કિંગ્સ્ટન

January, 2008

કિંગ્સ્ટન : કૅરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓના મહાએન્ટિલિસ ટાપુસમૂહના જમૈકા ટાપુની રાજધાની અને મુખ્ય શહેર. 16 કિમી. લાંબા અને 3.2 કિમી. પહોળા અખાતના કિનારે તે 78o 48′ ઉ. અ. અને 17o 58′ પૂ. રે. પર આવેલું છે. તે ગુલામોના વ્યાપારનું મોટું બજાર ગણાતું હતું. 1682માં ભૂકંપને કારણે પૉર્ટ રૉયલ નાશ પામતાં 1693માં કિંગ્સ્ટનનો વિકાસ થયો. 1872માં તેને જમૈકાનું પાટનગર બનાવવામાં આવ્યું. લાંબા અને સાંકડા પાલિસડોસ દ્વીપકલ્પથી રક્ષાયેલું આ બંદર-શહેર રેલ અને સડકો દ્વારા સ્પૅનિશ ટાઉન, પૉર્ટ રૉયલ, મોન્ટેગો બે અને પૉર્ટ એન્ટોનિયો સાથે જોડાયેલું છે. વ્યાપારી પવનોથી રક્ષાયેલું આ શહેર ટાપુ પરનું સૌથી વધુ ગરમ અને શુષ્ક સ્થળ છે. તેની ઉત્તરમાં આવેલ બ્લૂ માઉન્ટ્સનું શિખર લગભગ 2,256 મીટર ઊંચું છે. ‘ધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જમૈકા’માં આર્ટ ગૅલેરી, સંગ્રહસ્થાન અને જાહેર વાચનાલય છે. સેન્ટ થૉમસ ચર્ચ અને રૉર્ક ફૉર્ટ જેવા સ્થાપત્યના અવશેષો અહીં જોવાલાયક છે. વસ્તી 12.4 લાખ (2019).

વસંત ચંદુલાલ શેઠ