વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)
January, 2005
વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout) : આઢ્યવાત (ધનવાનોને થતો વાતવ્યાધિ), ખુડ્ડુવાત (નાના સાંધાનો વા), વાત બલાસ અને આધુનિક વિજ્ઞાનમાં ‘ગાઉટ’ (gout) નામે ઓળખાતો, આયુર્વેદમાં નિર્દિષ્ટ ગાંઠિયા વાનો રોગ.
રોગ–પરિચય : વાતરક્ત રોગમાં પોતાનાં કારણોથી દૂષિત થયેલ લોહી વાયુ સાથે ભળીને ખાસ કરી હાથ-પગના નાના સાંધાઓમાં અને વિશેષ રૂપે પગના અંગૂઠાની સંધિમાં રોગ રૂપે પ્રગટે છે. રોગનો પ્રારંભ સામાન્ય રીતે અચાનક અને મોટાભાગે મધ્ય રાત્રિએ થાય છે. રોગની શરૂઆતમાં મોંનો સ્વાદ બગડવો, પેશાબ અલ્પ થવો તથા સામાન્ય તાવ આવવો જેવાં લક્ષણો દેખાય છે. હાથ-પગનાં નાનાં આંગળાંના સાંધામાં અનિયમિત આકારની નાની-મોટી ગાંઠો ઊપસે છે; જેમાં સોય ભોંકાવા જેવી પીડા કે દાહ થાય છે. ચળ, સોજો, જકડાટ, ત્વચામાં કડકાઈ, શિરાસ્નાયુ તથા ધમનીમાં (વાયુથી) સ્પંદન, સાંધાઓમાં નબળાઈ, હાથ-પગનાં તળિયાંમાં, આંગળીઓ, ગુલ્ફ (એડી) તથા મણિબંધ(કાંડા)માં કાળાશ પડતા લાલ રંગનાં મંડળો કે ગોળ ચકરડાં (વ્રણ) અચાનક પેદા થતાં જોવા મળે છે. આ રોગની ખાસિયત એ છે કે દિવસે દર્દીને આરામ રહે છે, પરંતુ રાતના સમયે (સાંધામાં તથા ચકરડામાં) તીવ્ર વેદના થાય છે. આ રોગમાં વાયુ અને લોહી બંને પોતપોતાનાં કારણોથી પ્રકુપિત થઈ સાથે મળીને આ રોગ પેદા કરે છે. આ રોગમાં, કોઢમાં થાય છે તેમ, ત્વચામાં સંપૂર્ણ સંજ્ઞાહીનતા પેદા થતી નથી તેમજ તેમાં કોઈ જાતનાં જંતુઓ પેદા થતાં નથી. કોઢ(લેપ્રસી)માં થાય છે તેમ, આ રોગને કારણે અંદરનાં હાડકાં સડવા કે ગળવા લાગતાં નથી. નાના સાંધામાં અનિયમિત આકારની ગાંઠો અને રાતે વધુ પીડા એ આ રોગની ખાસિયત છે. ઠંડી ચીજવસ્તુ લેવાથી આ રોગ વધે છે.
રોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે આ રોગ સ્થૂલ, સુખી (આરામપ્રિય) અને કોમળ પ્રકૃતિના લોકોને મિથ્યા (ખોટા) આહાર-વિહારને કારણે થાય છે; જેમ કે, વધુ શોક, વધુ સંભોગ, મદ્યપાન (પૉર્ટ, શેરી, રેડ વાઇન જેવા તીક્ષ્ણ દારૂનું સેવન) કે સુરાપાન; પ્રાણીઓનો (પગ લટકાવીને બેસવાના) વાહન તરીકે ઉપયોગ તથા દાહ કરે તેવા ખાટા-તીખા-ખારા પદાર્થોનું વધુ પડતું સેવન કે પગથી ખૂબ ચાલવું જેવાં કારણોથી આ રોગ થાય છે. આધુનિક (નવીન) મતે અને વાતરક્ત (ગાઉટ) રોગ પ્યૂરિન (purin) નામના વિશિષ્ટ પ્રોટેન તત્વનું સમ્યક પાચન ન થવાની ખામીથી થાય છે. સામાન્ય રીતે આપણા લોહીમાં મૂત્રામ્લ(uric acid)ની માત્રા 100 સી.સી.રક્તમાં 3 મિલિગ્રામ જેટલી રહે છે. વધારાનો કે બિનજરૂરી પ્યૂરિનનો જથ્થો પ્રાય: કિડની દ્વારા, પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે; જેથી રક્તગત મૂત્રામ્લની કુદરતી માત્રાનું નિયમન થાય છે. પરંતુ જે લોકો આનૂપ કે જલજ (માછલી) આદિ, પ્રાણીઓ અને ઘેટાંનું માંસ કે જે પ્યૂરિનતત્વપ્રધાન હોય છે તે, તેમજ તેજ દારૂ કે આસવો તથા શુક્ત પદાર્થોનું વધુ સેવન કરે છે તેમના લોહીમાં મૂત્રામ્લની માત્રા કુદરતી માત્રા કરતાં ખૂબ વધી જતાં તે કિડની દ્વારા પૂર્ણ રીતે બહાર નીકળી જઈ શકતી નથી. તેથી વધારાની માત્રા લોહીમાં ભળી તેને દૂષિત કરી, આ રોગ પેદા કરે છે. પ્રાય: આ મૂત્રામ્લ(યુરિક ઍસિડ)ના વધારાનો તથા બિનજરૂરી જથ્થો હાથ-પગનાં આંગળાંના નાના સાંધાઓ તથા તરુણાસ્થિઓમાં સોડિયમ બાયયુરેટ રૂપે સંચિત થાય છે, જે સાંધા ઉપરાંત બાહ્ય કાનના તરુણાસ્થિ, કિડની તથા રક્ત-ધમનીની દીવાલોમાં સંચિત થવાથી, ધમનીઓની કઠણતા તથા ઊંચું રક્તદબાણ (હાઇ બી. પી.) થાય છે. આ રોગમાં બહારના કાનનાં કોમળ હાડકાંઓમાં સોડિયમ બાયયુરેટ તત્વ એકત્ર થવાથી તેમાં ‘વાતાશ્મ’ (વાયુની પથરી, Tophi) પેદા થાય છે, જે આ રોગનું ખાસ લક્ષણ છે.
આયુર્વેદ વિજ્ઞાને આ રોગની ઉત્પત્તિમાં ખારા-ખાટા-તીખા, ચીકણા અને ગરમ પદાર્થોના સેવન; અજીર્ણમાં ભોજન; સડેલા-ગળેલા અને સૂકા માંસનું ભોજન; માંસ-માછલી, તલનો ખોળ, કંદ-શાક, કે મૂળા, કળથી, અડદ, ચોળા, શેરડી, દહીં, સરકો, મઠો, આસવ-દારૂ વગેરેના અધિક સેવન ઉપરાંત વધુ આહાર, વિરુદ્ધાહાર, ક્રોધ, દિવસે નિદ્રા તથા રાતે જાગરણને પણ ખાસ કારણ તરીકે ગણાવેલ છે.
રોગની શરૂઆત : વાતરક્ત(ગાઉટ)માં પ્રાય: વ્યક્તિ રાતે સૂતી હોય ત્યારે લગભગ મધ્ય રાત્રિના સમયે પગના અંગૂઠામાં અચાનક જ તીવ્ર પીડા અને દાહ-ચીસ જેવી પીડાનો અનુભવ થાય છે. અંગૂઠો સૂઝી જાય છે અને તે દબાવવાથી તેમાં જરા ખાડો પડે છે. કદી કદી આ રોગ ગુલ્ફ સંધિ (ankle joint : ઘૂંટી) તથા હાથના કાંડા(મણિબંધ)ના સાંધાથી પણ શરૂ થાય છે. આ રોગનો ભોગ થતા દર્દીને તાવ (તાપમાન) વધી જાય છે અને થોડી વાર પછી પરસેવો આવી, તાવ ઊતરી જાય છે. આ સમયે દર્દવાળો ભાગ લાલ રંગનો થઈ જાય છે; જે ધીરે ધીરે ઉપરની દિશાના સંધિઓ(ઘૂંટી, ઘૂંટણ, હાથના આંગળાંના નાના સાંધા તથા કાંડાનાં હાડકાં)ની તરફ ક્રમશ: વધે છે. આ રોગ પ્રથમ ડાબી કે જમણી એમ એક તરફના સાંધામાં દેખાય છે. ત્યારપછી આ રોગનો હુમલો અવારનવાર થયા કરે છે. એવા અનેક હુમલા થયા બાદ સાંધાઓ ફરી મૂળ અવસ્થામાં નથી આવતા. મૂત્રામ્લ (ક્ષાર) નાના સાંધામાં જમા થવાથી તેનો આકાર અનિયમિત ટેકરા જેવો વિકૃત અને કદીક ગીધના માથા જેવો થઈ જાય છે. આ દર્દ આગળ વધે ત્યારે વિકૃતિની જગ્યાની ત્વચામાં ચીરો પડે છે અને તેની અંદરથી મૂત્રામ્લ (મિહિક અમ્લ : યુરિક ઍસિડ) એક સફેદ ચૂર્ણમય પદાર્થ રૂપે બહાર નીકળવા લાગે છે. તેથી ત્વચા વ્રણ (જખમ) યુક્ત બની જાય છે; જે ભારે મુશ્કેલીથી રુઝાય છે. આ રોગ થતાં દર્દીનું સ્વાસ્થ્ય હણાય છે અને ભૂખ ઓછી લાગવા સાથે હાઇ બી. પી. અને નાડીઓની કઠિનતાનાં લક્ષણો સ્થાયી થઈ જાય છે.
રોગનાં પૂર્વલક્ષણો : વાતરક્ત થતાં પૂર્વે શરીરમાં વધુ પરસેવો થવો કે સાવ પરસેવો ન થવો, શરીર કાળું પડવું, પ્રભાવિત સ્થાને સ્પર્શનો અનુભવ ન થવો અથવા તાવ, મૂત્રાલ્પતા, વિકૃત સ્થાન પર કે તેમાં ચાંદું પડતાં ત્યાં ખૂબ પીડા થવી, સાંધા ઢીલા પડવા, આળસ, શરીરમાં થાકનો અનુભવ, મુખસ્વાદ બગડવો, શરીરનાં ઢીંચણ, જાંઘ, સાથળ, કમર, હાંસડી-ખભા અને હાથ-પગના નાના સાંધાઓમાં ફોલ્લીઓ થવી અને તેમાં તીવ્ર પીડા થવી; તે અંગોમાં ફરકાટ, સંજ્ઞાશૂન્યતા, ભારેપણું કે ખૂજલી થવી એ આ રોગનાં પૂર્વલક્ષણો છે. સાંધાઓમાં – વિકાર વારંવાર થાય છે ને બેસી જાય છે. પ્રભાવિત સ્થળની ત્વચા બીજા રંગની થાય છે ને તેમાં ચકરડાં પડી જાય છે.
રોગનાં લક્ષણો તથા પ્રકારો : વાતરક્ત રોગના 4 પ્રકારો છે : (1) વાતપ્રધાન, (2) રક્તપ્રધાન, (3) પિત્તપ્રધાન અને (4) કફદોષપ્રધાન. ચરકે આ રોગના ઉત્તાન અને ગંભીર એવા બે પ્રકારો બતાવેલ છે. તેમાં ઉત્તાન એ ઉપરની સપાટીમાં થતો રોગ છે અને ગંભીર છેક હાડકાં સુધી પહોંચેલ રોગ છે અને તે ઉત્તાનનું વધુ ગંભીર સ્વરૂપ છે.
(1) વાતપ્રધાન વાતરક્ત : આ પ્રકારમાં શૂળ-પીડા, ફરકાટ તથા અંગો તૂટવાં જેવી પીડા વધુ રહે છે. સોજામાં લૂખાશ, કાળાપણું તથા રોગનાં લક્ષણોમાં અવારનવાર વધઘટ (વિષમતા) જણાય છે. ધમની (નસો) અને આંગળીઓના સાંધા સંકોચાય છે. શરીર જકડાય છે અને તેમાં પીડા ખૂબ વધુ થાય છે. રોગી ઠંડી વસ્તુનો બહિષ્કાર કરે છે. ઠંડી ચીજવસ્તુથી રોગ વધે છે તે સાથે સ્તંભ, કંપન અને સુપ્તિ (સ્પર્શજ્ઞાન ન થવું) – એ લક્ષણો થાય છે.
(2) રક્તપ્રધાન વાતરક્ત (ગાઉટ) : આ પ્રકારમાં પ્રભાવિત સ્થાને સોજો વધુ પડતી પીડાવાળો અને લાલ (અરુણ) રંગનો થાય છે. તેમાં સોય ભોંકાવા જેવી પીડા તથા ઝમઝમાટી થાય છે. આ સોજો સ્નિગ્ધ કે લૂખા કોઈ પણ પદાર્થથી શાંત થતો નથી. તેમાં ખૂજલી અને ક્લેદ (જખમમાં રસી-પાણી-સ્રાવ) વધુ હોય છે.
(3) પિત્ત–દોષજ વાતરક્ત : આ પ્રકારમાં પ્રભાવિત સ્થાને દાહ, ઇંદ્રિયમોહ, પરસેવો, મૂર્ચ્છા, મદ (ઘેન), તરસ વધુ લાગવી, પીડાના સ્થાને સ્પર્શ (દબાણ) સહન ન થવો, વિકારના સ્થાને લાલાશ, સોજો, પાક તથા ખૂબ ગરમી જણાવાનાં લક્ષણો થાય છે.
(4) કફ–દોષજ વાતરક્ત : આ પ્રકારમાં શરીર ભીનું તથા ભારે જેવું રહેવું, અંગોમાં સંજ્ઞાજ્ઞાન ઓછું, સ્નિગ્ધતા અને ઠંડક રહેવાં, ખૂજલી અને પીડા હળવી રહેવી જેવાં લક્ષણો પ્રગટે છે. (નોંધ : જે રોગમાં બે દોષોનો સંબંધ હોય તે બે દોષોનાં અને ત્રણે દોષ હોય તો ત્રિદોષનાં મિશ્ર લક્ષણો દર્દીમાં જોવા મળે છે.) આ રોગમાં રક્તધમનીની અંદરની દીવાલોમાં સોડિયમ બાયયુરેટ(ક્ષાર)નો સંચય થવાથી તે કઠણ તથા સંકુચિત થઈ જાય છે; જેથી ભારે રક્તદબાણ (હાઈ બી. પી.) થાય છે. વળી આંગળીઓના તથા અન્ય નાના સાંધાઓમાં તે તત્વના એકત્રિત થવાથી તેમાં વિકાર (સંકોચ કે વાંકાપણું) થઈ જાય છે. જે રોગ ત્વચાગત (ઉપલી ત્વચામાં) હોય છે, તેમાં વાયુની પથરી (ટૉફી : કણ) જોવા મળે છે; જ્યારે ઉત્તાન સ્વરૂપમાં ખૂજલી, દાહ, પીડા, તોદ, સંકોચન તથા ત્વચામાં લાલાશ જણાય છે. ગંભીર વાતરક્ત સંધિના આશ્રયે થાય છે; જેથી તેમાં સોજો, જકડાટ, અંદર તીવ્ર પીડા, સોજામાં લાલાશ, દાહ, સોય ભોંકાવાની પીડા, ફરકાટ તથા પાક થાય છે. સાંધાઅસ્થિ-મજ્જામાં રહેલ વાયુ હાથ-પગનાં આંગળાંને વાંકાં-ચૂકાં કરી નાંખે છે; જેથી કદીક લંગડાપણું કે પાંગળાપણું પેદા થાય છે.
અસાધ્ય રોગનાં લક્ષણો : જે વાતરક્ત અંગૂઠાથી શરૂ થઈ, ઢીચણના સાંધા સુધી પહોંચેલ હોય; જેમાં ત્વચા પોચી પડી ગઈ હોય કે ફાટીને તેમાંથી સ્રાવ થતો હોય; જે પ્રાણ ક્ષય કરાવનાર તથા માંસક્ષય, નિદ્રાનાશ, જખમમાં પરુ પેદા કરનાર, તાવ અને કિડનીના ઉપદ્રવોયુક્ત હોય તે પ્રાય: અસાધ્ય હોય છે. જે રોગમાં અનિદ્રા, અરુચિ, શ્વાસ, માંસમાં સડો, તીવ્ર મસ્તક-પીડા, મૂર્ચ્છા, ઘેન, શરીરમાં પીડા, તૃષા, તાવ, મોહ, કંપવાત, હેડકી, પંગુતા, રતવા, પાક, સોય ભોંકાવાની પીડા, ભ્રમ (ચક્કર), શ્રમ વિના થાક, આંગળીઓ વાંકી થવી, ફોલ્લા થવા, દાહ, મર્મસ્થાનો(મગજ, હૃદય, પેઢું)માં તીવ્ર પીડા, ગાંઠ (ટ્યૂમર) જેવા ઉપદ્રવો કે સતત બેભાનપણું હોય તે તથા ત્રણેય દોષોથી થયેલ રોગ પણ અસાધ્ય છે.
ચિકિત્સા : (અ) વાતદોષપ્રધાન પ્રકારમાં : સ્નેહન કરીને પછી સ્નેહ (તેલની) બસ્તિ (ઍનિમા) દેવાય છે. દાહ ન કરે તેવા ઉષ્ણ જળથી સ્વેદ (શેક), તથા બલા તેલ જરા ગરમ કરી પીડાના સ્થાને માલિસ કરવામાં આવે છે. ઔષધમાં – (1) બકરીના દૂધમાં 1-2 ચમચી તલનું તેલ તથા જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામ મેળવી સવાર-સાંજ લેવામાં આવે છે. (2) સૂંઠ, શિંગોડાં અને કશેરુના ચૂર્ણથી ગરમ કરેલું દૂધ પિવાય છે. (3) દશમૂળના ભૂકાના ઉકાળામાં આઠ ગણું દૂધ નાખી, ઉકાળો બનાવી, તેમાં જેઠીમધ, મરડાશિંગી, ગોખરુ, ચીડ, દેવદાર, વજ અને રાસ્નાનું ચૂર્ણ 5 ગ્રામ ઉમેરીને પિવાય છે અથવા આ ઔષધદ્રવ્યો પૂર્વોક્ત ઉકાળામાં નાંખી, તેમાં તલતેલ નાંખી, તેલ સિદ્ધ કરી, તે 1-2 ચમચી રોજ સવાર-સાંજ લેવાય છે. (4) જવ, જેઠીમધ, એરંડમૂળ, તલ અને સાટોડીના ચૂર્ણનો ગરમ લેપ રુગ્ણ સ્થાને કરવો હિતાવહ છે. દર્દીને અળસી, તલ, ચારોળી, બદામ, કાજુના પાઉડરની રોટલી બનાવી ખવરાવવાથી કે જવ, ઘઉં, તલ, મગ અને અડદના લોટમાં ઘી-દિવેલનું મોણ નાંખી રોટલી બનાવી દૂધ સાથે આપવાથી લાભ થાય છે. (5) પ્રબળ રોગમાં બિજોરાના રસમાં સિંધવ, સરગવાનાં મૂળ તથા તલ વાટી, તેમાં ઘી ઉમેરી જરા ગરમ કરી, રોગસ્થાને લેપ કરાય છે. (6) સ્વર્ણક્ષીરીના પંચાંગની ઘનવટી બે ગોળી તથા બાલગુટી(સંશમની નં : 3)ની 2-2 ગોળી પાણી સાથે સવાર-સાંજ લઈ, ઉપરથી 1-2 ચમચી ચોખ્ખું મધ ચાટવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ એક માસ કરવાથી રોગમાં ઘણી રાહત થાય છે.
(આ) પિત્તદોષપ્રધાન વાતરક્તમાં : (1) કાળી દ્રાક્ષ, અમલતાસ, કાયફળ, વિદારીકંદ, જેઠીમધ, લાલ ચંદન અને ગંભારી ફળનો ઉકાળો કરી તેમાં સાકર તથા મધ મેળવી સવાર-સાંજ પિવડાવવામાં આવે છે. (2) શતાવરી, જેઠીમધ, પટોલપત્ર, ત્રિફળા અને કડાછાલનો ઉકાળો કરી, સાકર નાંખી પિવડાવાય છે. (3) પંચતિક્ત ઘૃત કે શતાવરી ઘૃત 1-1 ચમચી સવાર-સાંજ મીઠા દૂધ સાથે લેવાય છે. (4) દૂધ, શેરડીનો રસ, જેઠીમધ ચૂર્ણ તથા સાકર મેળવી તેના વડે કે ચોખાના ધોવણ-જળથી, કે દ્રાક્ષ અને શેરડીના ઉકાળામાં કાંઝી (ખટાશ) મેળવી, તેની રોગસ્થાન પર ધાર કરવામાં આવે છે. અથવા જીવનીય ગણથી સિદ્ધ ઘી કે શતધૌત (સો વાર પાણીથી ધોયેલ) ઘીથી રોગસ્થાને માલિસ કરવામાં આવે છે. (5) જરા ગરમ મીઠા દૂધમાં ઘી 1 ચમચી નાંખી રોજ પિવડાવાય છે, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કે ત્રિફળા ચૂર્ણનો જુલાબ પણ આપવામાં આવે છે.
(ઇ) રક્ત દોષાધિક પ્રકારમાં : પિત્ત-દોષજ પ્રકારમાં બતાવેલા ઉપાયો કરવા જરૂરી છે. આ પ્રકારમાં : (1) રક્ત મોક્ષણ (બગડેલું લોહી ઇંજેક્શન સિરિંજ દ્વારા) 20-25 સી. સી. જેટલું છ-છ દિનના અંતરે ખેંચી કઢાવી નાંખવું એ ઉત્તમ ઉપાય છે. (2) અતિ ઠંડાં દ્રવ્યોના શીતળ લેપ કરવાથી રાહત થાય છે; જેમ કે, સાઠી ચોખા, નસોતર, જલવેતસ, તાલીસપત્ર, શિંગોડાં, કમળકાકડીનાં બી, હળદર, સોનાગેરુ, લીલ અને કમળનાં પાનને કાંજી સાથે વાટી, તેમાં ઘી મેળવીને રોગસ્થાન પર લેપ કરવામાં આવે છે. જો તેમાં વાયુદોષ વધુ હોય તો લેપ જરા ગરમ કરી, સહેવાય તેવો લેપ લગાડાય છે. (3) ચંદ્રપ્રભાવટી કે શિલાજિત્વાદિવટીની 2-3 ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવાય છે. દર્દીએ રોજ મોસંબીના કે દાડમના રસ સાથે ચંદ્રકલા રસની 1-2 ટીકડી લેવી હિતાવહ છે. આહાર ઘી-દૂધ, ઘઉં જેમાં ચોખા મુખ્ય હોય તેવો કડવો, મીઠો, તૂરો અને સ્નિગ્ધ લેવો ઇષ્ટ છે. (4) ઊશીરાસવ તથા સારિવાદ્યાસવની 2-2 ચમચી દવામાં સૂરોખાર(સૂર્ય ક્ષાર)-ચૂર્ણ 2 રતી મેળવી, પાણી ઉમેરી દિવસમાં ચાર વાર પીવાથી રક્તની શુદ્ધિ થાય છે અને મૂત્રની માત્રા વધે છે.
(ઈ) કફદોષપ્રધાન પ્રકારમાં : તેમાં હળવી ઊલટી, સ્નેહન (માલિસ), લંઘન (એક ટાણું), ગરમ પદાર્થોનાં લેપ કે તેવા દ્રવ્યના ઉકાળાના પાણીથી શેક (જળધારા) કરવામાં આવે છે. (1) જેઠીમધ, સૂંઠ, હરડે અને કડાછાલ ચૂર્ણ મધ સાથે ચાટવું લાભકારક છે. (2) તલનું તેલ, ગોમૂત્ર, મીઠાનું પાણી, સુરા(આલ્કોહૉલ)ને કાંજી જેવી કફનાશક દવાઓથી કે આરગ્વધાદિ ગણનાં દ્રવ્યોના ચૂર્ણની ગરમ લોપરી કે ઉકાળો કરી પીડાસ્થાને વાપરવામાં આવે છે. દહીં, ગોમૂત્ર, સુરા, કાંજી, જેઠીમધ, સારિવા અને પદ્માક્ષથી સિદ્ધ ઘીનું રુગ્ણ સ્થાને માલિસ કરવામાં આવે છે, અથવા તલ, સરસવ, અળસી અને જવના ચૂર્ણને ગુંદાના રસ, કોઠા, મીઠું અને સરગવાનાં બી સાથે મેળવી, તેમાં ગોમૂત્ર નાંખી વાટીને, ગરમ કરી તેનો રોગસ્થાને લેપ કરાય છે. (3) આ પ્રકારમાં વર્ધમાન પિપ્પલીનો દૂધ-પ્રયોગ પણ ઇષ્ટ છે. અથવા રોજ હરડે, સૂંઠ અને ગોળનું સેવન કરવું ઇષ્ટ છે. બધી જાતના વાતરક્તમાં આંબળાના રસથી સિદ્ધ જૂનું ઘી ખાવા દેવું કે જીવનીય ગણથી સિદ્ધ જૂનું ઘી માલિસ-શેક માટે વાપરવું ઇષ્ટ છે. બલાતેલથી માલિસ કરવી જોઈએ કે ઍનિમા લેવી જોઈએ. તીવ્ર પીડાની શાંતિ માટે પરવળ, ત્રિફળા, શતાવરી, ગળો અને કડાછાલનો ઉકાળો પિવાય છે. આ ઉપરાંત વાતરક્તાન્તક રસ, મહાતાલેશ્વર રસ, અમૃતા ગૂગળ, નિમ્બાદિ ચૂર્ણ, પટોલાદિ ક્વાથ, ગૂડૂપ્યાદિ ક્વાથ, ત્રિફલા ક્વાથ, મહામંજિષ્ઠાદિ ક્વાથ, બલાઘૃત, જીવનીય ઘૃત, ભૃંગરાજાસવ, ચંદ્ર-પ્રભાવટી, કિશોર ગૂગળ, અમૃત ભલ્લાતક અવલેહ આ રોગ માટેની શાસ્ત્રોક્ત દવાઓ છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા