કિંગ બી. બી.

January, 2008

કિંગ, બી. બી. (જ. 16 સપ્ટેમ્બર 1925, ઇટા બેના, મિસિસિપી, અમેરિકા; અ. 14 મે 2015 , લાસ વેગાસ, યુ.એસ.) : જાઝ સંગીતની ‘બ્લૂ’ શૈલીનો અગ્રિમ ગિટારવાદક. મૂળ નામ રિલે કિંગ. ‘બ્લૂ’ શૈલીના અલગ અલગ લયના વિકાસમાં તેનો ફાળો મહત્ત્વનો છે.

કિંગ, બી. બી.

મિસિસિપીનાં હબસી માતાપિતાનો પુત્ર બી. બી. કિંગ બાળપણમાં જ બ્લૅક ચર્ચના પ્રભાવ હેઠળ આવેલો. બાઇબલના ધાર્મિક-આધ્યાત્મિક પ્રભાવ ઉપરાંત જાઝ ગિટારવાદકો બ્લાઇન્ડ લેમન જેફર્સન, જાન્ગો રેઇન્હાર્ટ અને ચાર્લી ક્રિશ્ચિયનનો પ્રભાવ તેણે ઝીલ્યો. આ બધાના સામૂહિક પરિણામ રૂપે તેણે ગાયકી અને ગિટારવાદનની એક સુંદર જુગલબંધી નિપજાવી. 1949માં આ શૈલીનું સંગીત ધરાવતી તેની રેકર્ડ ‘થ્રી ઓ’ક્લૉક ઇન ધ મૉર્નિન્ગ’નું પ્રકાશન થયું, જેનું ધૂમ વેચાણ થયેલું. 1949થી 1970 સુધી તેણે મિસિસિપીના વિવિધ બ્લૅક બારમાં ગાયેલું; અમેરિકાની કેદોમાં તેણે નિ:શુલ્ક ગાયું. 1960 પછી લોકપ્રિય બનેલા ઘણા બ્રિટિશ રૉક અને પૉપ ગાયકો કિંગના પ્રભાવ હેઠળ આવ્યા. બૃહદ લોકપ્રિયતા સાંપડવા ઉપરાંત વિવેચકોએ પણ તેને વધાવી લીધો છે. ચાર્લ્સ સૉયરે લખેલું તેનું જીવનવૃત્તાંત ‘ધી એરાઇવલ ઑવ્ બી. બી. કિંગ’ 1980માં પ્રકાશિત થયું છે.

અમિતાભ મડિયા