વાયોલા (Viola L.)
January, 2005
વાયોલા (Viola L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વાયોલેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 500 જાતિઓ ધરાવે છે જે મોટેભાગે શીતકટિબંધમાં થાય છે. વાયેલા ઓડોરાટા અને વા. કેનિના (The Sweet and dog violets), વા. ટ્રાઇકલર (The Pansy or heart’s – ease) તેની જાણીતી જાતિઓ છે અને બગીચાઓમાં ઉગાડાય છે.
તેના છોડ નાનાં અને મોટાં ઉપપર્ણોવાળા હોય છે. પુષ્પો એકાકી કક્ષીય હોય છે. તે જ કક્ષમાંથી શાખા પણ સાથે જ નીકળે છે. બીજાશયની ફરતે પરાગાશયો વલયમાં ગોઠવાયેલાં હોય છે અને પરાગવાહિનીની નીચે વિવિધ આકારની ભ્રમિ રચે છે. તેના અગ્ર ભાગે બોરિયું હોય છે. નીચેની દલપુંજની પાંખડી શંકુમિત નલિકાની રચના કરે છે; જેમાં મધુ ભેગું થાય છે. પાંખડી પરની રંગીન લીટીઓ મધુગ્રંથિ સુધી પહોંચતી હોય છે અને મધના જથ્થાનું માર્ગદર્શન કરે છે. વાયોલાનાં મોટાં પુષ્પોમાં સ્વફલન શક્ય બનતું નથી. વાયોલા ટ્રાઇકલરમાં પરાગરજ અગ્રસ્થ દલપત્ર પર વિખેરાય છે. પુષ્પની મુલાકાતે આવનાર કીટકના શરીર પર પરાગરજ ચોંટે છે. પરાગાસનનો નીચલો છેડો એક પડદા વડે સજાવાયો હોય છે. પુષ્પમાંથી પાછું ફરતું કીટક બહાર નીકળે ત્યારે તેના ધક્કાથી આ પડદો પરાગાસન પર બંધ થઈ જાય છે. આમ, પુષ્પની પરાગરજ પોતાના પરાગાસન સુધી પહોંચી શકતી નથી. આ સુંદર પુષ્પોમાં ભાગ્યે જ બીજ બેસે છે. ક્યારેક પરફલન થાય તો બીજ ઉત્પન્ન થાય છે; નહિતર, અંતે તે સુકાઈ જાય છે. ઋતુના અંતભાગે છોડ પર સંવૃત (cleisogamous) પુષ્પો આવે છે. આ પુષ્પો ક્યારેય ખૂલતાં નથી અને સ્વપરાગનયન પામી બીજ ઉત્પન્ન કરે છે.
ફળ ત્રિકોટરીય સ્ફોટી હોય છે. સ્ફોટન થતાં જરાયુ જોરથી ઉપરની બાજુ વળે છે અને બીજને દૂર સુધી ફેંકે છે.
વાયોલાનાં પુષ્પ અથવા ક્વચિત્ આખો છોડ (ગુલે બનફશા) ઔષધ તરીકે વપરાય છે. તે ઉત્તમ શામક ઔષધ છે. તે સ્વાદિષ્ટ હોઈને તેનું શરબત બનાવી ઉપયોગમાં લેવાય છે.
વાયોલા ઓડોરાટાની ખેતી ફ્રાન્સમાં કરવામાં આવે છે. એનાં પુષ્પોમાંથી મળતું સુગંધી તેલ કીમતી ગણાય છે; જે Creme de violette તરીકે જાણીતું છે. પુષ્પો પર સાકરનું પડ ચઢાવી મીઠાઈ બનાવાય છે. તેના પાનનો ઉકાળો ખાંસી શાંત કરે છે.
મીનુ પરબિયા, દિનાઝ પરબિયા