વાન ગોયેન, ઇયાન (જ. 1596, નેધર્લૅન્ડ્ઝ; અ. 1656, નેધર્લૅન્ડ્ઝ) : ડચ બરોક નિસર્ગ-ચિત્રકાર. તેમણે હાર્લેમમાં ઈસાઈઆસ વાન દે વેલ્ડે હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવેલી. નીચે ધુમ્મસભર્યા વાતાવરણથી ઘેરાયેલા ગોરંભાયેલા આકાશ નગર કે ખંડેરોને સુદૂર ચીતરવા માટે તેઓ જાણીતા છે. અન્ય પ્રારંભિક ડચ બરોક નિસર્ગ-ચિત્રકારોની માફક વાન ગોયેનના રંગોમાં લીલી ઝાંયવાળા ભૂખરા, રાખોડી અને કથ્થાઈ રંગો મુખ્ય છે તથા આછા પીળા અને આછા આસમાની રંગથી તેઓ પ્રકાશનું આલેખન કરે છે; પરંતુ વિષયની અને રંગોની આટલી મર્યાદાઓમાં બંધાઈ રહેવા છતાં વાન ગોયેનનાં ચિત્રોમાં અદભુત વૈવિધ્ય અને નાવીન્ય જોવા મળે છે. તેમનાં ચિત્રોમાં ખંડેરો, નગર, કિલ્લા, ટેકરીઓ, જંગલો, પર્વતો અને સરોવરોની ગોઠવણી ભૌમિક સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવેલી જોવા મળે છે; એટલે કે જે દૃશ્ય જેવું દેખાયું તેવું નહિ, પણ તેમાંના ઘટકોને ભૂમિતિના આધારે આઘાપાછા કે નાના મોટા કરીને તેઓ ચીતરતા. તેમનાં ચિત્રોને નેધર્લૅન્ડ્ઝમાં અપૂર્વ લોકપ્રિયતા સાંપડેલી. ડચ નિસર્ગ-ચિત્રણાના બેતાજ બાદશાહ ગણાતા ચિત્રકાર રુસ્ડાયેલ સાથે તેમની સરખામણી થવી તેમના જીવતાં જ શરૂ થઈ ગયેલી, નિ:શંકપણે તેમણે જ ચીતર્યાં હોય તેવાં ઓછામાં ઓછાં 1,200 નિસર્ગચિત્રો આજે જોવા મળે છે. તેઓ ઘણું કમાયા, પણ બેફામ ખર્ચાને કારણે ગરીબી અને નાદારીમાં મૃત્યુ પામ્યા. એમના જમાઈએ એમનું એક વ્યક્તિચિત્ર ચીતરેલું એ પરથી એમના પોતાના દેખાવનો અંદાજ આજે આવે છે.
અમિતાભ મડિયા