વાધન, અમરસિંગ (જ. 14 જુલાઈ 1947, અમૃતસર, પંજાબ) : હિંદી તથા પંજાબી લેખક. તેમણે હિંદીમાં, અંગ્રેજીમાં અને રાજ્યશાસ્ત્રમાં એમ.એ. તથા પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી., પીજી ડીસીટી, સીસીજીની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ સિન્ડિકેટ બૅંક સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, નવી દિલ્હીના સિનિયર ફેકલ્ટી મેમ્બર રહ્યા તેમજ અધ્યાપન-કાર્ય કર્યું.
તેમણે 1970-78 દરમિયાન પંજાબની વિવિધ કૉલેજોમાં અધ્યાપક; 1978-82 સુધી પંજાબ સ્કૂલ એજ્યુકેશન બૉર્ડના લૅન્ગ્વેજ એક્સ્પર્ટ તરીકે કામગીરી કરી. તેમણે અંગ્રેજી તેમજ હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. ‘સમકાલીન હિંદી કહાની’ (1987) તેમનો વિવેચનગ્રંથ છે. ‘અનુવાદ ઔર સંસ્કૃતિ’ (1997) અનુવાદ અંગેનો તેમનો ગ્રંથ છે. ‘ચેતના કે સ્વર’ (1997) ઊર્મિપ્રધાન નિબંધસંગ્રહ છે. ‘નારી મનોવિજ્ઞાન’ (1998), ‘વ્યવહાર-વિજ્ઞાન’ (1998) બંને તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘રાષ્ટ્રગૌરવ અટલબિહારી વાજપેયી’ (1999) તેમનો ચરિત્રગ્રંથ છે.
સાહિત્યિક સેવા બદલ તેમને 1998માં રાષ્ટ્રભાષા શિખર સન્માન મળેલું. 1987માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરાયા. 1994માં તેમને ‘સમન્વયશ્રી’ પદવી અને ‘અહિંદીભાષી હિંદી સેવા સન્માન’ આપવામાં આવ્યાં હતાં.
બળદેવભાઈ કનીજિયા