વાળંદ, નરોત્તમ માધવલાલ (જ. 18 સપ્ટેમ્બર 1931, બહુચરાજી, જિ. મહેસાણા) : ગુજરાતી વિવેચક-સંશોધક, હાસ્યસાહિત્ય સર્જક-મીમાંસક, બાળસાહિત્ય-આલેખક. પ્રાથમિક શિક્ષણ આરંભમાં વતનમાં, બાકીનું અમદાવાદમાં, માધ્યમિક શિક્ષણ પણ અમદાવાદમાં. 1950માં એસ. એસ. સી.. શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી. નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા મેરિટ સ્કૉલરશિપ સાથે 1954માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી. એ. 1955-1956 દરમિયાન અનુક્રમે ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં દક્ષિણા ફેલો. 1956માં જ ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ.માં પ્રથમ આવી ‘કવીશ્વર દલપતરામ સુવર્ણચંદ્રક’ અને ‘દી. બ. કેશવલાલ ધ્રુવ’ પારિતોષિક મેળવ્યાં. 1955માં પુણેની ડેક્કન કૉલેજમાં ઉનાળાસત્રમાં ભાષાશાસ્ત્રના વર્ગમાં તાલીમ પ્રાપ્ત કરી. 1986માં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.
1956થી 1986 દરમિયાન નિવૃત્તિ સુધી તેઓ ભરૂચમાં ગુજરાતીના પ્રાધ્યાપક. એમનાં 16 જેટલાં વિવિધ પ્રકારનાં પુસ્તકોમાં એમની સર્જક, વિવેચક-સંશોધક અને ચિંતક તરીકેની પ્રતિભા ઊપસે છે. ‘રણછોડદાસ ગિરધરભાઈ’ (1966), ‘આપણા જ્યોતિર્ધરો’ (1980), ‘ક્રાંતિવીર છોટુભાઈ પુરાણી’ (1984) એમણે લખેલાં જીવનચરિત્રો છે, જેમાં ચરિત્ર-નાયકનાં હૃદયંગમ ચિત્રો સાથે તેમની પ્રતિષ્ઠાનું મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે. ‘મફતિયા મેન્ટાલિટી’ (1970), ‘પરોપદેશે પાંડિત્યમ્’ (1983) એમના હાસ્યરસના લેખોના સંગ્રહો છે. એમાં એમણે નર્મમર્મ કટાક્ષ દ્વારા માનવસ્વભાવનું વૈચિત્ર્ય લાક્ષણિક શૈલીમાં પ્રગટાવી વ્યંગકાર તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી છે. હાસ્યસાહિત્ય-સમીક્ષાનાં એમનાં બે પુસ્તકો છે. ‘અર્વાચીન ગુજરાતનું હાસ્યસાહિત્ય’ (1988) એમનો પીએચ.ડી.નો સ્વાધ્યાયગ્રંથ છે, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. એમાં એમણે ગુજરાતીમાં કાવ્ય અને નિબંધક્ષેત્રે ખેડાયેલા હાસ્યરસનું ઐતિહાસિક અવલોકન આલેખ્યું છે. ‘હાસ્યપરામર્શ’(1991)માં હાસ્ય વિશે તાત્ત્વિક મીમાંસાના નિબંધો આપ્યા છે. એમનાં અન્ય વિવેચનો ‘સૌરભ’(1979)માં સંગ્રહાયેલાં છે. ‘બહુચરાજી’ (1968) અને ‘સંસ્કૃતિ અને ગુજરાત’ (1979) એમનાં સંશોધનનાં પુસ્તકો છે.
પ્રેમાનંદરચિત ‘રણયજ્ઞ’(1975)નું સટીક સંપાદન એમણે કર્યું છે, તો ‘સંસાર અને સમાજ’(1998)માં એમણે સામાજિક નિબંધો આપ્યા છે. ‘છીપલાં’ (1976), ‘ગુંજન’ (1989), ‘હાસ્યકાવ્યકથા’ (1993) એમના બાળગીતોના સંગ્રહો છે. ‘એકડાનો અસહકાર’ (1990) એમની બાળવાર્તાઓનો સંગ્રહ છે.
મનોદ દરૂ