વાયૅલા (Whyalla)
January, 2005
વાયૅલા (Whyalla) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 33° 02´ દ. અ. અને 137° 35´ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે ઑગસ્ટા બંદર, પૂર્વે સ્પેન્સરનો અખાત અને પિરી (pirie) બંદર, અગ્નિ તરફ ઍડેલેડ શહેર, દક્ષિણે લિંકન બંદર તથા પશ્ચિમે મોટેભાગે શુષ્ક રહેતું ગીલ સરોવર આવેલાં છે. તેની ઈશાનમાં ફ્લિન્ડર્સ ગિરિમાળા પથરાયેલી છે.
આ શહેર સમુદ્રકિનારે આવેલું હોવાથી તેની આબોહવા સમધાત રહે છે. અહીં ઉનાળા (જાન્યુઆરી) અને શિયાળા(જુલાઈ)નાં તાપમાન અનુક્રમે 22.8° સે. અને 14.4° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 635 મિમી. જેટલો પડે છે.
અહીં લોખંડ-પોલાદ, ભારે ઇજનેરી યંત્રો તથા રસાયણો બનાવવાના મહત્વના ઔદ્યોગિક એકમો આવેલા છે. લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે જરૂરી લોહઅયસ્ક મિડલબૅક હારમાળામાંથી મેળવાય છે. 1901માં બ્રોકન હિલ પ્રોપ્રાયટરી (BHP) દ્વારા સર્વપ્રથમ લોખંડ-પોલાદનું કારખાનું અહીં સ્થપાયેલું.
અહીંનો સમુદ્રકિનારો ઊંડો હોવાથી જહાજવાડાના એકમો કાર્યરત છે. ભૂમિમાર્ગ, જળમાર્ગ અને હવાઈમાર્ગથી તેમજ નજીકના પિરી બંદરથી વાયૅલા સંકળાયેલું છે. ઉદ્યોગો માટે જરૂરી જળપુરવઠો મરે નદીમાંથી 360 કિમી. લાંબી પાઇપલાઇન દ્વારા મેળવાય છે.
1996 મુજબ આ શહેરની વસ્તી 23,382 જેટલી છે.
નીતિન કોઠારી