કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો છે. તેમાંથી જળવિદ્યુત મેળવવામાં આવે છે. લગભગ 5 કિમી. દૂર વિલિંગ્ટન નામની લશ્કરી છાવણી પણ આવેલી છે. સ્વાસ્થ્યવર્ધક આબોહવા, નયનરમ્ય કુદરતી સૌંદર્ય, કૉફીના બગીચાઓથી શોભતાં ખેતરોને કારણે દેશ-વિદેશના સહેલાણીઓનું આકર્ષણકેન્દ્ર બનેલ છે. વસ્તી આશરે 61,000 (2023) છે.
વસંત ચંદુલાલ શેઠ