કિંગદાઓ : ચીનના સેન્ડોગ પ્રાન્તની રાજધાની. જૂના સમયમાં આ શહેર સિંગતાઓ તરીકે ઓળખાતું હતું. પીળા સમુદ્રના વાયવ્ય ભાગમાં 36-04o ઉત્તર અક્ષાંશ અને 120-22o પૂર્વે રેખાંશ પર તે આવેલું છે. અહીં સુતરાઉ અને રેશમી કાપડનું વણાટકામ કરતાં કારખાનાં ઉપરાંત ઈંડાંની ખાદ્ય ચીજો બનાવવાના ઉદ્યોગો સ્થપાયેલા છે. ચીનના ઈશાન ભાગમાં શાન્તુંગ દ્વીપકલ્પ પર આવેલું તે મહત્વનું બંદર છે. રેલમાર્ગ દ્વારા પશ્ચિમમાં વૈફાંગ, ઝીબો, જીનાન, ઉત્તર પૂર્વમાં યાન્તાઈ સાથે તથા સડક માર્ગ દ્વારા ઈશાનમાં યાન્તાઈ, વૈહઈ, નૈર્ઋત્યમાં ઝુઓઝુઆંગ, વાયવ્યમાં વૈફાંગ, કાંગઝોઉ સાથે જોડાયેલ છે. શાંગહાઈથી આ શહેર 624 કિલોમીટર દૂર ઉત્તરમાં આવેલું છે.
1898માં આ શહેર જર્મન પ્રજાના કબજામાં હતું. આ શહેર અને બંદરના વિકાસમાં જર્મન પ્રજાનો ફાળો મહત્વનો છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને તે જીતી લીધું હતું. પરંતુ 1922ની વૉશિંગ્ટન કૉન્ફરસન્માં નક્કી થયા પ્રમાણે તે ચીનને પાછું સોંપવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને ફરીથી તે પોતાને હસ્તક લીધું. યુદ્ધ બાદ તે ચીનને પાછું સોંપવામાં આવ્યું. 1947માં સામ્યવાદીઓએ કબજે કર્યું તે પહેલાં ચીનના આંતરવિગ્રહથી આ શહેરને ભયંકર નુકસાન થયું હતું. વસ્તી 90.5 લાખ (2010).
વસંત ચંદુલાલ શેઠ