કિંગ લિયર (1606) : શેક્સપિયરની જગપ્રસિદ્ધ કરુણાન્તિકા. પોતાની ત્રણ દીકરીઓમાં જે દીકરી પિતાને વધુમાં ચાહતી હશે તેને રાજ્યવિસ્તારનો મોટો ભાગ બક્ષવામાં આવશે. ગોનરિલ અને રિગન આ બે બહેનોએ પિતા પ્રત્યે અનહદ પ્રેમ પ્રકટ કર્યો. બંનેએ ત્યાં સુધી કહ્યું કે તે પતિ કરતાં વિશેષ પિતાને ચાહે છે. લિયર આ સાંભળી પ્રસન્ન થયો, પણ તેણે જ્યારે લાડકી પુત્રી કૉરડેલિયાને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કૉરડેલિયાએ વિનયપૂર્વક ઉત્તર વાળ્યો કે પુત્રી પિતાને જેટલા પ્રેમથી ચાહે એટલા પ્રેમથી તે લિયરને ચાહે છે, પણ વિશ્વમાં અન્ય કોઈને પોતે પ્રેમ ન અર્પી શકે એમ કઈ રીતે કહી શકે ? જો તે વિવાહબંધનમાં બંધાય તો એક પત્ની તરીકે તેની ફરજ પતિ પ્રત્યે પૂરો સ્નેહ દાખવવાની રહે છે. આ ઉત્તર સાંભળી ક્રુદ્ધ પિતા પોતાનું રાજ્ય ગોનરિલ અને રિગનને સરખે ભાગે વહેંચી આપે છે. અર્લ ઑવ્ કેન્ટ લિયરનો વિશ્વાસુ અમાત્ય છે. તે લિયરને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કૉરડેલિયા નિ:સ્વાર્થ પ્રેમની મૂર્તિ છે. તેનો પિતા પ્રત્યેનો પ્રેમ નિર્દંભ એટલે કે યથાર્થ છે, જ્યારે ગોનરિલ- રિગનનો પિતા પ્રત્યેનો પ્રેમ દંભપૂર્ણ એટલે કે મિથ્યા છે. લિયર પ્રેમની યથાર્થ ભાષા અને અતિશયોક્તિપૂર્ણ ભાષા વચ્ચેનો ભેદ ન સમજી શક્યો. લિયરે કૉરડેલિયાને બધા જ રાજ્યાલાભથી વંચિત રાખી એટલું જ નહિ, એણે તેના હાથના ઉમેદવારને – ફ્રાન્સના રાજવી અને ડ્યૂક ઑવ્ બર્ગંડીને – ત્યાં સુધી કહ્યું કે અકિંચન કૉરડેલિયામાં તેમને રસ હોય તો વિચારે. ડ્યૂકે અસંમતિ દર્શાવી. પણ ફ્રાન્સના રાજવીએ કૉરડેલિયાના ગુણોને પ્રમાણી તેની સાથે લગ્ન કરી તેને રાણી તરીકે સ્થાપી. ક્રુધ્ધ લિયરે કૅન્ટને દેશનિકાલ કર્યો હતો પણ છદ્મવેશે કેયસ નામ ધારણ કરી તે લિયરની સેવામાં પુન: હાજર થયો હતો.
શરત મુજબ લિયર પોતાના સો સરદારો સાથે ગોનરિલના રાજ્યમાં મહિના માટે આતિથ્ય માણવા ગયો પણ તેનો ભ્રમ તરત ભાંગી ગયો. ગોનરિલના ચાકરો લિયર સાથે તોછડું વર્તન દાખવવા લાગ્યા. ગોનરિલનું વર્તન એટલું તો ઉદ્ધત હતું કે, લિયરને પૂછવું પડ્યું, ‘તમે ગોનરિલ છો ?’ લિયરે સ્વયં પોતાને ઉદ્દેશીને પૂછ્યું, ‘શું હું લિયર છું ?’ ત્યારે વિદૂષકે સચોટ જવાબ વાળ્યો : ‘ના. લિયર નહિ, તમે લિયરનો પડછાયો છો.’ ગોનરિલે સો નહિ પણ પચાસ સરદારોને નિભાવવા ઇચ્છા દર્શાવી. લિયરને ગોનરિલના નિષ્ઠુર સ્વરૂપની જાણ થઈ. અંતે ત્રાસીને પોતાના રસાલા સાથે તે બીજી દીકરી રિગનને ત્યાં જવા નીકળ્યો. જતાં પહેલાં લિયરે ગોનરિલની કૃતઘ્નતાને વિષધર સર્પના દંશથી પણ વધુ તીવ્ર ગણાવી તેને શાપ આપ્યો કે તેની કૂખ વંધ્ય રહે, પણ જો તેને સંતાન અવતરે તો આ સંતાન તેની માતાને દોજખનું દુ:ખ આપે.
લિયર રિગનને ત્યાં પહોંચે તે પહેલાં ગોનરિલ ત્યાં પહોંચી ગઈ હોય છે. અહીં લિયરને વધુ અપમાન સહન કરવાં પડે છે. પ્રથમ તો રિગન અને તેનો પતિ લિયરને આવકાર આપવા આવતાં જ નથી. લિયરના આદેશથી રિગન આવે છે – મોટી બહેન ગોનરિલ સાથે અને બંનેનું વર્તન એટલું તો ક્રૂર અને ઘૃણાપૂર્ણ હોય છે કે લિયર પવનોના તોફાનથી ગર્જતી ભયાનક રાત્રે લાચાર સ્થિતિમાં રિગનનું ઘર છોડી ચાલી નીકળે છે. તોફાની પવનો, ધોધમાર વર્ષા અને રાત્રિના અંધકારમાં અડવડતો લિયર આ કૃતઘ્ની પૃથ્વીને માનવનો જેમાં વાસ છે તે પૃથ્વીને કુદરત રસાતળ કરે તેવું વાંછે છે. કેન્ટ અને વિદૂષક લિયરની ચિત્તભ્રમ અવસ્થાને પામી જાય છે. કેન્ટ ડોવરના કિલ્લામાં લિયરને પોતાના મિત્રોના આશ્રયે મૂકી ફ્રાન્સ જઈ કૉરડેલિયાને લિયરની દયનીય સ્થિતિની જાણ કરે છે. કૉરડેલિયા સૈનિકો સાથે ડોવર આવે છે પણ લિયરને ખેતરમાં માથે ઘાસફૂસનો કાંટાળો મુગટ પહેરી સૂતેલો જુએ છે. પિતાની આવી દયનીય સ્થિતિ જોઈ તે અપાર સંતાપ અનુભવે છે; પિતાની શુશ્રૂષા કરે છે. ભાનમાં આવતાં પિતા પ્રથમ તો પોતાની પ્રિય દીકરી કૉરડેલિયાને ઓળખી શકતો નથી પણ પાછળથી ચેતન આવતાં તે દીકરી કૉરડેલિયાની કૃતજ્ઞતાથી અભિભૂત થાય છે. પિતા-પુત્રીનું મિલન નાટકનું અદભુત ર્દશ્ય છે.
ગોનરિલ-રિગનનો અંત દુષ્ટ પાત્રોના અંત જેવો જ આવે છે. બંને સ્ત્રીઓ પોતાના પતિને પણ બેવફા નીવડી છે. એડમંડ અર્લ ઑવ્ ગ્લાઉસેસ્ટર બને છે – પોતાના ભાઈની હત્યા કરીને. આ એડમંડ ગોનરિલ અને વિધવા બનેલ રિગનનો પ્રેમી છે. ગોનરિલ પોતાના માર્ગમાંથી કાંટો કાઢવા રિગનને ઝેર આપે છે. ગોનરિલનો પતિ આલ્બેનીનો ડ્યૂક – આ આખું કાવતરું ઘડનાર પત્ની ગોનરિલને મૃત્યુદંડની સજા આપે છે.
શેક્સપિયરે પોતાની કરુણાંત નાટ્યસૃષ્ટિમાં સતનો અસત્ સાથે સંઘર્ષ નિરૂપ્યો છે. અહીં પણ કૉરડેલિયાનો સત્ની પ્રતિમૂર્તિરૂપ કૉરડેલિયાનો – અંત કરુણ નિરૂપાયો છે. ગોનરિલ રિગનનાં લશ્કરી દળોના હાથે કૉરડેલિયા કેદ પકડાય છે અને મદદ આવે તે પહેલાં કારાગારમાં જ તે મૃત્યુ પામે છે. લિયર પણ મૃત્યુ પામે છે.
નલિન રાવળ