વિજયવર્ગીય, પ્રેમચંદ
February, 2005
વિજયવર્ગીય, પ્રેમચંદ (જ. 30 જૂન 1927, કોટા, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, કોટાના પ્રમુખ; 198387 દરમિયાન વનસ્થળી વિદ્યાપીઠમાં હિંદી અને મૉડર્ન ઇન્ડિયન લગ્વેજિઝ વિભાગના વડા; ‘વનસ્થળી પત્રિકા’ નામક ત્રિમાસિકના સંપાદક તથા ઇગ્નો યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા હતા. તેઓ વનસ્થળી વિદ્યાપીઠમાંથી પ્રાધ્યાપક અને ડીનપદેથી સેવાનિવૃત્ત થયા છે.
તેમણે અત્યાર સુધીમાં 17 ગ્રંથો આપ્યા છે. ‘ગૂંજ રહી શહનાઈ’ (1962); ‘યુગવીણા’ (1978); ‘સુધી ભીગા મન’ (1983); અને ‘દેશ કા દર્દ’ (1998) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘અજીત અનુશીલન’ (1957); ‘નાટકકાર પ્રેમી ઔર શપથ’ એ બંને વિવેચનગ્રંથો છે. ‘આધુનિક હિંદી કવિયોં કા સામાજિક દર્શન’ (1972) સંશોધનગ્રંથ છે. ‘અભિનવ એકાંકી’ (એકાંકી) સંપાદન છે. ‘હમારા રત્નદીપ’ (1982) ચરિત્ર તથા ‘કાવ્યસલિલ’ (1989) તેમની ઉલ્લેખનીય કૃતિઓ છે.
આ માટે તેમનું 1992માં રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી વિશિષ્ટ સાહિત્યકાર સન્માન તેમજ રાજસ્થાન સરકાર તરફથી લેખક અને સ્વાતંત્ર્યસૈનિક તરીકેનું બહુમાન કરવામાં આવ્યું છે.
બળદેવભાઈ કનીજિયા