કિશન મહારાજ (જ. 3 સપ્ટેમ્બર 1923, બનારસ; અ. 5 મે 2008, વારાણસી) : ભારતના વિખ્યાત તબલાવાદક. જન્માષ્ટમીના દિવસે જન્મ થયેલો તેથી નામ ‘કિશન’ પાડવામાં આવ્યું. પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ નાની ઉંમરમાં તેમનું અવસાન થવાથી કિશન મહારાજનો ઉછેર તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજ(1880-1969)ની નિશ્રામાં થયો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરથી કિશન મહારાજે શાસ્ત્રીય સંગીતની સાધના શરૂ કરી હતી. તેમને તબલાવાદનની તાલીમ પરિવારમાં જ કંઠે મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. તબલાવાદનના ક્ષેત્રમાં ‘બનારસ-બાજ’ નામથી ઓળખાતા બનારસ ઘરાણાના કિશન મહારાજ આજે ભારતના શ્રેષ્ઠ તબલાવાદકોમાં ગણાય છે.
બાળપણથી જ લયકારી પ્રત્યે તેમની રુચિ રહી છે. પરિણામે તાલીમનાં શરૂઆતનાં ત્રણ વર્ષ સુધી તેમણે ત્રિતાલ, ઝપતાલ અને એક તાલ જેવા મુખ્ય અને પ્રાથમિક તાલ વગાડ્યા ન હતા. તેને બદલે તે 8-11-13-15-17-19 અને 21 માત્રાઓના અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ લેતા રહ્યા; પરિણામે સરળ માત્રાવાળી તાન લગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત થઈ હતી.
તે સ્વતંત્ર એકલ તબલાવાદક છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનોમાં તથા મહેફિલોમાં તેમણે સંગત પણ કરી છે. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્ય સંગીત, ધ્રુપદ, ધમાર, સુગમ સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેટલી જ કુશળતાથી સંગત કરી શકે તેવા તે ભારતના એકમાત્ર તબલાવાદક ગણાય છે.
તે ગુરુશિષ્યપરંપરા પદ્ધતિથી તાલીમાર્થીઓને તબલાની તાલીમ આપે છે. તેમના શિષ્યવૃંદમાં નંદન મહેતા, કુમાર બોઝ, સુખવિંદરસિંગ તથા તેમના પુત્ર પુરણ મહારાજે તબલાવાદનમાં નામના મેળવી છે.
સાહિત્ય, સંસ્કૃતિ, ચિત્રકલામાં પણ તે સક્રિય રસ ધરાવે છે. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ દરજ્જાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે 1950-51માં તેમણે રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ (1973) અને ત્યાર બાદ પદ્મભૂષણનાં ખિતાબ તથા ઉત્તર પ્રદેશ કલા અકાદમી ઍવૉર્ડ દ્વારા તેમને સન્માનવામાં આવ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે