કુદરતી ન્યાયનો સિદ્ધાંત

January, 2008

કુદરતી ન્યાયનો સિદ્ધાંત : ન્યાયની પ્રક્રિયાને તલસ્પર્શી, ઔચિત્યપૂર્ણ અને વ્યાપક બનાવતો મૂળભૂત સિદ્ધાંત. ન્યાયિક વ્યવહારની સર્વમાન્ય કસોટીઓ પરથી તે ઊપસી આવ્યો છે. ન્યાયમાં તટસ્થતાનું લક્ષણ સૂચિત (implied) હોય છે. પરંતુ તેનો વ્યવહારમાં અમલ થાય તે માટે બે બાબતો અનિવાર્ય ગણાય છે : (1) દરેક પક્ષકારને તેના વિરુદ્ધનો હુકમ થતાં અગાઉ સુનાવણીની, એટલે કે પોતાની રજૂઆત દ્વારા પોતાનો બચાવ કરવાની વાજબી તક મળવી જોઈએ. (2) નિષ્પક્ષ ન્યાય સચવાય તે માટે કોઈ પણ વ્યક્તિએ પોતે પક્ષકાર હોય ત્યાં નિર્ણાયકની ભૂમિકા ભજવવી જોઈએ નહિ. કાયદાની શાસન-વ્યવસ્થામાં કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમાયેલો છે જ. તે વિવિધ પ્રણાલીઓ અને પ્રચલિત વ્યવહાર પર આધારિત હોય છે. કાયદાનું હાર્દ નૈતિક સિદ્ધાન્તોને સંવાદી રહે તે માટે આ સિદ્ધાન્ત તે બે વચ્ચેના સેતુ સમાન છે, જે કાયદાની પ્રક્રિયાને ઔચિત્ય અર્પે છે. ગ્રીક તત્વચિંતકો અને ન્યાયવિદોએ સર્વમાન્ય ગણેલા સિદ્ધાંતોમાં આ સમાવેશ પામેલો છે. તેમાંનો એક આ સિદ્ધાંત પણ છે. પોતાનો બચાવ કરવાની વાજબી તકથી કોઈને વંચિત રાખીને તેને સજા ફરમાવવી જોઈએ નહિ, તે એનું હાર્દ છે.

કાયદામાં આ સિદ્ધાંતનો પ્રત્યક્ષ ઉલ્લેખ ન હોય તો પણ તેનું વ્યવહારમાં પાલન થાય તેવી અપેક્ષા રહેલી હોય છે. તેનું પાલન કરવામાં આવ્યું ન હોય તે કિસ્સાઓમાં તેનો વિધિસર આગ્રહ રાખવામાં આવે છે. આ સિદ્ધાંતના પાલન વિના ન્યાયની પ્રક્રિયા દોષપૂર્ણ ગણાય.

આ સિદ્ધાંતનો વ્યવહારમાં અમલ કરતી વેળાએ ન્યાયમાં તાટસ્થ્ય જળવાઈ રહે તે માટે કેટલીક પૂર્વશરતો ધ્યાનમાં રખાય છે : (1) આરોપીને તેના પરના આક્ષેપોથી સંપૂર્ણપણે માહિતગાર કરવો. (2) આરોપીને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવી. (3) તપાસપંચે પક્ષકારો પ્રત્યે સદભાવપૂર્ણ વ્યવહાર કરવો. (4) આરોપ મૂકનારે તેના પોતાના કેસમાં નિર્ણાયકની ભૂમિકા ભજવવી નહિ. (5) બંને પક્ષકારોનો કેસ સાંભળ્યા પછી જ તપાસપંચે નિર્ણય આપવો.

પોતાનો કેસ રજૂ કરવા માટે વકીલ રોકવાનો હક કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં અંતર્ગત નથી. છતાં આરોપી પોતાનો બચાવ યોગ્ય અને અસરકારક રીતે રજૂ કરવા અસમર્થ હોય એમ પ્રતીત થાય તો અપવાદ તરીકે તેને વકીલ રોકવાની તક આપી શકાય છે.

ભારતમાં કુદરતી ન્યાયનો સિદ્ધાંત કાયદાની શાસન-વ્યવસ્થાના અંતર્ગત ભાગ તરીકે સ્વીકારવામાં આવેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે