કિંગ, બિલિ જિન (જ. 22 નવેમ્બર 1943, લૉંગ બિચ, કૅલિફૉર્નિયા) : એકાગ્રતા, વૈવિધ્ય, તક્નીક અને રમતના સાતત્યથી ટૅનિસની વિખ્યાત વિમ્બલ્ડન સ્પર્ધામાં વીસ વખત વિજેતા બનનાર મહિલા ખેલાડી.
1966, ’68, ’72, ’73 અને ’75માં વિમ્બલ્ડન સ્પર્ધાની સિંગલ્સમાં તેમણે વિજય મેળવેલો. એ ઉપરાંત વિમ્બલ્ડન સ્પર્ધામાં દસ વખત ડબલ્સમાં અને ચાર વખત મિશ્ર ડબલ્સમાં વિજય મેળવ્યો હતો. 1970માં મહિલા ટેનિસને સમાન દરજ્જો આપવા માટે બૉબી રિગ્સ સામે ‘બૅટલ ઑવ્ ધ સેક્સીઝ’ નામે જાણીતી સ્પર્ધામાં બિલિ જિન કિંગ વિજેતા બની. 1967 અને 1973માં વિમ્બલ્ડનની સિંગલ્સ, ડબલ્સ અને મિશ્ર ડબલ્સ એ ત્રણેય સ્પર્ધામાં વિજય. 1966, ’67, ’68 અને ’72માં વિશ્વનો પ્રથમ ક્રમ ધરાવનારી મહિલા ટેનિસ ખેલાડી. પોતાની કારકિર્દીનાં અઢારમાંથી સત્તર વર્ષ સુધી વિશ્વની પ્રથમ દસ મહિલા ખેલાડીઓમાં સ્થાન. ટેનિસમાં સ્ત્રીઓના પુરુષ જેટલા હક અને વેતન માટે તે ઝઝૂમી છે. 1975માં વુમન્સ સ્પૉર્ટ્સ ફેડરેશનની સ્થાપના કરી, તેના દ્વારા રમતગમતને કારકિર્દી બનાવવા ચાહતી યુવતીઓને સહાય આપવાની યોજના કરી. ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ ટેલિવિઝન પર ટેનિસ-સમીક્ષક તરીકે હવે કામગીરી બજાવે છે.
કુમારપાળ દેસાઈ