વિજયવર્ગીય, દયાકૃષ્ણ
February, 2005
વિજયવર્ગીય, દયાકૃષ્ણ (જ. 8 એપ્રિલ 1929, ચજવા, જિ. બરન, રાજસ્થાન) : હિંદી કવિ અને લેખક તથા ધારાશાસ્ત્રી. 1957-62 સુધી તેઓ ધારાસભ્ય (રાજસ્થાન); 1980 અને 1990-93 દરમિયાન રાજસ્થાન સાહિત્ય અકાદમીના પ્રમુખ; 1978-83 સુધી રાજસ્થાન યુનિવર્સિટીમાં સેનેટર અને 1996 પછી અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા.
અત્યાર સુધીમાં તેમણે 26 ગ્રંથો આપ્યા છે. તેમના જાણીતા કાવ્યસંગ્રહોમાં ‘આંતરિક’(1969), ‘અનજાને’ (1978), ‘ઇન્દ્રધનુષ કા આઠવાં રંગ’ (1991), ‘ઉત્તર હલદીઘાટી’ (1995) અને ‘શબ્દ તક ઊતરી હૈ અનુભૂતિ’(1996)નો સમાવેશ થાય છે. ‘ઉલઝન’ (1953), ‘બડી મછલી’ (1992), ‘એક ઓર ક્રાન્તિ’ (1994) એ નાટ્યસંગ્રહો છે. જ્યારે ‘સૃદૃષ્ટિ કા સગુન પક્ષ’ (1987) તેમનું એકાંકી નાટક છે. ‘રાજસ્થાની કાવ્ય મેં શૃંગાર ભાવના’ (1971) અને ‘વિચારોં કે અમલ્તાસ’ (1995) તેમના નિબંધસંગ્રહો છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી મીરાં પુરસ્કાર અને દીનદયાળ ઉપાધ્યાય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમને રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી વિશિષ્ટ સાહિત્ય સન્માન, વિક્રમશીલા હિંદી વિદ્યાપીઠ તરફથી ‘વિદ્યાસાગર’ અને ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન તરફથી ‘સાહિત્યભૂષણ’ના ખિતાબ પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા