વાલ્વિસ બે (Walvis Bay) : દક્ષિણ આફ્રિકાનો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો પ્રદેશ. તે વિંધોકથી પશ્ચિમી નૈર્ઋત્ય તરફ 275 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 59´ દ. અ. અને 14° 31´ પૂ. રે.. તે દેશના બાકીના વિસ્તારના સંદર્ભમાં નામિબિયાના દક્ષિણ ભાગથી અલગ પડે છે. તેનો કુલ વિસ્તાર 1,124 ચોકિમી. જેટલો અને વસ્તી 1999 મુજબ 50,000 જેટલી છે. વાલ્વિસ બે તેનું મોટામાં મોટું શહેર છે. વાલ્વિસ બે નામિબિયાના વેપાર માટેનું ઊંડા જળનું એકમાત્ર મુખ્ય બંદર પણ છે. માંસ-પ્રક્રમણ, વાતશૂન્ય ડબાઓમાં પૅકિંગ અને માછીમારી તેના મહત્વના ઉદ્યોગો છે.
પૉર્ટુગીઝ ખલાસીઓ અહીં આવનારા શ્વેત લોકોમાં સર્વપ્રથમ હતા. તેઓ 1487માં અહીં ઊતરેલા; પરંતુ અશ્વેત આફ્રિકી લોકો તો અહીં ઘણા લાંબા વખતથી વસતા હતા. 1884-1993 સુધી તે દક્ષિણ આફ્રિકાના વહીવટ હેઠળ રહેલો. દરમિયાન 1910માં દક્ષિણ આફ્રિકાને દેશ તરીકે દરજ્જો મળ્યો ત્યારે વાલ્વિસ બે તેનો ભાગ બન્યું. 1920માં રાષ્ટ્રસંઘે દક્ષિણ આફ્રિકાને નામિબિયાનો વહીવટ સોંપ્યો, ત્યારથી દક્ષિણ આફ્રિકા વાલ્વિસ બેનો નામિબિયાના ભાગ તરીકે વહીવટ કરતું આવેલું.
1990માં નામિબિયા સ્વતંત્ર દેશ તરીકે અલગ પડ્યો. નામિબિયાના નેતાઓ ઇચ્છતા હતા કે વાલ્વિસ બે નામિબિયાનો ભાગ બને, પરંતુ દક્ષિણ આફ્રિકી નેતાઓની ઇચ્છા તેને પોતાના દેશના ભાગ તરીકે રાખવાની હતી. 1992-93માં અહીં દક્ષિણ આફ્રિકા અને નામિબિયાનો સંયુક્ત વહીવટ રહેલો. 1993માં દક્ષિણ આફ્રિકાએ વાલ્વિસ બેના સાર્વભૌમત્વની તરફેણમાં પોતાનો હક છોડી દીધો. પહેલી માર્ચ 1994માં નામિબિયાને તેનો પૂરો કબજો મળ્યો. 1996 મુજબ વાલ્વિસ બે પ્રાંતની વસ્તી 16,77,200 જેટલી હતી. તેની વસ્તીગીચતા દર ચોકિમી. માત્ર 2 વ્યક્તિની છે. 61 % વસ્તી ગ્રામીણ છે.
ગિરીશભાઈ પંડ્યા