વિક્ટોરિયા : કૅનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા બ્રિટિશ કોલંબિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 25´ ઉ. અ. અને 123° 22´ પ. રે.. તે વાનકુવર ટાપુના અગ્નિ છેડાની ધાર પર કૅનેડાયુ.એસ.ની સરહદ નજીક આવેલું છે. તેનો શહેરી વિસ્તાર માત્ર 18 ચોકિમી. જેટલો જ છે, પરંતુ મહાનગરનો વિસ્તાર આશરે 400 ચોકિમી. જેટલો છે. 1999 મુજબ બૃહદ વિક્ટોરિયાની વસ્તી 3,34,368 જેટલી છે, જ્યારે પાટનગરની વસ્તી 79,800 (2000) છે.
પશ્ચિમ કૅનેડાનું આ ઘણું અગત્યનું પ્રવાસી મથક છે. દર વર્ષે 20 લાખ જેટલા પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે. જોવા આવનારા કેટલાક નિવૃત્ત પ્રવાસીઓ તો અહીં આવીને વસી ગયા છે. આ સ્થળ તેની આજુબાજુનાં કુદરતી દૃશ્યોને કારણે તેમજ તેના સાંકડા માર્ગો અને સ્વચ્છ બગીચાઓને લીધે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વળી તેની આબોહવા કૅનેડાના અન્ય કોઈ પણ શહેર કરતાં નરમ, સમધાત (માફકસરની) છે.
અહીં નૌકાઓ બનાવાય છે, લોકોને માછીમારી કરવાનું ખૂબ જ અનુકૂળ પડે છે. આ શહેરમાં સંશોધન અને ટેક્નૉલોજીનો વિકાસ થયેલો છે. જંગલોની પેદાશો તેમજ પ્રવાસન અહીંના મુખ્ય ઉદ્યોગો છે.
ગિરીશભાઈ પંડ્યા