા મળે છે. એમણે લખેલાં મોટેટ ધાર્મિક અભિવ્યક્તિમાં સચોટ ગણાયાં છે. બે ગાયકવૃંદો માટેની કૃતિઓ લખવામાં તેમને અનન્ય સફળતા મળી હતી. સોળમી સદીના ઉત્તરાર્ધનું વેનિશિયન વૃંદગાન તેમની આ કૃતિઓમાંથી જ વિકાસ પામ્યું છે.
યુરોપમાં શુદ્ધ વાદ્યસંગીતની પહેલ કરનારા જૂજ સંગીતકારોમાં એક વિલાયર્ટ છે. નાનાં વાદ્યવૃંદો (chamber ensembles) અને ઑર્ગન માટે ફૅન્ટસી (fantasy), રિચેર્કારી (Ricercari) અને કાન્ઝોની (Canzoni) તેમણે લખ્યાં છે.
અમિતાભ મડિયા